૮૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ એમ પણ નહિ (એવો જ્ઞેયોનો ને તારો સ્વભાવ નથી); પરંતુ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અનંતા જ્ઞેયો પોતાના જ્ઞાનમાં પ્રમાણમાં ગ્રહણ થાય અને સ્વ-પર પ્રમાણજ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારો પ્રમેયપણે જણાય એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. ગજબ વાત છે ભાઈ! અનંતા સિદ્ધ ભગવંતો અને અરિહંતો વગેરેને પોતે પોતાના જ્ઞાનમાં જાણે તથા અનંતા સિદ્ધ ભગવંતો અને અરિહંતો વગેરેના જ્ઞાનમાં પોતે-પોતાના જ્ઞાનાકારો-પ્રમેય થઈ જણાય એવો પોતાનો- આત્માનો સ્વભાવ છે. ભગવાન! તારા આવા સ્વભાવ-સામર્થ્યને જાણ્યા વિના તું અનંતકાળ ચાર ગતિમાં રઝળી મર્યો છે. જો તારા સ્વભાવ-સામર્થ્યનો મહિમા તું સમજે-સ્વીકારે તો સંસાર-પરિભ્રમણના દુઃખનો અંત આવે એવી આ વાત છે. અહાહા...! તારી એકેક પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન કરવાની ને સ્વ-પરનું જ્ઞેય થવાની અદ્ભૂત શક્તિ પડી છે. આ સમજીને અંતર્મુખ થાય તો ‘મને આત્મા કેમ જણાતો નથી’ એવો સંદેહ મટી જાય, એવી શંકા રહે જ નહિ. એકલા પરને જ જાણવા-માનવારૂપ જે પ્રવર્તે છે તેને આત્મા જણાતો નથી; બાકી સ્વ-પર બન્નેને જાણે એવું ભગવાન આત્માનું સહજ સ્વભાવ-સામર્થ્ય છે. સમજાણું કાંઈ...?
અહો! અંદર સ્વસ્વરૂપના આનંદમાં ઝૂલતાં ઝૂલતાં આચાર્ય ભગવાને આત્માની શક્તિઓનું મહા અદ્ભુત વર્ણન કર્યું છે. કહે છે-આત્માની અનંત શક્તિઓ છે, પણ કહેવી કેટલી? એમ કે-શબ્દો તો પરિમિત છે, ને શક્તિઓ તો અપરિમિત અનંત છે. તેથી વચન દ્વારા અમે કેટલી કહીએ? અને અમને એને કહેવાની ફુરસદ પણ કયાં છે? અમે તો નિજાનંદરસલીન રહીએ છીએ. કેવળજ્ઞાન થયે બધીય-અનંત પ્રત્યક્ષ જણાશે, વાણીમાં કેટલી કહેવી? છતાં અહીં ૪૭ શક્તિઓનું વર્ણન કરીને આત્માનો અદ્ભુત વૈભવ આચાર્યદેવે ખુલ્લો કર્યો છે.
તેમાં આત્માની એક શક્તિ એવી છે કે પોતે સ્વ-પરનો જ્ઞાતા પણ થાય અને સ્વ-પરનો જ્ઞેય પણ થાય. અહીં સ્વપરનો જ્ઞેય થાય એમ કહ્યું ત્યાં પરનો એટલે પરજીવોના જ્ઞાનમાં જ્ઞેય થાય એમ વાત છે, કાંઈ જડનો- ઇન્દ્રિયાદિ જડ પદાર્થોનો જ્ઞેય થાય એમ નહિ. જડમાં તો કયાં જ્ઞાન છે કે આત્મા એનો જ્ઞેય થાય? હવે જડને- ઇન્દ્રિયાદિને તો પોતાની જ ખબર નથી ત્યાં તે બીજાને શું જાણે? એક આત્માને જ સ્વ-પરની ખબર છે. અહો! આત્માના પોતાના આવા જ્ઞેય-જ્ઞાયક સ્વભાવને અંતર્મુખ થઈ જાણતાં પોતાને પોતાની ખબર પડે છે. પોતે સૂક્ષ્મ અરૂપી ચીજ છે તેથી પોતે પોતાને ન જાણે એમ કોઈ અજ્ઞાનીઓ માને છે પણ એવી વસ્તુ નથી. અરે ભાઈ! પોતાને પોતાની ખબર ન પડે તો પોતાની નિઃશંક પ્રતીતિકયાંથી થાય? અને નિજ સ્વભાવની નિઃશંકતા થયા વિના સાધક જીવ કોની સાધના કરે? અરે ભાઈ! અંદર તારો સ્વભાવ જ એવો છે કે અંતરમાં જાગ્રત થતાં સ્વરૂપની નિઃસંદેહ પ્રતીતિ થાય છે. આનું નામ ધર્મ છે. આવો મારગ!
હવે લોકોને તો પૂજા કરવી, ભક્તિ કરવી, ને વ્રત-ઉપવાસાદિ કરવાં ઠીક પડે છે, પણ ભાઈ! એ કાંઈ ધર્મ નથી; ધર્મનું કારણેય નથી.
તો જ્ઞાની-ધર્મી પુરુષો પણ આ બધું કરે તો છે? શું કરે છે? અશુભથી બચવા માટે જ્ઞાનીને ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવના પરિણામ થતા હોય છે, પણ તેને તે ધર્મ વા પોતાનું કર્તવ્ય જાણતા નથી. એ સઘળા શુભભાવો જ્ઞાનીને હેયપણે જ હોય છે. હવે જ્ઞાનીના અંતરને જાણે નહિ, ને કરે છે, કરે છે એમ માને, પણ એ જ તો અજ્ઞાન છે!
ખરેખર તો સાચાં ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવો સમકિતીને જ હોય છે, અજ્ઞાનીને નહિ. પંચાસ્તિકાયની (ગાથા ૧૩૬) ટીકામાં આવે છે કે ભક્તિ આદિ પ્રશસ્ત રાગ, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે વા તીવ્ર રાગ જ્વર નિવારવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને હોય છે. વાસ્તવમાં સમ્યગ્દ્રષ્ટિને જ યથાર્થ વ્યવહાર હોય છે. બાકી અજ્ઞાનીને વ્યવહાર કેવો?
એક વખત સંપ્રદાયમાં ચર્ચા થઈ હતી. એક શેઠ તરફથી પ્રશ્ન થયેલો કે-જ્યાં સુધી જીવ મિથ્યાદ્રષ્ટિ હોય ત્યાં સુધી જ મૂર્તિ-પૂજા હોય છે, સમ્યગ્દર્શન થયા પછી મૂર્તિ-પૂજા આદિ હોતાં નથી; બરાબર ને?
ત્યારે ઉત્તર આપેલો કે-ભાઈ! સમ્યગ્દ્રષ્ટિને જ સાચાં ભક્તિ, પૂજા આદિનો વ્યવહાર હોય છે, કેમ કે વાસ્તવમાં સમ્યગ્દર્શન થાય ત્યારે જ તેને સમ્યક્ ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. આ સમ્યક્ શ્રુતજ્ઞાન અવયવી છે, ને નિશ્ચય-વ્યવહાર નય તેના અવયવ છે. અંદર ભાવશ્રુત પ્રગટ થયું હોય એવા સમકિતીને જ આ બન્ને નય હોય છે. અજ્ઞાનીને નિશ્ચય પણ નથી ને વ્યવહારેય નથી. એની બધી જ ક્રિયા, તેથી અજ્ઞાનમય હોય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
નિશ્ચય અને વ્યવહાર એ બે નય શ્રુતપ્રમાણના ભેદ છે. નયના વિષયને નિક્ષેપ કહે છે. આ નિક્ષેપના ચાર ભેદ