અહા? આત્મા સ્વ-પર જ્ઞેયોને-સર્વને જાણે એમ કહીએ એ વ્યવહાર છે. જાણે-એમ ભેદ પડયો ને! માટે વ્યવહાર છે. આત્મા તો બસ એક જ્ઞાયક છે. અહાહા...! જ્ઞાન વડે જાણે એવો ભેદ પણ જેમાં નથી એવો ત્રિકાળી ભૂતાર્થ એક જ્ઞાયક પ્રભુ આત્મા છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. અહો! વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણીની આ અસાધારણ અમૃતધારા છે.
જુઓ, ડુંગળીની એક રાઈના દાણા જેવડી નાની કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને તે એકેક શરીરમાં અનંત નિગોદિયા જીવ છે. શું કીધું? છ મહિના ને આઠ સમયમાં છસો આઠ જીવ મોક્ષ પામે છે. હવે આજ સુધીમાં જેટલા (અનંતા) સિદ્ધ થયા છે તેના કરતાં અનંતગુણા જીવો નિગોદના એક શરીરમાં છે. તે બધા જીવો ભગવાન જ્ઞાયકના જ્ઞાનનું જ્ઞેય છે. અહો! ભગવાન જ્ઞાયકનું કોઈ અદ્ભુત અપરિમિત જ્ઞાન સામર્થ્ય છે. ભાઈ! લોકમાં અનંતા જીવો છે તેમની માત્ર દયા પાળવા જ તેમનું વર્ણન છે એમ નથી, પણ ભગવાન જ્ઞાયકના સ્વ-પર ને જાણવાના પરમ અદ્ભુત જ્ઞાનસ્વભાવનો મહિમા લાવી અંતર્મુખ થવું એમ એનો વિશેષ આશય છે. સમજાણું કાંઈ...?
વળી પરની રક્ષાનો ભાવ પાપ છે એમ કોઈ લોકો માને છે, પણ એ માન્યતા ખોટી છે, મિથ્યા છે. વળી પરની રક્ષા કરી શકાય છે એ માન્યતા પણ બરાબર નથી, મિથ્યા છે. પર જીવોની રક્ષાના પરિણામ પુણ્યભાવ છે, અને તે જ્ઞાની-ધર્મીને પણ થતા હોય છે, પણ તે એટલા માટે સાર્થક નથી કે પર જીવોની રક્ષા કરી શકાય છે-એમ વસ્તુ સ્વરૂપ નથી. પર જીવોની રક્ષાના પરિણામ થાય, પણ તદનુસાર પર જીવોની રક્ષા થાય કે કરી શકાય એવું વસ્તુ સ્વરૂપ નથી. બહુ ગંભીર વાત છે ભાઈ! લોકો સત્યને સમજ્યા વિના વિરોધ કરે, પણ શું થાય? ભાઈ! નિજ અનંતગુણસ્વભાવમય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં સ્વાનુભૂતિ પ્રગટે છે અને તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
લ્યો, આ પ્રમાણે પંદરમી આ પરિણમ્ય-પરિણામકત્વશક્તિ પૂરી થઈ.
‘જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્ત્વરૂપ (નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ.’
આ સોળમી શક્તિ છે. ભગવાન આત્મા સોળે કળાએ-પૂર્ણ ભગવાન છે એમ આ શક્તિમાં બતાવ્યું છે. શું કહે છે? ભગવાન જ્ઞાયક જે ધ્રુવ નિત્યાનંદ પૂર્ણાનંદ પ્રભુ છે તેમાં, કહે છે, કમી કે વૃદ્ધિ થતી નથી. અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયક પ્રભુ ભરિતાવસ્થ છે, અર્થાત્ પરિપૂર્ણ અવસ્થિત છે. અહાહા...! પૂરણ પરમાત્મસ્વરૂપ એવો જ્ઞાયકદેવ પ્રભુ આત્મા છે, એમાં અશુદ્ધતાનું તો નામ-નિશાન નથી.
ભાઈ! અહીં શુદ્ધતાની અલ્પ-અપૂર્ણ પર્યાય પ્રગટ છે તો અંદર ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપમાં વિશેષ શુદ્ધતા છે, ને પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાનની દશા પ્રગટ થયે ત્યાં ત્રિકાળી સ્વરૂપમાં શુદ્ધતાની કમી થઈ ગઈ એમ છે નહિ. અહા! ભગવાન જ્ઞાયકસ્વરૂપ તો અંદર જેમનું તેમ રહેવારૂપ ત્રિકાળ પૂર્ણ નિયતરૂપ છે. હવે આવું એક જ્ઞાયકતત્ત્વ-પૂરણ સારભૂત વસ્તુ-કોઈક વિરલા જીવ પામી જાય છે. એક પદમાં આવે છે ને કે-
વિરલા થા સો માખણ પાયા, છાશે જગત ભરમાયા....
અહાહા...!
સૌ સૂણો રે ભાઈ! વલોણું વલોવે સો તત્ત્વ અમૃત કો પાઈ.
અહાહા...! ભગવાન અરિહંત પરમાત્મા આકાશમાં-સમોસરણમાં રત્નજડિત સિંહાસન ઉપર અંતરિક્ષ બિરાજે છે. પ૦૦ ધનુષની ઉંચાઈ છે. ત્યાં ભગવાનના શ્રી મુખેથી ૐકાર ધુનિરૂપે અમૃતની ધારા છુટે છે. આ રેડિયો વાગે છે ને? તેને આકાશવાણી કહે છે, તેમ ભગવાનની ૐ ધ્વનિ છૂટી તે ગગનમંડળમાં ગૌઆ વિયાણી છે. અહાહા...! એ અમૃતધારાને કોઈ વિરલા ભવ્ય જીવો કર્ણરૂપી અંજલિ વડે ભરપુર પીએ છે, ને અંતર્મુખ દ્રષ્ટિ વડે સારભૂત નિજ જ્ઞાયકતત્ત્વને પ્રાપ્ત થાય છે. અને બીજા ઘણા (દીર્ઘ સંસારીઓ) તો પુણ્યકર્મરૂપી છાશમાં જ ભરમાઈ જાય છે. (એમ