૯૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
સંવત ૧૯૮૩ની સાલમાં આ વિષયને લગતી ચર્ચા થયેલી. એક શેઠ હતા તે કહે-લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય થઈ. ત્યારે અમે કહેલું-ના, એમ નથી; કેવળજ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે, લોકાલોકની એને અપેક્ષા નથી. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે નહિ. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આ વાત આવી ગઈ છે. કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, અને લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે-આવો પાઠ છે. નિમિત્ત છે એનો અર્થ શું? બીજી ચીજ છે બસ એટલું. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે નહિ, અને કેવળજ્ઞાન છે તો લોકાલોક છે એમ પણ છે નહિ.
‘वत्थु सहावो धम्मो’ -વસ્તુ જે ભગવાન જ્ઞાયક આત્મા છે એની જે શક્તિઓ, તે એનો સ્વભાવ છે, અને તે સ્વભાવ એનો ધર્મ છે. ત્યાં આ ધર્મ અને આ ધર્મી-એમ ભેદની દ્રષ્ટિ છોડીને ધર્મી-નિજ જ્ઞાયક પ્રભુ ઉપર દ્રષ્ટિ દેવાથી પર્યાયમાં વીતરાગતારૂપી ધર્મ પ્રગટ થાય છે. સદાય આવો મારગ છે.
પણ અમે વરસી તપ કરીએ તો ધર્મ થાય કે નહિ? ધૂળેય ન થાય સાંભળને. અંતરમાં મારગ સમજ્યા વિના ખૂબ આકરાં તપ તપે તો પણ એ તો બધાં થોથાં છે બાપા! અંદરમાં આનંદનો સાગર ભગવાન આત્મા ઉછળે એનું નામ તપ છે. અહાહા...! ભગવાન આત્મામાં અંદર શક્તિરૂપે આનંદ પૂર્ણ-પૂર્ણ ભર્યો છે. ત્યાં આ આનંદ અને આ આનંદદાતા-એવો ભેદ દ્રષ્ટિમાંથી કાઢી નાખીને પૂર્ણાનંદસ્વરૂપ નિજ ભગવાન જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કરી અંતર-રમણતા કરે તેને, જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ, પર્યાયમાં આનંદની છોળ ઉછળે છે. આનું નામ તપ અને આ ધર્મ છે; બાકી તો તપ નહિ, લાંઘણ છે. આવી વાત! સમજાણું કાંઈ...?
લોકોને ભગવાન કેવળીની શ્રદ્ધા નથી. જુઓ, દ્રવ્યની પર્યાય પ્રતિસમય ક્રમબદ્ધ થાય છે. શાસ્ત્રમાં (સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ની ટીકામાં) ‘ક્રમનિયમિત’ શબ્દ પડયો છે. તેનો અર્થ પં. શ્રી હિમ્મતભાઈએ ‘ક્રમબદ્ધ’ કર્યો છે. ભાઈ! આ કાંઈ સોનગઢની વાત નથી, આ કોઈ પક્ષની વાત નથી. આ તો વસ્તુસ્વરૂપ છે, તેને જેમ છે તેમ સ્વીકારવું જોઈએ.
પ્રશ્નઃ– પણ તમે આ નવો મારગ કયાંથી કાઢયો? ઉત્તરઃ– આ નવો મારગ નથી બાપુ! આ તો અનાદિનો છે. અનંતા સર્વજ્ઞ પરમાત્માએ કહેલી આ વાત છે. વર્તમાનમાં આ વાત ચાલતી ન હતી ખોવાઈ ગઈ હતી-તે અત્યારે પ્રસિદ્ધિમાં આવી છે.
સંવત ૧૯૭૨ની સાલમાં અમારે સંપ્રદાયમાં ચર્ચા થયેલી. અમારા ગુરુભાઈ કહે-ભગવાન કેવળજ્ઞાનીએ જ્યારે જેમ થવાનું દીઠું હોય ત્યારે તેમ થાય જ, માટે આપણે વળી પુરુષાર્થ શું કરવો? તે વખતે અમે નવદીક્ષિત, માત્ર રપ વર્ષની ઉંમર, ને ચર્ચા નીકળેલી તો ત્યારે કહેલું-કેવળજ્ઞાનીએ જ્યારે જેમ થવાનું દીઠું હોય ત્યારે તેમ થાય એ તો બરાબર; પણ તમને કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે? અહાહા! જે કેવળજ્ઞાનની દશામાં એક સમયમાં અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવો સહિત છ દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જણાય તે કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે? જેને એનો સ્વીકાર હોય તેની દ્રષ્ટિ નિજ જ્ઞાનસ્વભાવ ઉપર જાય છે, જવી જોઈએ; અને એનું જ નામ પુરુષાર્થ છે. અંદર સર્વજ્ઞસ્વભાવ છે તેને જાણ્યા વિના ભાઈ! લોકમાં સર્વજ્ઞ છે એમ તું કયાંથી નક્કી કરીશ?
ભગવાન આત્મા સર્વજ્ઞસ્વરૂપ પૂર્ણ ભરિતાવસ્થ છે. આ વાત શાસ્ત્રોમાં ત્રણ જગાએ આવી છે. સમયસાર બંધ અધિકારમાં, સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં (જયસેન આચાર્યદેવની ટીકા) અને પરમાત્મ પ્રકાશમાં આ વાત આવી છે. અહાહા...! સર્વ જીવ નિર્વિકલ્પ, નિરંજન, ભરિતાવસ્થ છે. ભરિતાવસ્થ એટલે શક્તિથી પૂર્ણ ભરેલા છે. અહાહા...! વર્તમાન પર્યાયને લક્ષમાંથી છોડી દો તો અંદર વસ્તુ છે પૂર્ણ પરમાત્મસ્વરૂપ-સર્વજ્ઞસ્વરૂપ છે. તેની ભાવના કરવી તે પુરુષાર્થ છે.
સંવત ૧૯૭૨માં અમે ગજસુકુમારનું દ્રષ્ટાંત આપતા. શ્રીકૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથનાં દર્શન કરવા હાથી ઉપર બેસીને જતા હતા. તેમના નાના ભાઈ ગજસુકુમાર ખોળામાં બેઠા હતા. રસ્તામાં શ્રીકૃષ્ણે એક સોનીની કન્યાને સોનાના દડે રમતી દૂરથી જોઈ. કન્યા ખૂબ સ્વરૂપવાન ને ખૂબસુરત હતી. તેને જોઈને તેમણે નોકરને આજ્ઞા કરી કે- આ કન્યાને અંતઃપુરમાં લઈ જાઓ; ગજસુકુમાર સાથે આ કન્યાનાં લગ્ન કરવામાં આવશે. નોકરો કન્યાને અંતઃપુરમાં લઈ ગયા.