૧૦૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કહ્યા કરે તો એમ વાત નથી. અહાહા...! અંદર કારણપરમાત્મા-નિત્યાનંદ, ચિદાનંદ ધ્રુવ પ્રભુ-ત્રિકાળ બિરાજે છે. તેની પ્રતીતિ-અંતર્દ્રષ્ટિ અને અનુભવ થતાં જે નિર્મળ-નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય તેને અહીં આત્મા કહ્યો છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ.
જુઓ, અહીં પરિણામશક્તિની વાત ચાલે છે. કોઈને એમ થાય કે ૧૮મી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ અને આ ૧૯મી પરિણામશક્તિ બન્ને એક છે; પણ એમ નથી. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ કહી, જ્યારે અહીં આ પરિણામશક્તિમાં, ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સદૃશ અને વિસદૃશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ-એમ કહેલ છે. આમ બન્નેમાં ફેર છે.
ભાઈ! સદૃશ અને વિસદૃશ એવા બન્ને સ્વભાવવાળું તારું અસ્તિત્વ છે. ઉત્પાદ-વ્યય વિસદૃશ અર્થાત્ વિરુદ્ધ છે, ને ધ્રુવ તે સદૃશ અર્થાત્ અવિરુદ્ધ છે. સમયસાર, ગાથા ૩ની ટીકામાં આ વાત આવી છે. ત્યાં કહ્યું છે-“જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે.” આમાં ઉત્પાદ-વ્યયને વિરુદ્ધ કાર્ય કહેલ છે, ને ધ્રૌવ્યને અવિરુદ્ધ. અહીં શક્તિના વર્ણનમાં તેને સદૃશ-વિસદૃશ કહેલ છે. ધ્રૌવ્ય ત્રિકાળ એકરૂપ છે તેથી સદૃશ અને પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ- ભાવ-અભાવરૂપ એમ બેપણે છે તેથી વિસદૃશ છે. અહા! આવા સદૃશ-વિસદૃશરૂપ એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે.
હવે જે પરિણમન થાય છે તે ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે? ‘ચિદ્દવિલાસ’માં આનું સમાધાન કર્યું છે કે-દ્રવ્ય પરિણમે છે, ગુણ નહિ. પરિણમનશક્તિ દ્રવ્યમાં છે એ બાબત ચિદ્દવિલાસમાં નીચે મુજબ સ્પષ્ટીકરણ કર્યું છેઃ “કોઈ પ્રશ્ન કરે છે કે-ગુણદ્વારથી જે પરિણતિ ઊપજી તે ગુણની છે કે દ્રવ્યની છે? જો ગુણની હોય તો ગુણો અનંત છે તેથી પરિણતિ પણ અનંત હોય; અને (જો તે પરિણતિ) દ્રવ્યની હોય તો ગુણપરિણતિ શા માટે કહો છો?-
તેનું સમાધાનઃ– એ પરિણમનશક્તિ દ્રવ્યમાં છે; દ્રવ્ય ગુણોનો પુંજ છે, તે પોતાના ગુણરૂપે પોતે જ પરિણમે છે; તેથી ગુણમય પરિણમતા (તેને) ગુણપર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ, ગુણની પરિણતિ-એમ તો કહીએ છીએ; પરંતુ આ પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થસૂત્રમાં) દીધી છે કે- ‘द्रव्याश्रया निर्गुणा गुणाः’ દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. ‘गुणपर्ययवद् द्रव्यम्’ (- ગુણપર્યાયવાળું દ્રવ્ય છે)-એમ પણ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, (પણ) ગુણ ન કહ્યો.”... “પરિણમનશક્તિ દ્રવ્યથી છે. દ્રવ્ય ગુણલક્ષણરૂપે પરિણમે છે, તેથી ક્રમ-અક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે.” અને અહીં પણ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય તે આત્મા એમ પ્રથમ વાત કરી છે.
જુઓ, ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદ એમ ત્રણથી આલિંગિત સદૃશ અને વિસદૃશ જેનું રૂપ છે એવી પરિણામશક્તિ પરિણમે છે તો પરિણતિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. માટે શક્તિ અને શક્તિવાન એવો જે ભેદ છે તેનું લક્ષ છોડી દે, કેમકે ભેદના લક્ષે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પરિણામ થતા નથી. ભેદ છે તે તો અભેદને બતાવવા પૂરતો છે. તેથી ભેદનું લક્ષ છોડી અભેદને ગ્રહણ કર. અહાહા...! અભેદ એકરૂપ સામાન્ય અબદ્ધસ્પૃષ્ટ જે ધ્રુવ સ્વભાવભાવ છે તેની દ્રષ્ટિ કરી તેમાં જ એકાગ્ર થા; તેથી સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. મારગ આ છે ભાઈ!
અહીં દ્રવ્યદ્રષ્ટિ કરાવવી છે. પરિણામશક્તિ છે અર્થાત્ પરિણામ દ્રવ્યનો સ્વભાવ છે એટલે દ્રવ્યનું પરિણમન થતાં તેની વિશેષતા-ગુણનું પરિણમન-થાય છે, તેથી પરિણતિ દ્રવ્યથી ઉઠે છે, ગુણથી નહિ. દ્રવ્ય પોતે જ પોતાની વિશેષતારૂપ પરિણમી જાય છે. અહાહા...! ધર્મ કરવો હોય તો આવી જે પોતાની ચીજ છે તેનું જ્ઞાન ભલી પ્રકાર કરવું પડશે ભાઈ! આ તમારાં હીરા-મોતી ને બાગ-બંગલા તેમાં કામ નહિ આવે. આ તો ફુરસદ લઈને સમજવા જેવી ચીજ છે બાપુ!
પરિણામશક્તિ કહી તેમાં શક્તિથી પરિણતિ ઉઠતી નથી. ખરેખર દ્રવ્ય જ દ્રવે છે, દ્રવ્યથી પરિણતિ ઉઠે છે. પંચાસ્તિકાય ગાથા ૯માં મૂળ પાઠમાં કહ્યું છે કે-“તે તે સદ્ભાવપર્યાયોને જે दवियदि–द्रवति-દ્રવે છે-गच्छदि– गच्छति- પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે-કે જે સત્તાથી અનન્યભૂત છે.” આ મૂળ પાઠ છે. અહીં ગુણ દ્રવે છે એમ નથી કહ્યું, પણ દ્રવ્ય દ્રવે છે એમ કહ્યું છે. શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં પણ અહીંની માફક જ ‘द्रवति गच्छति’ નો એક અર્થ તો ‘દ્રવે છે અર્થાત્ પામે છે’ એમ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત ‘द्रवति એટલે સ્વભાવપર્યાયોને દ્રવે છે અને गच्छति એટલે વિભાવપર્યાયોને પામે છે’ એવો બીજો અર્થ પણ ત્યાં કરવામાં આવ્યો છે. અહીં તો દ્રવ્ય શુદ્ધતારૂપે