Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4022 of 4199

 

૧૯-પરિણામશક્તિઃ ૧૦૩

વળી દ્રવ્યની જે સત્તા-અસ્તિત્વ છે તે ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયથી આલિંગિત છે. મતલબ કે ધ્રૌવ્ય-ધ્રુવતા ને ઉત્પાદ-વ્યય કાંઈ ત્રણ ભિન્ન-ભિન્ન સત્તા નથી, પણ ત્રણેય મળીને એક સત્તા-અસ્તિત્વ છે. અહાહા...! ત્રણેયથી આલિંગિત એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. ધ્રૌવ્યની અપેક્ષાએ તે (-અસ્તિત્વએ) સદૃશ છે ને ઉત્પાદ- વ્યયની અપેક્ષાએ તે વિસદૃશ છે. અહા! આવા સદૃશ-વિસદૃશરૂપ એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. બહુ ઝીણું ભાઈ! પણ ધ્યાન રાખે તો પકડાય એવું છે.

ભાઈ! આ કાંઈ કથા વાર્તા નથી. આ તો તત્ત્વજ્ઞાનનો વિષય-બહુ સૂક્ષ્મ બાપુ! કહે છે-ભગવાન આત્મા દ્રવ્ય છે તે ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય ત્રણેને એક સમયમાં આલિંગન કરે છે. ગજબ વાત ભાઈ! જો ધ્રૌવ્ય ન હોય તો પરિણામ શામાં થાય? ને જો ઉત્પાદ-વ્યય ન હોય તો પરિણામ કેવી રીતે થાય? ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય ત્રણેય એકી સાથે હોયા વિના પરિણામશક્તિ બની શકે નહિ. તેથી કહ્યું કે-ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામ શક્તિ છે. ‘सद्द्रव्य लक्षणम्’ ને ‘उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’-એવા જે બે મહાન સૂત્રો તત્ત્વાર્થસૂત્રમાં આવ્યા છે તે આમાં સમાઈ જાય છે. અહીં અસ્તિત્વમાત્ર કહીને એક સત્-સત્તા બતાવી છે.

ભાઈ! પ્રત્યેક દ્રવ્ય પ્રતિસમય પોતાના ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયને આલિંગન કરે છે. સમયસાર ગાથા ત્રણમાં આવે છે કે-પ્રત્યેક દ્રવ્ય પોતાના ધર્મોના ચક્રને ચુંબે છે, પણ પરને સ્પર્શતું નથી. ત્યાં કહ્યું છે કે-“કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.” જુઓ, આમ વસ્તુસ્વરૂપ છે છતાં કેટલાક લોકો માને છે કે-કર્મથી વિકાર થાય છે, પણ તે માન્યતા બરાબર નથી. કર્મનો ઉદય જીવની પર્યાયને અડતો સુદ્ધાં નથી તો કર્મના ઉદયથી જીવને વિકાર કેમ થાય? એ તો જીવ પોતે પરનો સંગ કરે છે માટે રાગાદિ વિકાર થાય છે. અરે! પોતાના અસંગ સ્વરૂપને ભૂલી અજ્ઞાની જીવ પરનો સંગ કરે છે તેથી તેને પર્યાયમાં રાગદ્વેષાદિ વિભાવ ભાવો ઉત્પન્ન થાય છે. ભાઈ! વિકાર થાય છે તે જીવની પોતાની તેવી યોગ્યતાથી થાય છે. પરથી-કર્મથી તે થાય છે એમ છે જ નહિ.

પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે. તેમાં એક ઇશ્વરનય કહ્યો છે. ત્યાં કહ્યું છે-“આત્મદ્રવ્ય ઇશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક.” આમ જીવ પોતે નિમિત્તને આધીન થઈને પર્યાયમાં પરાધીન થઈ વિકારરૂપે પરિણમે એવી તેનામાં યોગ્યતા છે. કર્મને લઈને વિકાર થાય છે એમ છે નહિ.

અહીં કહે છે-ભાઈ! તારી ચીજમાં ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામ- શક્તિ છે. શક્તિ ધ્રુવ છે તે ઉત્પાદ-વ્યયરૂપે પર્યાયમાં પરિણમે છે. તેમાં ધ્રુવ છે તે સદૃશ એકરૂપ છે, અને ઉત્પાદ- વ્યય છે તે વિસદૃશ છે. ઉત્પાદ-વ્યય એક સરખા નથી, પરસ્પર વિરુદ્ધ છે માટે તેને વિસદૃશ કહેલ છે. ધવલમાં તેમને (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને) વિરુદ્ધ અને અવિરુદ્ધ કહ્યા છે. ઉત્પાદ-વ્યય વિરુદ્ધ છે, અને ત્રિકાળી ધ્રુવ સદૃશ તે અવિરુદ્ધ છે. વ્યય છે તે પૂર્વ પર્યાયનો અભાવ છે, ને ઉત્પાદ છે તે વર્તમાન પર્યાયનો ભાવ છે. એક ભાવરૂપ ને બીજો અભાવરૂપ છે, તેથી ઉત્પાદ-વ્યય છે તે વિરુદ્ધ અર્થાત્ વિસદૃશ છે; અને ધ્રૌવ્ય છે તે અવિરુદ્ધ અર્થાત્ સદૃશ છે. ધ્રુવ કહો, એક કહો, સામાન્ય કહો, સદૃશ કહો-બધુ એક જ છે.

આ સમજે તો જન્મ-મરણના અંત આવી જાય એવી આ ચીજ છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ ભાવ તો જીવ અનાદિથી કર્યા કરે છે, પણ તે કાંઈ ધર્મ નથી. અંદર આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે, તેની અંતરમાં દ્રષ્ટિ થયા વિના ધર્મ થઈ જાય એવું સ્વરૂપ નથી. અરે ભાઈ, આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે વિકાર કરાવે, ભવભ્રમણ કરાવે. શક્તિ અને શક્તિવાન દ્રવ્ય ત્રિકાળ ધ્રુવ પવિત્ર પરમાત્મસ્વરૂપ છે, ને તેને દ્રષ્ટિમાં લેતા પવિત્રતાનો-નિર્મળ પરિણામનો ઉત્પાદ થાય છે. અહીં નિર્મળ-પવિત્ર પરિણામની જ વાત છે, અહીં મલિનતાની વાત જ નથી. નિર્મળ પરિણામ તે ક્રમવર્તી અને નિર્મળ ગુણો તે અક્રમવર્તી-તે બધાનો સમુદાય તે આત્મા છે એમ અહીં વાત છે.

તો નિયમસાર, ગાથા ૩૮માં ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહ્યો છે? હા, ત્યાં દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો છે. જેની દ્રષ્ટિ કરી પરિણમતા નિર્મળ-નિર્મળ પરિણામ થયા કરે તે દ્રષ્ટિનો વિષય ત્યાં બતાવવો છે. તેથી ત્યાં ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહ્યો ને પર્યાય નિર્મળ હો તોપણ તે વ્યવહાર આત્મા છે એમ ત્યાં કહ્યું છે. ધ્યાન રાખીને સમજવું બાપુ! આ વિષય બહુ સૂક્ષ્મ ગંભીર છે. કોઈ નિશ્ચય- નિશ્ચય એક એકલું