ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદવ્યયરૂપ છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધ્રુવત્વરૂપ છે).’
જુઓ, અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. તેમાં એક ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ ત્રિકાળ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે-‘ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ, આમાં ક્રમવૃત્તિરૂપ અર્થાત્ એક પછી એક વર્તવારૂપ પર્યાયો છે, ને અક્રમવૃત્તિરૂપ અર્થાત્ એક સાથે ત્રિકાળ વર્તવારૂપ ગુણો છે. દ્રવ્યમાં ગુણો બધા અક્રમવૃત્તિરૂપ ત્રિકાળ એક સાથે પડયા છે, ને પર્યાય એક પછી એક સળંગ ઉંચાઈ- ઉર્ધ્વપ્રવાહરૂપે ક્રમબદ્ધ થાય છે. પર્યાયો ક્રમવર્તી છે, તેથી ક્રમે પ્રવર્તવું જેનું લક્ષણ છે એવી પર્યાયો ઉત્પાદવ્યયરૂપ છે, ને અક્રમવૃત્તિરૂપ ગુણો ધ્રુવત્વરૂપ છે. આમ આખું દ્રવ્ય ક્રમ-અક્રમવૃત્તિ વડે ઉત્પાદવ્યયધ્રુવ સ્વભાવવાળું છે. સમજાણું કાંઈ...!
અરે ભાઈ, એક સમયની પર્યાયમાં ભૂલ છે, તેને ટાળતાં કેટલો કાળ લાગે? તો કહે છે-એક સમયમાં તે ભૂલ મટી શકે છે, કેમકે ક્રમે વર્તવું જેનું લક્ષણ છે એવી પર્યાય ક્રમવૃત્તિરૂપ છે. અહા! જે સમયે નિજ સ્વભાવને જાણી સ્વ-આશ્રયે પરિણમે તે જ સમયે ભૂલ મટી નિર્મળ પરિણમન અર્થાત્ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. શું થાય? અજ્ઞાની જીવ અનાદિથી નિજ સ્વભાવને ભૂલી પર-આશ્રયે પરિણમે છે તેથી તેને વિકારી પરિણમન નામ ભૂલ અને સંસાર છે. અહાહા...! ક્રમ-અક્રમવૃત્તિરૂપ વર્તવાના સ્વભાવવાળું જે સ્વદ્રવ્ય તેના રુચિ અને લીનતારૂપ પરિણમતા જીવ નિર્મળ રત્નત્રયરૂપે પરિણમે છે; આ ધર્મ છે ને આ જ શક્તિનું વાસ્તવિક પરિણમન છે.
પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની અજ્ઞાની બન્નેને છે; ત્યાં અજ્ઞાનીને પરાશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી અશુદ્ધ-ભૂલવાળી મલિન પર્યાયો થાય છે, જ્યારે જ્ઞાનીને સ્વાશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી નિર્મળ-નિર્મળ સમકિત આદિ મોક્ષમાર્ગની પર્યાયો થાય છે. આ પર્યાયમાં ભૂલ હોવાનું ને ભૂલ મટાડવાનું સંક્ષેપમાં રહસ્ય છે. આવી વાત છે.
આ ક્રમ-અક્રમપણે વર્તવાનો સ્વભાવ આત્માની એકેક શક્તિમાં લાગુ પડે છે, કેમકે ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ આત્માની એકેક શક્તિમાં વ્યાપક છે. એ તો પ્રથમ કહેવાઈ ગયું છે કે ક્રમ અને અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોનો સમુદાય તે આત્મા છે. આમ દરેક શક્તિનું ઉત્પાદવ્યયપણે ક્રમે પ્રવર્તવું અને અક્રમપણે ધ્રુવ રહેવું તે સ્વરૂપ છે. અહાહા...! જ્ઞાનમાત્ર ભાવની અંદર આવી જતી અનંત શક્તિઓ એક સાથે પર્યાયમાં ઉલ્લસે છે, ઉછળે છે. અહો! દ્રવ્યના બધાય ગુણનો એવો સ્વભાવ છે કે ગુણપણે ધ્રુવ રહીને તે ક્રમવર્તી પર્યાયે પરિણમે છે.
તું સાંભળ તો ખરો બાપુ! તારા આત્મદ્રવ્યની- -એકેક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે. -એકેક શક્તિ અનંતમાં (ગુણોમાં) નિમિત્ત છે. -એકેક શક્તિ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેમાં વ્યાપે છે. -એકેક શક્તિ ધ્રુવ ઉપાદાન છે, અને તેની પર્યાય ક્ષણિક ઉપાદાન છે. તેમાં અક્રમે રહેવું તે ધ્રુવ ઉપાદાન છે,
-એકેક શક્તિમાં વ્યવહારનો-રાગનો ને નિમિત્તનો અભાવ છે. એકેક શક્તિ ક્રમે પ્રવર્તે છે તે નિર્મળ પરિણતિએ પ્રવર્તે છે, ને તેમાં વ્યવહારનો-રાગનો ને નિમિત્તનો અભાવ નામ નાસ્તિ છે. આ અનેકાન્ત છે. વ્યવહારના કે નિમિત્તના કારણે અહીં શક્તિનું પરિણમન થયું છે એમ છે નહિ.
અહીં આ શક્તિના અધિકારમાં વ્યવહારની વાત જ કરી નથી. સાધકને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વ્યવહારના-શુભરાગના પરિણામ હોય છે ખરા, પણ તેને તે માત્ર જાણે જ છે, તેમાં તન્મય નથી. જ્ઞાન રાગથી છૂટું ને છૂટું જ જ્ઞાનપણે રહે છે. તેની તે જ્ઞાન પર્યાય પોતામાં પોતાના સામર્થ્યથી પોતાથી જ થાય છે, તેમાં વ્યવહારનો- રાગનો અભાવ જ છે. જ્ઞાનની પર્યાય, સમકિતની પર્યાય, ચારિત્રની પર્યાય, આનંદની પર્યાય, પરની અપેક્ષા વિના જ પોતાથી થાય છે. આવી સૂક્ષ્મ વાત! સમજાણું કાંઈ...!