તે સઘળોય ખરેખર એક આત્મા છે.” શું કીધું? જે અનંત શક્તિઓ છે તે અક્રમરૂપ છે, ને શક્તિઓનું જે પરિણમન છે તે ક્રમરૂપ પ્રવર્તે છે. અહીં ક્રમમાં અશુદ્ધતાની વાત ન લેવી, ક્રમરૂપ પ્રવર્તતા પરિણામમાં શુદ્ધતાની વાત લેવી. અશુદ્ધતાની વાત ન લેવી, અશુદ્ધતા છે તેનું જે જ્ઞાન થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. એવું જ જ્ઞાનનું સહજ સ્વપરપ્રકાશક સામર્થ્ય છે. જ્ઞાનની પર્યાય સ્વપરને પ્રકાશતી થકી પોતે પોતાથી જ પ્રગટ થાય છે. ૧૨મી ગાથામાં જે કહ્યું છે કે-વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે તેનો પણ આ જ અર્થ છે. સમજાણું કાંઈ...?
અહીં ક્રમવર્તીરૂપ અને અક્રમવર્તીરૂપ જે અનંતધર્મોનો સમૂહ છે તે સઘળોય ખરેખર એક આત્મા છે એમ કહ્યું છે. તેમાં આ શક્તિ ને શક્તિવાન, આ પર્યાય ને પર્યાયવાન-એવા ભેદરૂપ વ્યવહારને દૂર (ગૌણ) કરીને, શક્તિવાન જે ત્રિકાળી એક દ્રવ્ય છે તેની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનો વિષય બહુ સુક્ષ્મ, અચિન્ત્ય ને અલૌકિક છે.
અહીં શક્તિનું વર્ણન છે તે દ્રવ્યની (દ્રવ્યદ્રષ્ટિની) પ્રધાનતાથી છે. તેથી ક્રમવર્તી પરિણામમાં એકલી શુદ્ધતાની જ વાત કરી છે. તે શુદ્ધતાના ક્રમમાં અશુદ્ધતાની-વ્યવહારની નાસ્તિ છે, આનું નામ અનેકાન્ત છે. પ્રવચનસારના પરિશિષ્ટમાં છેલ્લે (નયનું) વર્ણન છે તે જ્ઞાનપ્રધાન કથન છે. ત્યાં જ્ઞાનપ્રધાન શૈલી હોવાથી રાગનો કર્તા આત્મા છે એમ કહ્યું છે.
તેમાં સાચું કયું સમજવું? બન્ને વાત અપેક્ષાથી સાચી છે. જ્યાં જે અપેક્ષાથી વાત કરી છે ત્યાં તે અપેક્ષાથી યથાર્થ સમજવી જોઈએ. શક્તિ એટલે સ્વભાવ, અને સ્વભાવવાન જે આત્મા-તેની દ્રષ્ટિ કરાવવી છે ત્યાં અશુદ્ધતાની વાત છે જ નહિ, કેમકે દ્રવ્યદ્રષ્ટિ નિર્વિકલ્પ છે, તેનો વિષય પણ નિર્વિકલ્પ છે. અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. તથાપિ જ્યાંસુધી સાધકપણું છે ત્યાંસુધી રાગ હોય છે. દ્રવ્યદ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે રાગને પણ જાણે છે. જ્ઞાન તો સ્વ-પરપ્રકાશક છે ને? તેથી જ્ઞાનપ્રધાન જ્યાં કથન હોય ત્યાં રાગનું પરિણમન પોતામાં છે, તેથી રાગનો કર્તા પોતે છે-એમ પર્યાય અપેક્ષા કહેવામાં આવે છે. જ્ઞાનપ્રધાન કથનમાં રાગનો કર્તા પોતે છે-એમ પર્યાય અપેક્ષા કહેવામાં આવે છે. જ્ઞાનપ્રધાન કથનમાં રાગનો ભોક્તા પણ પોતે આત્મા છે એમ કહેવામાં આવે છે. પ્રવચનસારમાં વિકારનો અંશ જીવનો છે એમ લીધું છે; કેમકે એક સમયના વિકારી અંશને જો કાઢી નાખો તો, ત્રણ કાળની પર્યાયોનો સમૂહ તે દ્રવ્ય-એ વાત સિદ્ધ નહિ થાય. અહીં શક્તિના અધિકારમાં શુદ્ધ પર્યાયની જ વાત લીધી છે. શુદ્ધ પર્યાય ભલે અલ્પ હો, પણ તે પર્યાય પરિપૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે; અંશ છે તે પૂરણ અંશીને સિદ્ધ કરે છે. એક અંશને કાઢી નાખો તો પૂર્ણ દ્રવ્ય સિદ્ધ નહિ થાય. લ્યો, આવી વાત છે.
આપ્તમીમાંસામાં એમ લીધું છે કે-અશુદ્ધ પર્યાય હો કે શુદ્ધ પર્યાય હો, તે પર્યાય આખા દ્રવ્યને સિદ્ધ કરે છે, કેમકે નય-ઉપનયના વિષયનો સમૂહ તે દ્રવ્ય છે. ત્યાં અશુદ્ધનય પણ લીધો છે. અશુદ્ધતા-જે રાગ છે, તે ક્રમવર્તી જ્ઞાનની પર્યાયમાં જણાય છે. રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નહિ, સ્વપરપ્રકાશક જ્ઞાનની ક્રમવર્તી પર્યાય તે સમયે પોતાથી જ ઉત્પન્ન થાય છે. રાગને પરજ્ઞેયપણે જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે; નિશ્ચયથી તો સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય જ્ઞાન જ છે.
સર્વદર્શિત્વશક્તિ ને સર્વજ્ઞત્વશક્તિને આત્મદર્શનમયી અને આત્મજ્ઞાનમયી કહી છે. સર્વજ્ઞ પરને જાણે છે માટે સર્વજ્ઞ છે-શું એમ છે? ના, એમ નથી. એક સમયમાં પોતાના ત્રિકાળી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન કરે, અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન કરે એવી સર્વજ્ઞ પર્યાય જે છે તે આત્મજ્ઞાનમયી છે. સ્વરૂપથી જ કેવળજ્ઞાન એક સમયમાં સ્વપરપ્રકાશક છે, પરને પ્રકાશે છે માટે સર્વજ્ઞ છે એમ છે જ નહિ; આત્મજ્ઞાનરૂપે પરિણમવું-જાણવું તે એનો સ્વભાવ છે. પરને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભૂત વ્યવહાર છે. લોકાલોકને જાણે એવી જ્ઞાનની પર્યાય છે તે આત્મજ્ઞાનમયી છે. લોકાલોક છે તો આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ પર્યાય છે એમ છે નહિ.