૯૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વૃદ્ધિ, ને બીજા સમયમાં ષટ્ગુણ હાનિ થાય એમ વાત નહિ, પ્રત્યેક પર્યાયમાં બારેય બોલ એક સાથે લાગુ પડે છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં ષટ્ગુણવૃદ્ધિહાનિ પ્રત્યેક પર્યાયમાં જોયા છે. અહાહા...! આવો-ષટ્ગુણ વૃદ્ધિહાનિરૂપ થતો-પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણભૂત એવો આત્માનો કોઈ અચિન્ત્ય અદ્ભુત અગુરુલઘુત્વ સ્વભાવ છે. ભાઈ, છદ્મસ્થના જ્ઞાનમાં આવી જાય એવી આ વાત નથી. જો છદ્મસ્થના જ્ઞાનમાં બધું આવી જાય તો કેવળજ્ઞાનનો મહિમા શું? કેવળજ્ઞાનમાં જણાય તે બધું છદ્મસ્થ ન જાણી શકે. હા, સ્વહિત અર્થે પ્રયોજનભુત હોય તેને તો છદ્મસ્થ જ્ઞાની-સમ્યગ્જ્ઞાની નિઃશંકપણે જાણે છે, તથાપિ આ અગુરુલઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણમન તો કેવળ કેવળજ્ઞાન-ગોચર છે.
અહા! દરેક ગુણમાં અગુરુલઘુપણું છે, તેની દરેક પર્યાયમાં પણ અગુરુલઘુપણુ આવે છે. આ અતિ સૂક્ષ્મ વિષય છે. જ્ઞાનની કેવળજ્ઞાનની પર્યાય હો કે મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય હો, પ્રત્યેક પર્યાયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે. નિગોદના જીવને અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનનો ઉઘાડ છે; તેમાં પણ આ ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે, ને કેવળીને અનંતજ્ઞાન-કેવળજ્ઞાન છે, તેમાં પણ ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે. એમાં ક્રમ નથી-એક સમયે વૃદ્ધિ અને બીજા સમયે હાનિ એવું નથી. અહાહા...! એક જ સમયમાં અનંતગુણ વૃદ્ધિ, અનંતગુણ હાનિ; અસંખ્યગુણ વૃદ્ધિ, અસંખ્યગુણ હાનિ; સંખ્યગુણ વૃદ્ધિ, સંખ્યગુણ હાનિ; અનંતભાગ વૃદ્ધિ, અનંતભાગ હાનિ; અસંખ્યભાગ વૃદ્ધિ અસંખ્યભાગ હાનિ; સંખ્યભાગ વૃદ્ધિ, સંખ્યભાગ હાનિ-એમ બારેય બોલ એક સાથે હોય છે. અહાહા...! ભગવાન આત્માનો અગુરુલઘુત્વ સ્વભાવ અને તેનું પર્યાયમાં સૂક્ષ્મ પરિણમન જેવું ભગવાને જોયું છે તેવું કહ્યું છે. અહીં તેનું આ સામાન્ય કથન કર્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ ષટ્ગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ છે તે શ્રુતજ્ઞાનગમ્ય નથી, આગમગમ્ય છે. તેમાં તર્ક ન ઉઠાવવો, કેમકે તર્કથી બેસે એવો આ વિષય નથી.
આ ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ ‘ગોમ્મટસાર’ શાસ્ત્રમાંથી જાણવાયોગ્ય છે. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ ષટ્સ્થાનોમાં પડતી-સમાવેશ પામતી-વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી થાય છે અને જે વસ્તુને સદા સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ આશ્ચર્યકારી ગુણ આત્મામાં છે; તેને અગુરુલઘુત્વશક્તિ કહે છે. અવિભાગ પ્રતિચ્છેદ એટલે શું? કે અંશને છેદતાં છેદતાં જેના બે ભાગ ન પડે એવા એક અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે. નિગોદના જીવના અક્ષરના અનંતમા ભાગપ્રમાણ જ્ઞાનપર્યાયમાં પણ આવા અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. અરે ભાઈ! આ કોઈ અચિન્ત્ય અલૌકિક વાત છે એમ લક્ષ કરી તેનો મહિમા તો કર. આ તો-
ભાગ્યવાન કર વાવરે, એની મોતીયે મૂઠિયું ભરાય.
-આવી અલૌકિક વાત છે. આસ્થાથી, શ્રદ્ધાથી, ઉત્સાહ ને ઉમંગ લાવી આ કબુલે-સ્વીકારે તે ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે.
અહાહા...! ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમિત છે છતાં દ્રવ્યના સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ આ શક્તિ વિશિષ્ટ ગુણસ્વરૂપ છે. એટલે શું? કે ભગવાન આત્મા-અનંતગુણનિધાન પ્રભુ-સદાય પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત રહે છે-ટકી રહે છે; તે પોતાના સ્વરૂપથી પડીને કદીય પરરૂપ-જડરૂપ થઈ જતો નથી, તેનો કોઈ ગુણ અન્યગુણરૂપ થઈ જતો નથી, તથા તેના અનંત ગુણ દ્રવ્યથી છૂટા પડી વિખરાઈ જતા નથી, તેમ જ દ્રવ્યની-આત્માની કોઈ પર્યાય અન્યપર્યાયરૂપે થઈ જતી નથી. સૌ પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અહો! સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવારૂપ આત્માનો આ કોઈ અલૌકિક સ્વભાવ છે. સ્વરૂપ ઘટે નહિ, વધે નહિ, સ્વરૂપનો કોઈ અંશ (ગુણ) કદી છૂટે નહિ, અન્યરૂપ થાય નહિ, ને નવું કાંઈ તેમાં આવે નહિ. આવો અગુરુલઘુસ્વભાવી ભગવાન આત્મા છે તેને ઓળખી દ્રષ્ટિગત કરતાં પર્યાયમાં નિર્મળતા-નિર્મળતા પ્રગટે છે અને આ ધર્મ છે. ગજબની અગમ-નિગમની વાતો બાપુ! લ્યો,
આ પ્રમાણે અહીં અગુરુલઘુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.