૮૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભાઈ! વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે-મારા જ્ઞાનમાં તું જ્ઞેય તરીકે જણાવાલાયક છો, પણ મારો તું કાંઈ નથી, વળી હું પણ પર કેવળજ્ઞાની જીવના જ્ઞાનમાં પ્રમેય થવાને લાયક છું, પણ તેનો હું કાંઈ નથી. આવો વસ્તુસ્વભાવ છે ભાઈ!
કેટલાક સ્ત્રીને અર્ધાંગના કહે છે ને! ધૂળેય અર્ધાંગના નથી સાંભળને, એ તો તારા જ્ઞાનનું પરજ્ઞેય છે. તે જ્ઞેયનું જ્ઞાન કરે એવી જે જ્ઞાનની પરિણતિ છે તે તારી છે, કેમ કે સ્વપરને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પરજ્ઞેયનું કાર્ય કરે કે પરજ્ઞેય પોતાના થઈ જાય એવો આત્માનો સ્વભાવ નથી. અહા! આવો વસ્તુ-સ્વભાવ જેણે યથાર્થ ઓળખ્યો તે ન્યાલ થઈ જાય એવી આ વાત છે.
લોકોને આ વાત સૂક્ષ્મ પડે છે, પણ આ મૂળ મુદની વાત છે. પરના ગુરુ થવું કે પરના શિષ્ય થવું એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. શક્તિનું પર્યાયમાં પરિણમન થયું એની આ વાત છે. શક્તિ દ્રવ્યમાં ગુણપણે તો ત્રિકાળ પડી છે, પણ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ થતાં શક્તિનું પરિણમન પર્યાયમાં થાય છે. તે પર્યાયમાં બહારના અનંત જ્ઞેયો જણાય છે. પણ તે જ્ઞેયો મારા છે એમ કોઈ માને તો એવું કયાં છે? એ તો તદ્ન વિપરીત દ્રષ્ટિ છે. બીજા જીવને કેવળજ્ઞાન પ્રગટયું હોય વા મતિ-શ્રુતજ્ઞાન હોય-તેના જ્ઞાનમાં જ્ઞેય થઈને જ્ઞાનાકારોને ગ્રહણ કરાવાનો તારો સ્વભાવ છે, પણ પરનો તું થઈ જા એવો તારો સ્વભાવ નથી. ભગવાન! તું એક જ્ઞાતા-દ્રષ્ટા છો; બસ આ વાત અહીં વિશેષપણે સિદ્ધ કરે છે.
અહા! સમ્યગ્દ્રષ્ટિ જીવને અંતરમાં એવી પ્રતીતિ થઈ છે કે-સર્વ પરજ્ઞેયો-શરીર, મન, વાણી, કર્મ, ભાવકર્મ, રાગાદિ બધા મારા જ્ઞાનમાં જણાવાલાયક છે; વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે તે પણ પરજ્ઞેયપણે જ્ઞાનમાં જણાવાલાયક છે, પણ તેમાં સ્વામિત્વની બુદ્ધિ નથી. હવે લોકોને આના જ મોટા વાંધા છે, એમ કે-વ્યવહાર-શુભરાગ મોક્ષનો માર્ગ છે-એમ તેઓ માને છે. પણ અહીં તેની ના પાડે છે. શુભરાગ પણ પરજ્ઞેય છે, અનાત્મા છે. તે જ્ઞેયને ગ્રહણ કરવાનો એટલે કે જાણવાનો આત્માનો સ્વભાવ છે. ૧૨મી ગાથામાં પણ આવી ગયું કે વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. ૧૧મી ગાથામાં પણ આવી ગયું કે-પોતાનો એક ત્રિકાળી જ્ઞાયકભાવ સત્યાર્થ છે, કેમ કે તેના આશ્રયે સમ્યગ્દર્શન ને ધર્મ થાય છે. ચારેકોરથી દેખો તો આ એક જ સિદ્ધાંત સિદ્ધ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને જે રાગાંશ બાકી છે તે તેને પરજ્ઞેય તરીકે જ્ઞાનમાં જાણવાલાયક છે પણ; રાગ મારો છે, વા રાગથી જ્ઞાન થાય છે એમ નથી. અહા! રાગથી ભિન્ન પડી વીતરાગ થવા નીકળ્યો છે તે રાગને પોતાનો કેમ જાણે? ને રાગને ભલો કેમ માને? રાગ તો એના જ્ઞાનનું જ્ઞેય છે બસ. બાકી રાગ રાગપણે રાગમાં છે, ને જ્ઞાન જ્ઞાનપણે જ્ઞાનમાં છે. (પરસ્પર કાંઈ લેવાદેવા નથી). સમજાણું કાંઈ...? (રાગથી જ્ઞાન નહિ, ને જ્ઞાનથી રાગ નહિ.) આવી વાત છે બાપુ!
આચાર્યશ્રી અમૃતચંદ્રસ્વામી કહે છે-જે સમયે જેટલો રાગ હોય છે તે તે સમયે વ્યવહારે જાણવાલાયક છે. બારમી ગાથાની ટીકામાં ‘तदात्वे’ શબ્દ પડયો છે, એટલે કે તે તે કાળે રાગ જાણવાલાયક છે. એટલે શું? કે રાગ મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ કહેવું એ વ્યવહાર છે. વાસ્તવમાં તે તે કાળે જ્ઞાનની સ્વ-પર-પ્રકાશક પર્યાય સ્વયં પોતાથી પ્રગટ થાય છે, અને તેમાં રાગ પરજ્ઞેયપણે જણાય છે બસ. રાગ જ્ઞેય છે માટે જ્ઞાનની પરપ્રકાશક પર્યાય પ્રગટ થાય છે એમ નથી. સ્વપરને જાણવાની જ્ઞાનની ક્રમવર્તી પર્યાય પોતાના સામર્થ્યથી પ્રગટ થાય છે, રાગના-નિમિત્તના કારણે પ્રગટ થાય છે એમ નથી.
અરે ભગવાન! તારો માર્ગ તો જો. અહા! તારી ચીજ અંદર એવી છે કે જે સમયે રાગ આવ્યો તે સમયે તે રાગ સંબંધી જ્ઞાન થાય એવો તારો સ્વભાવ છે. તથાપિ તે રાગથી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ છે નહિ; જ્ઞાનની પર્યાય પોતાથી જ ઉત્પન્ન થાય છે. તેમાં જ્ઞેયનું-રાગનું જ્ઞાન થયું એમ કહેવું વ્યવહાર છે. વળી જ્ઞાનની દશાનો જાણનાર હું છું-એ પણ ભેદરૂપ વ્યવહાર છે. હું તો એક જ્ઞાયક છું. અહાહા...! એવું અંદર પરિણમન થઈ ગયું ત્યાં જ્ઞાયક થઈ ગયો. સૂક્ષ્મ વાત છે ભાઈ! અંદર જે ગંભીરતા ભાસે છે એટલું બધું કહેવાનું બને નહિ, કેમ કે શબ્દોની એટલી તાકાત નથી. ભગવાન કેવળીએ અને દિગંબર સંતોએ જે કહ્યું છે તેની ઉંડપ અપાર છે. અરે! ભગવાનના અને કેવળીના કેડાયતી દિગંબર સંતોના અહીં આ કાળે વિરહ પડયા! પોતાના જ્ઞાનમાં પરવસ્તુ જ્ઞેય છે અને પરના જ્ઞાનમાં પોતે જ્ઞેય છે-એવી જીવની પ્રમાણ-પ્રમેય શક્તિને જે યથાર્થસ્વરૂપે માને તેને અંતરમાં શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે, અને તેનું નામ સમ્યગ્દર્શન છે.
અહા?ં અહીં આ પરિણમ્ય-પરિણામકત્વ નામની શક્તિનું વર્ણન ચાલે છે. આચાર્ય શ્રી જયસેનાચાર્યદેવ કહે છે કે એકધારાએ એક શક્તિ કે એક ભાવ જો યથાર્થ સમજે તો બધા ભાવ યથાર્થ સમજી જાય એવું આ વસ્તુસ્વરૂપ છે.