છે-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ ચાર નિક્ષેપ તે જ્ઞેયના ભેદ છે. તેમાં સ્થાપના નિક્ષેપ તે વ્યવહારનયનો વિષય છે. તેથી અરિહંતની સ્થાપનારૂપ પ્રતિમા તે ધર્મી-સમકિતીને પૂજનીક છે, અને તે યથાર્થ નિમિત્ત છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન થયા પછી ભગવાનની ભક્તિ, સ્તુતિ અને પૂજાના ભાવ જ્ઞાનીને અવશ્ય થતા હોય છે, અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. અહા! જ્ઞાનીને ભક્તિ, પૂજા ઇત્યાદિનો પ્રશસ્ત રાગ જરૂર થતો હોય છે, પણ તેની તેને પકડ (પરિગ્રહ) નથી. અમે તો આ વાત પ૦ વર્ષ પહેલાં સંપ્રદાયમાં હતા ત્યારે કરેલી. ત્યારેય સંપ્રદાયમાં ચાલતી વાત એમ ને એમ માની લેવી તે અમારી રીતિ નહોતી. સ્વ-હિતની ઝંખના હતી ને! એ તો અંતરમાં ન્યાયથી બેસે તે જ સ્વીકારવાની અમારી પદ્ધતિ હતી.
અહા! સ્વ-પર જ્ઞેયોને ગ્રહણ કરવાનો જીવનો સ્વભાવ છે. ગ્રહણ કરવું એટલે શું? ગ્રહણ કરવું એટલે હાથથી જેમ કોઈ ચીજ પકડીએ તેમ જ્ઞેયોને પકડવું એમ નહિ, કેમ કે જીવને કયાં હાથ-પગ છે? ગ્રહણ કરવું એટલે જાણવું એમ વાત છે. અહીં સ્વ-પર જ્ઞેય કહ્યાં તેમાં અનંત ગુણમય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ને તેમાં અભેદ-તન્મય થયેલી વીતરાગ પરિણતિ તે સ્વજ્ઞેય છે, અને વ્યવહાર રત્નત્રયનો રાગ તથા દેવ-ગુરુ આદિ પરજ્ઞેય છે, કેમ કે રાગ અને દેવ-ગુરુ આદિ કાંઈ જીવસ્વરૂપ નથી. અહા! આવું અંતરમાં સમજે તેના જ્ઞાનમાં નિજ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય છે, ને પરજ્ઞેયો મારા છે એવું વિપરીત શ્રદ્ધાન દૂર થાય છે. આ અપૂર્વ ધર્મ છે.
અહાહા....! ભગવાન, તું એકલા ચૈતન્યસ્વરૂપ છો નાથ! ગાથા ૧૭-૧૮માં આવ્યું છે કે આબાળ-ગોપાળ સર્વને સદાકાળ જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય જાણવામાં આવે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. પણ અરે! અનાદિની એની બહિર્દષ્ટિ છે! ત્રિકાળી એક જ્ઞાયકભાવની દ્રષ્ટિ ન હોઇ તેની દ્રષ્ટિ પરથી ખસતી નથી; પરંતુ અંતદ્રષ્ટિ કરતાં જ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય એવો ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહા તારો જ્ઞાનસ્વભાવ સ્વ-પર જ્ઞેયોને જાણવાના પ્રમાણજ્ઞાનરૂપ છે, અને તારા જ્ઞાનાદિ અનંત સ્વભાવ પરના જ્ઞાનમાં (કેવળી આદિના જ્ઞાનમાં) ગ્રહણ કરાવવાના પ્રમેયસ્વભાવરૂપ છે. અહા! આવી તારામાં પરિણમ્ય-પરિણામકત્વશક્તિ છે.
અરે ભાઈ! આ પૈસા મારા એમ તું માને પણ એવો તારો-જીવનો સ્વભાવ નથી. લક્ષ્મી, મકાન, સ્ત્રી- કુટુંબ-પરિવાર, દેવ-ગુરુ આદિ એ બધું જ્ઞેયપણે તારા જ્ઞાનમાં જણાવાલાયક છે, પણ એ બધા જ્ઞેયો તારા છે એવું કયાં છે? તે જ્ઞેયો મારા છે એમ તું માને પણ એ તો કેવળ ભ્રમ છે, કેમ કે એવો વસ્તુસ્વભાવ નથી. વળી પરના પ્રમાણમાં પ્રમેય થાય એવો તારો સ્વભાવ છે, પણ પરનો તું થાય, પરનો પિતા ને પરનો પુત્ર તું થાય, એવો તારો સ્વભાવ નથી.
સાંભળ તો ખરો પ્રભુ! જગતની સઘળી ચીજો જ્ઞેય તરીકે તારા જ્ઞાનમાં જાણવામાં આવે એવો તારા જ્ઞાનનો સ્વભાવ છે. ભાઈ! તું તે ચીજોનો કાંઈ માલીક નથી. અહા! પરજ્ઞેયોને ગ્રહણ કરવારૂપ જે પ્રમાણજ્ઞાન તેનો તું માલીક છો, પણ પરજ્ઞેયોનો માલીક નથી. ભગવાન મારા ને ગુરુ મારા-એમ તું માને, પણ એ બધા તો તારા જ્ઞાનના જ્ઞેય છે બસ; મારા ભગવાન ને મારા ગુરુ એવી તો જગતમાં કોઈ વસ્તુ છે નહિ વળી જ્ઞાનાનંદ સ્વભાવે પરિણમેલા હોય એવા જીવના પ્રમાણજ્ઞાનમાં પ્રમેય થઈને તેમાં જણાવાલાયક તું છો, પણ પરનો તું થા એવી તારી લાયકાત નથી. ભાઈ, પરનો તું કાંઈ નથી, અને પર તારા કાંઈ નથી. પરનો તું થા ને પર તારા થાય એવો વસ્તુસ્વભાવ જ નથી. સમજાણું કાંઈ...?
હા, પણ ભગવાનને ૧૪૦૦૦ સાધુ-શિષ્યો હતા, ને ૩૬૦૦૦ આર્જિકાઓ-શિષ્યા હતી એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– આવે છે; પણ આ બધાં કથન વ્યવહારનયનાં છે બાપુ! બાકી ભગવાનનું કાંઈ નથી, ને ભગવાન કોઈના નથી. અહીં તો આ વાત છે કે ભગવાનના કેવળજ્ઞાનમાં લોકના સર્વ જ્ઞેયાકારોને યુગપત્ ગ્રહણ કરવાનો સ્વભાવ છે, અને પર કેવળીના જ્ઞાનમાં જ્ઞેયાકારોને ગ્રહણ કરાવવાનો તેનો પ્રમેય સ્વભાવ છે. ભાઈ! તારા જ્ઞાનસ્વભાવમાં સર્વ જ્ઞેયો જણાવાલાયક છે બસ એટલું રાખ. પરજ્ઞેયો મારા, ને હું પરનો-એ વાત જવા દે ભાઈ! (કેમ કે) એવી વસ્તુ નથી. અહો! આચાર્યદેવે એકલાં અમૃત રેડયાં છે!
અહા! આવો અનંત સ્વભાવમય અમૃતસાગર ઉછળે ત્યાં વાંધા-વિરોધની વાતો શોભે નહિ. અહીં તો કહે છે-જગતમાં કોઈ પ્રાણી વિરોધી-દુશ્મન છે નહિ; સર્વ પ્રાણી જ્ઞેયમાત્ર છે. આવો ભગવાનનો ન્યાયમાર્ગ ભાઈ! જેવું પદાર્થોનું સ્વરૂપ છે તેવું તેનું જ્ઞાન કરવું તે ન્યાય છે; તેવી તેની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે, અને તે ધર્મ છે. અહીં તો આટલી વાત છે કે-પર જ્ઞેયાકારો પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે બસ, અને પોતાના જ્ઞાનાકારો પરના જ્ઞાનમાં નિમિત્ત છે બસ. આવો જ આત્માનો પરિણમ્ય-પરિણામકત્વસ્વભાવ છે.