તે સ્વકાળે પોતાથી થાય છે તેમાં બીજું-કર્મનો ઉપશમાદિ વાસ્તવિક કારણ નથી. જ્ઞાનના ઉત્પાદ-વ્યય-ધ્રુવ પોતાથી છે, પરથી કે વાણીના કારણે છે-એમ નથી. અહાહા...! અંતરસન્મુખ પરિણમતા જ્ઞાનસ્વભાવ પોતે જ વિશેષ જ્ઞાનપણે પરિણમે છે, વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એમ નથી. આવી વાત!
પ્રશ્નઃ– તો પછી જિનવાણી સાંભળવાનું શું પ્રયોજન છે? ઉત્તરઃ– અરે ભાઈ! વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ ન થાય, પણ જ્ઞાનસ્વભાવી નિજ જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમતા જ્ઞાન થાય છે એમ સમજવું એ જિનવાણી સાંભળવાનું વાસ્તવિક પ્રયોજન છે. તેથી જિજ્ઞાસુને બહુ વિનય ને ભક્તિપૂર્વક જ્ઞાની પાસેથી સત્ના શ્રવણનો પ્રેમ અને ઉત્સાહ આવે છે. ‘વાણીથી જ્ઞાન થતું નથી માટે સાંભળવાનું શું કામ છે?’ એવી સ્વચ્છંદતાનો ભાવ તેને હોતો નથી. સત્ના શ્રવણકાળે પણ તેને ભાવ તો અંદર પોતાનો જ ઘૂંટાય છે. તેનું વલણ અને વજન નિમિત્ત પર ન હોતાં, જ્ઞાની જે દ્રવ્યસ્વભાવ બતાવે છે તેના પર હોય છે. આ જ વાણી સાંભળવાનું પ્રયોજન છે. જ્ઞાનીને પણ વારંવાર સત્ના શ્રવણનો ભાવ આવે છે. તેમાં તેની રુચિનું જોર એક નિજ જ્ઞાયકસ્વભાવ પર હોય છે, નિમિત્ત પર કે રાગ પર તેની રુચિનું જોર હોતું નથી. જેને આત્મસ્વભાવમાં જ રુચિનું જોર વળી જાય તેને વાણી સાંભળવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ, તારે બીજાથી-નિમિત્તથી શું કામ છે? અંદર તારી જ્ઞાનમાત્ર વસ્તુમાં એક સાથે અનંત ગુણો ધ્રુવપણે રહ્યા છે. અહા! અનંત ગુણનું અભેદ એકરૂપ ત્રિકાળી સ્વદ્રવ્ય-તેમાં તું દ્રષ્ટિ કર તો અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થશે. અહાહા...! સ્વદ્રવ્યના આશ્રયમાં જતાં જ જ્ઞાન, આનંદ, શ્રદ્ધા, સ્વચ્છતા, પ્રભુતા, વીર્ય ઇત્યાદિ બધી અનંત શક્તિઓ નિર્મળપણે ઉલ્લસીને પર્યાયમાં વ્યક્ત થાય છે. અહા! તે સ્વસંવેદનમાં-સ્વાનુભવમાં અનંત શક્તિની નિર્મળતા એક સાથે સમાય છે. અહો! આવો અદ્ભુત ચૈતન્ય ગુણરત્નાકર પ્રભુ તું છો, અંદર નજર કરતાં જ સમ્યગ્દર્શન આદિ અપૂર્વ અપૂર્વ રત્નો પ્રગટ થાય છે. હવે અંદર ઢંઢોળે નહિ, ને બહારમાં-રાગની ક્રિયામાં ને નિમિત્તમાં-ફાંફાં મારે. પણ તેથી શું થાય? ધૂળેય ન થાય. અંતરસન્મુખતાના પુરુષાર્થ વિના બધું જ થોથેથોથાં છે.
જુઓ, સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ આત્મામાં એક વીર્યશક્તિ ત્રિકાળ છે. તેનું કાર્ય શું? તો કહે છે- સ્વરૂપસ્થિત દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણોની નિર્મળ પર્યાયોની રચના કરવી તે તેનું કાર્ય છે. જુઓ, વીર્યશક્તિનું સામર્થ્ય! અહાહા...! આત્મા પોતે સ્વવીર્યથી-અંતઃપુરુષાર્થ વડે પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયને રચે છે. નિર્મળ પર્યાયની રચના થાય તેમાં સ્વવીર્યને છોડી કોઈ પરવસ્તુ કારણ નથી.
આત્મા પોતે સ્વવીર્યથી-જાગ્રત થયેલા અંતઃપુરુષાર્થથી જ કર્તા થઈને નિર્મળ સમ્યગ્દર્શનાદિરૂપ કાર્યને રચે છે. ઓહો! પોતાની નિર્મળ પર્યાયોને રચનારો આત્મા પોતે જ અનંતવીર્યવાન ઈશ્વર છે. આવી વાત!
પ્રશ્નઃ– હા, પણ સમ્યગ્દર્શન આદિ પર્યાયો ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એમ આપ કહો છો, તો પછી વીર્યશક્તિનું શું કામ? (એમ કે વીર્ય નામ પુરુષાર્થનું એમાં શું કામ રહ્યું?)
સમાધાનઃ– એમ નથી ભાઈ! પર્યાયો ક્રમબદ્ધ પ્રગટ થાય છે માટે વીર્યશક્તિ કાંઈ કાર્યકારી નથી એમ નથી. સમ્યગ્દર્શન આદિ પર્યાયો તો ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એ બરાબર છે, પણ ત્યારે વીર્યશક્તિના કાર્યરૂપ અંતઃપુરુષાર્થ પણ ભેગો જ હોય છે. ઓહો! નિર્મળ રત્નત્રયનો સ્વકાળ કાંઈ સ્વરૂપસન્મુખતા ને સ્વરૂપલીનતા- સ્વરૂપરમણતાના અંતઃપુરુષાર્થ વિનાનો હોય છે એવું નથી. વાસ્તવમાં નિર્મળ રત્નત્રયના સ્વકાળમાં અનંત ગુણની નિર્મળ પર્યાયો ભેગી જ હોય છે, અંતઃપુરુષાર્થ પણ ભેગો હોય જ છે. પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એ એક વિવક્ષાથી વાત છે, પણ તેથી કાંઈ તે કાળે પુરુષાર્થનો અભાવ હોય છે એવું નથી. જ્ઞાનમાત્ર ભાવના પરિણમનમાં અનંત ગુણની પર્યાયો એકી સાથે ઉલ્લસે છે એમ યથાર્થ સમજવું જોઈએ; આ અનેકાન્ત છે. સમજાણું કાંઈ...?
અરે, પરમાણુમાં પણ પોતાની વીર્યશક્તિ છે, જેથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિગુણો પોતપોતાના કાર્યની રચનારૂપે પરિણમે છે. દરેક ગુણ પોતાના કારણે પોતાના કાર્યરૂપે પરિણમે છે; પરના કારણે તે કાર્ય થતું નથી. એક છૂટો પરમાણુ