જુઓ, આત્માને પરદ્રવ્ય સાથે કાર્ય-કારણપણું નથી એવી અકાર્યકારણત્વશક્તિની વાત આવી ગઈ. હવે કહે છે-પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞેયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પરિણમ્ય-પરિણામકત્વશક્તિ છે. થોડી સૂક્ષ્મ વાત છે ભાઈ! જરા ધ્યાન રાખી સમજવું. પરજ્ઞેયોને ગ્રહણ કરવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમાણ નામ પરિણમ્યશક્તિ છે, અને જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમેય નામ પરિણામકત્વશક્તિ છે. ધીરે ધીરે સમજો બાપુ અહીં શું કહેવું છે? કે આત્મામાં પ્રમાણ નામની એક શક્તિ છે અને પ્રમેય નામની પણ એક શક્તિ છે. પ્રમાણ તે પરિણમ્ય શક્તિ છે અને પ્રમેય તે પરિણામકત્વ શક્તિ છે. આ બન્ને મળીને આત્મામાં એક પરિણમ્ય-પરિણામકત્વ નામની શક્તિ ત્રિકાળ છે.
‘પરિણમ્ય’ એટલે પરજ્ઞેયો વડે આત્મા પરિણમાવાય છે વા પરજ્ઞેયો આત્માને જ્ઞાનને પરિણમાવે છે એમ નહિ, પણ સામે જેવા પરજ્ઞેયો છે તેવું જ્ઞાનનું સહજ જ પરિણમન પોતાના સ્વભાવથી થાય છે. આવો આત્માનો પરિણમ્ય સ્વભાવ છે. સ્વભાવથી જ પરને જાણવારૂપ પરિણમવાની આત્માની શક્તિ છે. આ પરિણમ્ય શક્તિ છે.
વળી ‘પરિણામકત્વ’ એટલે સામા અન્ય જીવના જ્ઞાનને આ આત્મા પરિણમાવે છે એમ નહિ, પણ પોતે સહજ જ જ્ઞેયપણે સામા જીવના પ્રમાણજ્ઞાનમાં ઝળકે એવો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. પરના જ્ઞાનમાં જ્ઞેયપણે ઝળકવાનો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. અહા! આત્મા પરને જાણે અને પરના જ્ઞાનમાં પોતે જણાય. આવા બન્ને સ્વભાવ તેમાં એકીસાથે રહેલા છે. તેને અહી ‘પરિણમ્ય-પરિણામકત્વ’ શક્તિ કહી છે.
આત્માની શક્તિનું અહીં આ સૂક્ષ્મ વર્ણન છે. આત્મા પરનો કર્તા થાય અથવા પર વડે આત્માનું કાર્ય થાય એવો તો આત્માનો સ્વભાવ નથી. પરંતુ સર્વ જ્ઞેયાકારોને-જે જ્ઞેય વસ્તુઓ અનંત છે તેને વિશેષપણે ગ્રહણ કરવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમાણ નામ પરિણમ્ય નામની શક્તિ છે; તેમજ પરના પ્રમાણમાં પ્રમેય થવાની અર્થાત્ પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમેયત્વ નામ પરિણામકત્વ નામની શક્તિ છે. આમાં સ્વ અને પર એમ બે વસ્તુઓ સિદ્ધ કરી છે. એકલો પર પરબ્રહ્મસ્વરૂપ આત્મા જ છે એમ નહિ, તથા એકલા પરજ્ઞેયો છે એમ પણ નહિ. અહા! જ્ઞેયો (જીવ-અજીવરૂપ) પણ અનંત છે અને જ્ઞાનસ્વરૂપી આત્મા જે પ્રમાણ-પ્રમેય સ્વભાવમય છે તે પણ ભાવથી અનંતરૂપ છે.
અહાહા...! આત્મામાં અનંત શક્તિ, અનંત ગુણ, અનંત સ્વભાવ ભર્યા છે. તેમાં એક પ્રમાણ નામની શક્તિ-સ્વભાવ છે. તેનું કાર્ય શું? તો કહે છે-સ્વપર સર્વ જ્ઞેયાકારોનું તેના વિશેષો સહિત જ્ઞાન કરવું તે પ્રમાણ શક્તિનું કાર્ય છે. અહીં સર્વ જ્ઞેયાકારો કહ્યા તેમાં પોતાનો આત્મા પણ એક જ્ઞેયાકાર તરીકે આવી ગયો. તેથી જો કોઈ એમ કહે કે-આત્મા પરને જાણે પણ સ્વને ન જાણે તો તેની એ વાત જૂઠી છે, કેમ કે આત્મામાં સ્વ-પરને જાણવારૂપ આ પ્રમાણ શક્તિ છે. વળી કોઈ એમ કહે કે-આત્મા સ્વને જાણે, પણ પરને ન જાણે તો તેની એ વાત પણ જૂઠી છે, તેને આત્મામાં સ્વપરને જાણવારૂપ પ્રમાણ શક્તિ છે તેની ખબર નથી.
વળી આત્મામાં એક પ્રમેય નામની શક્તિ પણ છે. તેનું કાર્ય શું? તો કહે છે-પરના પ્રમાણ જ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાનો અર્પણ કરવાનો એનો સ્વભાવ છે. આ પ્રમાણે પ્રમાણ-પ્રમેય-બન્ને મળીને આ એક પરિણમ્ય-પરિણામકત્વ શક્તિ અહીં આચાર્યદેવે કહી છે. પરને રચે-રચાવે કે કરે-કરાવે એવો કોઈ આત્માનો સ્વભાવ નથી, પણ પરનો જ્ઞાતા પણ થાય અને જ્ઞેય પણ થાય એવો આત્માનો આ પરિણમ્ય-પરિણામકત્વ સ્વભાવ છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ!
પ્રશ્નઃ– આત્મામાં સ્વ-પરના જ્ઞાનમાં જ્ઞેય થવાનો સ્વભાવ છે તથા સ્વપરને જાણવાનો સ્વભાવ છે તો અમને આત્મા જણાતો કેમ નથી?
ઉત્તરઃ– અરે ભાઈ! આત્મા ઇન્દ્રિયજ્ઞાનથી ન જણાય એવો સૂક્ષ્મ અતીન્દ્રિય અરૂપી પદાર્થ છે. તેને જાણવા ઇન્દ્રિયજ્ઞાન કામ નહિ આવે; તારે તારો ઉપયોગ અંતર્મુખ અતીન્દ્રિય સૂક્ષ્મ કરવો જોઈશે. આત્મા અતીન્દ્રિય સ્વસંવેદનમાં જ જણાય એવી ચીજ છે. સમજાણું કાંઈ...?
અહીંથી આ સત્-શાસ્ત્ર નામ જિનવાણી બહાર પડે છે ને? તે જ્ઞેય છે. તે જ્ઞેયનું જ્ઞાન કરવું તે ભગવાન આત્માનો સ્વભાવ છે. અહાહા...! અનંતા જ્ઞેયોને જાણે એવો ભગવાન! તારો સ્વભાવ છે. તે અનંતા જ્ઞેયોની રચના કરવી કે તેનું કાર્ય કરવું એમ નહિ (એવો તારો સ્વભાવ નહિ), તેમ તે જ્ઞેયો વડે તારા કાર્યની રચના (જ્ઞાનાકારોની રચના) થાય-કરાય