૯૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! ક્રમ-અક્રમવર્તીપણારૂપ આ ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ આત્માની એકેક શક્તિમાં (-બધી અનંત શક્તિમાં) વ્યાપક છે, જેથી પ્રત્યેક ગુણમાં જે સમયે જે પર્યાય થવાનો કાળ છે તે ત્યાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમયે પૂર્વ પર્યાયનો વ્યય થઈ ક્રમવર્તી નવી પર્યાયનો ઉત્પાદ થાય એવો આ શક્તિનો સ્વભાવ છે; મતલબ કે પ્રતિ સમય ક્રમે ઉત્પન્ન થવાવાળી પર્યાય પરને-નિમિત્તને લઈને ઉત્પન્ન થાય એમ છે જ નહિ. દયા, દાન, પંચમહાવ્રત આદિરૂપ રાગની મંદતાના (ભેદ રત્નત્રયના) પરિણામ છે માટે ક્રમે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થયા એવું વસ્તુના સ્વરૂપમાં છે નહિ. દ્રવ્યના સહજ પરિણમનને, ઉત્પાદ-વ્યયને કોઈની અપેક્ષા છે નહિ, ઝીણી વાત છે પ્રભુ! કહ્યું છે ને કે-‘વાત છે ઝીણી, ને લોઢું કાપે છીણી.’ લોઢું કાપવામાં લોઢાની છીણી જોઈએ, બીજું કામ ન આવે; તેમ આ ભેદજ્ઞાનની સૂક્ષ્મ વાતો છે તે અંતરના સૂક્ષ્મ અભ્યાસથી પમાય તેવી છે, તેમાં સ્થૂળ ઉપયોગ કામ ન આવે. અહાહા...! જેને અંતર્દ્રષ્ટિ થઈ, શક્તિનું પરિણમન શરૂ થયું તે સાધક છે. તેને કાંઈક રાગ છે. પણ તે રાગની, શક્તિ અને શક્તિના પરિણમનમાં નાસ્તિ છે. આમ એકેક શક્તિમાં વ્યવહારનો અભાવ છે; આ અનેકાન્ત છે. અહાહા...! શક્તિની નિર્મળતાની અસ્તિ, ને તેમાં વિકારની ને વ્યવહારની-રાગની નાસ્તિ-આવું અનેકાન્તમય સાધકનું પરિણમન હોય છે.
-વળી એકેક શક્તિ છે તે પારિણામિકભાવે છે. કોઈએ પ્રશ્ન કરેલો કે- પ્રશ્નઃ– મોક્ષમાર્ગ ક્યો ભાવ છે? ત્યારે કહ્યું- ઉત્તરઃ– મોક્ષમાર્ગ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવરૂપ છે. ભગવાન આત્મામાં ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ છે તે પારિણામિકભાવે છે. આ શક્તિના નિમિત્તે-કારણે જે ઉત્પાદવ્યયરૂપ ક્રમવર્તી પર્યાયો થાય છે તે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે થાય છે, અને તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવસ્વરૂપે છે. (જેમાં જે ભાવ લાગુ પડતો હોય તે સમજવો). આ નિર્મળ પર્યાયોમાં ઉદયભાવનો અભાવ છે, કેમકે ઉદયભાવ શક્તિના કાર્યરૂપ નથી. હવે આમાં કોઈને થાય કે અમારે કેટકેટલું યાદ રાખવું? અરે ભાઈ! આવા મોંઘા મનુષ્યપણા મળ્યા ને એમાં તું અત્યારે આ નહિ સમજ તો કે’દિ’ સમજીશ? (એમ કે હમણાં નહિ સમજે તો પછી સમજવાનું સામર્થ્ય જ રહેશે નહિ એવી એકેન્દ્રિયાદિ હલકી દશા આવી પડશે).
ભાઈ! આ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા અંદર શક્તિઓનો દરિયો છે. તેમાં કેવળજ્ઞાનની પર્યાય જેવી અનંતી પર્યાયો ક્રમસર થાય છે. કેવળજ્ઞાનની પર્યાય છે તે એક સમય પૂરતી છે, બીજે સમયે એવી બીજી થાય છે. સાદિ અનંતકાળ એવી પર્યાયો ક્રમે થાય એવો વસ્તુનો સ્વભાવ છે. એવી અનંત પર્યાયોનો સમુદાય તે જ્ઞાનગુણ છે. તેમ શ્રદ્ધાગુણની અનંતી પર્યાય, ચારિત્ર ગુણની અનંતી પર્યાય, આનંદ ગુણની અનંતી પર્યાય, ... ઇત્યાદિ. અહા! આવી અનંત પર્યાય અને અનંતા ગુણોનો પિંડ તે નિજ આત્મદ્રવ્ય છે. હવે આવા નિજ અંતઃતત્ત્વનો અભ્યાસ કદી કરે નહિ અને બહારમાં ઉપવાસાદિ કરે અને માને કે કલ્યાણ થઈ જાય; પણ ધૂળેય ન થાય સાંભળને, કેમકે વસ્તુ એવી નથી. લોકોને આ આકરું પડે, પણ ભગવાનનો માર્ગ આવો છે ભાઈ!
અહાહા...! આત્મા સત્ શાશ્વત વસ્તુ છે. તેમાં શક્તિઓ છે તે પણ ત્રિકાળ શાશ્વત છે. દ્રવ્ય છે તે પારિણામિકભાવે છે, તેમાં રહેલી શક્તિઓ પણ પારિણામિકભાવે છે. એક શક્તિ છે તે બીજી અનંતને નિમિત્ત છે, પણ એક શક્તિ બીજી શક્તિને (તેની પર્યાયને) ઉત્પન્ન કરે એમ નથી. દરેક શક્તિમાં ક્રમ-અક્રમવર્તીપણારૂપ ઉત્પાદવ્યયધ્રુવત્વનું રૂપ છે. જ્ઞાનની પર્યાયનો જે સમયે નિર્મળપણે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે જ્ઞાન ગુણનો ક્રમ- અક્રમવર્તીપણાનો સ્વભાવ છે. ઉત્પાદવ્યયધ્રુવત્વ તેમાં નિમિત્ત છે. અહાહા...! એકેક શક્તિમાં-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિમાં -ઉત્પાદવ્યયરૂપે જે પર્યાય સમયે સમયે થાય છે તે પરની અપેક્ષા વિના જ, પોતાના ષટ્કારકથી થાય છે. આવો જ દ્રવ્યનો ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવ છે. આમ જ્ઞાનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કે કેવળજ્ઞાનની પર્યાયનો જે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે આ ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિના કારણે થાય છે. આવી સૂક્ષ્મ ગંભીર વાત છે બાપુ!
પ્રશ્નઃ– ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે-શાસ્ત્રમાં-તત્ત્વાર્થસૂત્રમાં તો એમ કહ્યું છે? ઉત્તરઃ– હા, કહ્યું છે. તે નિમિત્તનું કથન છે; અર્થાત્ કેવળજ્ઞાન થવા કાળે બાહ્ય નિમિત્ત શું હોય છે તેનું તેમાં જ્ઞાન કરાવ્યું છે, બાકી જ્ઞાન ગુણમાં ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિનું રૂપ છે તેથી જ્ઞાનની કેવળજ્ઞાનરૂપ પર્યાય તેના કાળે પોતાથી જ પ્રગટ થાય છે. કર્મનો ક્ષય બાહ્ય નિમિત્ત હો, પણ કર્મની કે બીજા કોઈની તેમાં અપેક્ષા નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે.
‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’માં એમ કહ્યું છે કે પૂર્વપર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ છે, અને ઉત્તરપર્યાયયુક્ત દ્રવ્ય તે તેનું