કાર્ય છે. જૈન તત્ત્વમીમાંસામાં પણ પં. શ્રી ફૂલચંદજીએ આ વાત લીધી છે. એ તો દ્રવ્યની પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા ત્યાં વાત કરી છે. અહીં એ વાતને વ્યવહાર ગણી ઉડાવી દીધી છે. ભાઈ! ઉત્પાદવ્યયધ્રુવત્વ એ વસ્તુનો-દ્રવ્યનો સ્વભાવ છે. અહાહા...! દ્રવ્યની એકેક પર્યાયમાં સહજ સ્વતંત્ર ઉત્પાદવ્યય સમયે સમયે થાય છે. અહા! બાહ્ય નિમિત્તના કારણે પર્યાયનો ઉત્પાદ થાય છે એમ નથી, ને તેમાં પૂર્વ પર્યાયનું કારણપણું છે એમ પણ નથી. પોતાના ક્રમે પ્રગટ થયેલી પર્યાય પોતે જ તેના ઉત્પાદનું વાસ્તવિક કારણ છે. બાહ્ય નિમિત્તને, વ્રતાદિ વ્યવહારને ને પૂર્વ પર્યાયને કારણ કહેવું તે વ્યવહાર છે બસ. તથા વર્તમાન એક ગુણની પર્યાય બીજી (બીજા ગુણની) પર્યાયનું વાસ્તવિક કારણ નથી. સમ્યગ્દર્શનના કારણે સમ્યગ્જ્ઞાન થાય છે એમ નથી. (વિવક્ષાથી એમ કહેવું એ બીજી વાત છે).
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ છે. તેની એકેક શક્તિ પણ ધ્રુવ છે. તે શક્તિ અને શક્તિવાન દ્રવ્યના ભેદનું લક્ષ છોડી અભેદની દ્રષ્ટિ કરવાથી, અહાહા...! અભેદ શુદ્ધ ચૈતન્યના તળમાં સ્પર્શ કરવાથી, સ્પર્શ કરવાથી એટલે કે ધ્રુવની સન્મુખ થઈ પરિણમવાથી નિર્મળ પર્યાયનો સહજ જ પોતાના કારણે ઉત્પાદ થાય છે. ત્યારે પૂર્વ પર્યાયનો વ્યય પણ પોતાથી સ્વતંત્ર થાય છે. કોઈ કોઈના કારણે છે એમ છે જ નહિ. દ્રવ્ય-ગુણ ધ્રુવ એકરૂપ સદ્રશ રહે છે તે પણ પોતાથી જ છે. અહો! આવું અલૌકિક વસ્તુસ્વરૂપ છે ભાઈ! સાધકને વચ્ચે શુભરાગ આવે તે વ્યવહાર હો ભલે, પણ નિર્મળ પર્યાય ઉત્પન્ન થવાનું તે કારણ નથી; ને પૂર્વ પર્યાય પણ વાસ્તવિક કારણ નથી. આ બધું ઝીણું પડે તોય જાણવું પડશે હોં. આ જગતના હીરા-માણેક-મોતી, બાગ-બંગલા-બગીચા, સ્ત્રી-પુત્ર-પરિવાર ને આ રૂપાળું શરીર એ તો કાંઈ નથી ભાઈ! એ તો બીજી ચીજ બાપુ! એને જાણતાં કાંઈ સુખ ન થાય, કેમકે એમાં સુખ નથી; સ્વસન્મુખ થઈને સ્વ નામ નિજ શુદ્ધાત્મસ્વરૂપને જાણતાં સુખ થાય છે, કેમકે તેમાં સુખ છે, અરે તે (-પોતે) સુખસ્વરૂપ જ છે. સમજાણું કાંઈ...?
નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય અને પર્યાય ક્રમનિયત નહિ પણ નિયત-અનિયત છે. એમ આ વિષયો પર વર્તમાનમાં ઘણો વિરોધ ચાલે છે. અરે ભાઈ! આ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજી વિરોધ મટાડવા જેવું છે બાપુ!
પંચાસ્તિકાયની ગાથા ૧પપમાં નિયત-અનિયતની વાત આવી છે. આ ગાથામાં સ્વસમય અને પરસમયની વ્યાખ્યા કરવામાં આવી છે. ત્યાં સ્વભાવલીન પરિણામને નિયત કહેલ છે, અને વિભાવ પરિણામને અનિયત કહેલ છે. અનિયત એટલે પરિણામ ક્રમનિયત નહિ થતાં આગળ-પાછળ થાય છે એવો અર્થ નથી, પણ અનિયત એટલે સ્વભાવમાં અનવસ્થિત, સ્વભાવમાં લીન નહિ એવી વિભાવ પર્યાય એમ ત્યાં અર્થ છે.
વળી પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે. તે ૪૭ ધર્મો આત્મામાં એકી સાથે છે. ત્યાં પણ કાળનય, અકાળનય કહ્યા છે.
‘આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે.’ વળી, આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે.’ હવે આમાં અકાળનો અર્થ પર્યાય ક્રમઅનિયત અર્થાત્ આગળ-પાછળ થાય છે એમ કયાં છે? પર્યાય તો ક્રમનિયત સ્વકાળે જ ઉત્પન્ન થાય છે, પણ સાથે સ્વભાવ અને પુરુષાર્થ હોય છે તે બતાવવા માટે ત્યાં અકાળનયની વાત કરી છે. વસ્તુતઃ એક જ પર્યાય એકી સાથે કાળનય અને અકાળનયનો વિષય થાય છે. ત્યાં કાળને ગૌણ કરી પુરુષાર્થ અને સ્વભાવની વિવક્ષા હોય ત્યારે તે અકાળનયનો વિષય થાય છે. આમ કોઈ પર્યાય આગળ-પાછળ થાય છે એમ ત્યાં અભિપ્રાય છે જ નહિ. વાસ્તવમાં દરેક પર્યાય ક્રમબદ્ધ પોતાના સ્વકાળે જ ઉત્પન્ન થાય છે.
અહા! જેમ દ્રવ્યના બધા ગુણ એક સાથે જ દ્રવ્યમાં ત્રિકાળ સર્વ પ્રદેશે વ્યાપક છે, તેમાં કદીય ઘટ-વધ થતી નથી; તેમ દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહક્રમમાં ત્રણેકાળની પ્રતિસમય પ્રગટ થનારી પર્યાયોનો સ્વકાળ નિયત છે. ભાઈ! ત્રણેકાળની પર્યાયોનો પ્રવાહ દ્રવ્યમાં નિયત પડયો છે, પર્યાયોની ક્રમનિયત ધારામાં કદી ભંગ પડતો નથી. અહા! આવું ક્રમ-અક્રમવર્તીપણું એ દ્રવ્યનો સ્વભાવ છે. હવે આમાં કોઈ વળી કહે છે-ક્રમવર્તીપણું એટલે પર્યાયો એક પછી એક થાય બસ એટલું જ, પણ ક્રમે પ્રગટ થતી પર્યાયો અમુક નિશ્ચિત જ થાય એમ નહિ, પણ આ માન્યતા બરાબર નથી. ક્રમવર્તીપણું એટલે દ્રવ્યમાં પર્યાયો એક પછી એક થાય એટલું જ નહિ, પ્રવાહક્રમમાં કયા સમયે કઈ પર્યાય થાય તે પણ નિયત-નિશ્ચિત જ છે. જેમ સાત વાર (સોમ, મંગળ વગેરે) નિશ્ચિત ક્રમબદ્ધ છે તેમ દ્રવ્યની ત્રણકાળની પર્યાયો