Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4019 of 4199

 

૧૦૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પણ નિશ્ચિત ક્રમબદ્ધ છે. ‘પ્રમેયકમલમાર્તંડ’ માં ‘ક્રમભાવ’ને સમજાવતું નક્ષત્રોનું દ્રષ્ટાંત પણ આ જ વાત સિદ્ધ કરે છે.

સમયસાર, સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારની ગાથા ૩૦૮થી ૩૧૧ની ટીકામાં આચાર્યદેવે આ વાત ખુલ્લી કરી છે. ત્યાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-જીવ ને અજીવ બધા દ્રવ્યો પોતાના ક્રમનિયમિત પરિણામોથી ઉપજે છે. ક્રમનિયમિત કહો કે ક્રમબદ્ધ કહો-એક જ વાત છે. ભાઈ! ધ્રુવ રહીને ક્રમનિયમિત ભાવે પરિણમવાનો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. આખું દ્રવ્ય જ આવું છે. અહા! દ્રવ્યના આવા ક્રમ-અક્રમવર્તીપણાના સ્વભાવને યથાર્થ જાણે તો પર્યાયો આડી- અવળી-આગળપાછળ થાય, નિમિત્તથી થાય ને નિમિત્તથી બદલી શકાય-એવી ઉંધી-વિપરીત દ્રષ્ટિ મટી જાય અને તેને સ્વસન્મુખ-દ્રષ્ટિ વડે નિર્મળ પરિણમનની ધારા શરૂ થાય છે. આમ દ્રવ્યમાં થતી પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ નિર્ણય કરનારનું જોર સ્વદ્રવ્ય ભણી, શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવ પ્રતિ વળે છે અને તેને નિર્મળ પરિણમનની ક્રમવર્તી ધારા ઉલ્લસે છે. આ ધર્મ છે.

પ્રશ્નઃ– સમયસાર કળશટીકામાં કળશ ૨પ૨માં ત્રિકાળી દ્રવ્યને સ્વકાળ કહેલ છે તે શું છે? ઉત્તરઃ– સમયસાર કળશટીકામાં કળશ ૨પ૨માં ત્રિકાળી દ્રવ્યને સ્વકાળ કહેલ છે. વર્તમાન પર્યાયનો ભેદ પાડવો તેને ત્યાં પરકાળ કહેલ છે. ત્યાં કહ્યું છેઃ- “સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ-કલ્પના, પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ-કલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે, પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના, તેને પરભાવ કહેવાય છે.’ જુઓ બહારના અન્યદ્રવ્યની પર્યાય તે પરકાળ છે એ વાત તો કયાંય દૂર રહી ગઈ, અહીં તો દ્રવ્યની પોતાની અવસ્થાને જ ભેદકલ્પનાથી પરકાળ કહે છે. ભેદ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવવી છે ને! તો પરમાર્થે જે સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ છે એમ કહીને અભેદદ્રષ્ટિ કરાવી છે. અહા! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ચાર ભેદ પણ ખરેખર ત્રિકાળી વસ્તુમાં નથી. હવે આમ છે ત્યાં પર્યાય નિમિત્તથી- પરદ્રવ્યથી થાય એવી પરાશ્રયની વાતને અવકાશ જ કયાં છે? વાસ્તવમાં પ્રત્યેક દ્રવ્યનો ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવ છે, અને તેથી દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી સ્વતંત્ર પ્રગટ થાય છે, તેનું કોઈ પરદ્રવ્ય કારણ નથી, પૂર્વ પર્યાય પણ તેનું કારણ નથી. દ્રવ્ય પોતે પોતાના સ્વભાવથી જ એક અવસ્થાથી પલટીને નિયત અવસ્થાન્તરરૂપ થાય છે. આ તો એકલું અમૃત છે ભાઈ! આનો અંતરમાં નિર્ણય કરે તેને ભેદની દ્રષ્ટિ તથા મારી અવસ્થા કોઈ બીજો પલટાવી દેશે એવી પરાશ્રયની દ્રષ્ટિ છૂટી જાય છે, અને અભેદ એક જ્ઞાયકની દ્રષ્ટિ થઈ નિર્મળ નિર્મળ પરિણમન થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...?

અહાહા...! વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા છે તે ગુણ-પર્યાયના ભેદથી રહિત, કર્મ-નોકર્મથી રહિત અભેદ એકરૂપ જ્ઞાયક પ્રભુ છે. તેમાં પૂર્વ પર્યાયનો વ્યય થઈ નવી પર્યાયનો ઉત્પાદ થાય તથા વસ્તુ ચિન્માત્ર સદા એકરૂપ સદ્રશ રહે તેવો તેનો ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવ છે. તેમાં પરદ્રવ્યનું-નિમિત્તનું-કર્મનું કાંઈ કારણપણું નથી. અરે, તેની એક શક્તિનું કારણ બીજી શક્તિ નથી, કેમકે એકેક શક્તિમાં ઉત્પાદવ્યયધ્રુવત્વનું રૂપ છે; અર્થાત્ પ્રત્યેક શક્તિનું પોતાનું ઉત્પાદવ્યયધ્રુવત્વ પોતાથી છે. અહા! આવા પોતાના ક્રમ-અક્રમવર્તી સ્વભાવને ઓળખતાં ગુણ-પર્યાયના ભેદ ઉપરથી દ્રષ્ટિ ખસીને, દ્રષ્ટિ અભેદ એક જ્ઞાયકસ્વભાવ ઉપર થંભે છે, ને તે દ્રષ્ટિમાં ક્રમે નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. આ સાધક દશા અને આ મોક્ષમાર્ગ છે. હવે લોકો પોતાના અંતરંગ સ્વરૂપને જાણવા દરકાર કરે નહિ ને બહારના ક્રિયાકાંડમાં મોક્ષમાર્ગ માની રચ્યા રહે, પણ ભાઈ! એવી ક્રિયાકાંડના શુભ વિકલ્પ તો એણે પૂર્વે અનંત વાર કર્યા છે. એમાં નવું શું છે? અપૂર્વ શું છે? છહઢાલામાં આવે છે ને કે-

મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.

અરે ભાઈ! તું અંદર જો ને બાપુ! ત્યાં અંદર તળમાં એકલો (નિર્ભેળ) આનંદ ભર્યો છે. અહાહા...! જેમ સમુદ્રના તળિયે સોનું, હીરા, મોતી પડયાં છે તેમ ભગવાન આત્માના તળમાં જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણરત્નોનો ભંડાર ભર્યો છે. અહાહા...! તે દરેક ગુણ-શક્તિ, કહે છે, પોતાના ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવને કારણે પોતે પોતાનું કાર્ય કરે છે, તેમાં બીજું કોઈ કારણ નથી. દ્રવ્યદ્રષ્ટિવંતને સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે