Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4025 of 4199

 

૧૦૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. ધ્રૌવ્ય-વ્યય- ઉત્પાદને આલિંગન કરવું એ દ્રવ્ય-સ્વભાવ છે. દ્રવ્ય પોતાના ગુણપર્યાયરૂપ ધર્મોને ચુંબે છે, પણ દ્રવ્ય પરને ચુંબતું નથી. તેથી કર્મે જીવને હેરાન કર્યો છે એ માન્યતા બરાબર નથી; કેમકે કર્મનો ઉદય જીવના વિકારને અડતો નથી, ને જીવનો વિકાર કર્મના બંધને અડતો નથી. જીવ પોતાના ઉલટા પરિણમનની યોગ્યતાથી ચાર ગતિમાં રખડે છે. અહા! તારી અશુદ્ધતા પણ મોટી અને શુદ્ધતા પણ મોટી-એમ અનુભવપ્રકાશમાં કહ્યું છે. પોતાની અશુદ્ધતાથી જીવ રખડે છે, કર્મના કારણે રખડે છે એમ નથી. અહા! તીર્થંકરદેવની ૐ વાણી જીવે અનંત વાર સાંભળી છે, પણ એને તત્ત્વદ્રષ્ટિ થઈ નહિ, પોતાના પરિણામ દ્રવ્ય સન્મુખ વળ્‌યા નહિ તે તેનો પોતાનો દોષ છે, તેમાં કર્મનો ઉદય બીલકુલ કારણ નથી. (કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે).

ચિદ્દવિલાસ પા. ૩૩ ઉપર પરિણામશક્તિના વર્ણનમાં કહ્યું છે કે-“એક અભેદ વસ્તુમાં સર્વ સિદ્ધિ છે, જેમ ચંદ્ર અને ચંદ્રનો પ્રકાશ એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઉઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને (પરિણામ) કહ્યા છે; આ પરિણામથી જ ઉત્પાદ-વ્યય વડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ. ” આમ ભેદ દ્વારા અભેદનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે.

આ શક્તિનું પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ, કેમકે ગુણ દ્રવ્યના આશ્રયે છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ગુણપર્યાયવાળું દ્રવ્ય છે એમ કહ્યું છે ત્યાં પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું (પણ) ગુણ ન કહ્યો. આમ ગુણભેદની વાસના મટાડી દ્રવ્યદ્રષ્ટિ કરાવી છે.

પ્રશ્નઃ– જો એમ છે તો આ શક્તિઓને જુદી જુદી સમજવાની કસરત શું કામ કરવી? ઉત્તરઃ– અરે ભાઈ! આ શક્તિઓ યથાર્થ સમજે તો અંતરમાં આનંદના તરંગ ઉછળે એવી સ્વભાવદ્રષ્ટિનો પુરુષાર્થ જાગ્રત થાય છે. આ સમજવું તે ખાલી ‘કસરત’ નથી, પણ અનંત કાળનો થાક ઉતારવાના પુરુષાર્થનો મારગ છે બાપુ! એકેક શક્તિને યથાર્થપણે સમજી શક્તિવાન દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યાં અભેદ એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માનું પરિણમન થાય છે ને ભેગી તેમાં અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે. આ રીતે અનંત ગુણથી અભેદ નિજ આત્મવસ્તુની દ્રષ્ટિ કરાવવા આ શક્તિઓનું વર્ણન છે. વસ્તુ-આત્મા સ્વભાવથી અનેકાંતમય કેવી રીતે છે અર્થાત્ તેમાં અનંત ધર્મો કઈ રીતે છે તે સ્પષ્ટ જાણવા-સમજવા આચાર્યદેવે અહીં શક્તિઓનું વર્ણન કર્યું છે. ત્યાં ભેદવાસનામાં ન રોકાવું, કેમકે ભેદના લક્ષે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય પ્રગટતી નથી. આવી વાત!

હવે આવી તત્ત્વજ્ઞાનની વાત સૂક્ષ્મ પડે એટલે અત્યારે તો લોકો બહારમાં-સ્થૂળ રાગમાં રોકાઈ ગયા છે. વ્રત કરો, દયા પાળો, તપ કરો, ભક્તિ કરો-ઇત્યાદિ આચરણમાં ધર્મ થવાનું માની ત્યાં રોકાઈ ગયા છે. પણ એ તો બધો શુભરાગ છે ભાઈ! એ તો બંધનું જ કારણ છે. એનાથી તું ધર્મ થવાનું માને એ તો મિથ્યાભાવ છે.

પ્રશ્નઃ– તો જ્ઞાની પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ આચરણ કરે છે ને? ઉત્તરઃ– અરે ભાઈ! અસ્થાનના રાગથી ને અશુભથી બચવા માટે જ્ઞાનીને દયા, દાન, વ્રત આદિનો શુભરાગ આવે છે, પણ તેને તે હેય માને છે. જ્ઞાની તેને ધર્મ કે ધર્મનું સાધન માનતા નથી. જ્ઞાનીની પરિણતિમાં વ્રતાદિ વ્યવહાર ભલે હો, છતાં પણ એનાથી જુદું શુદ્ધતાનું પરિણમન તેને અંતરંગમાં વર્તે છે; તે શુદ્ધતામાં તન્મય છે, ને રાગમાં અતન્મય છે. ખરેખર તેને સ્વભાવ સન્મુખી ઉત્પાદ-વ્યયમાં નિર્મળતા થઈ છે, ને તેમાં રાગનો પ્રવેશ નથી; રાગ તો ભિન્ન જ્ઞેયપણે રહી જાય છે, ને તેનું જ્ઞાન સ્વકાળમાં સમાય છે. રાગ તે ચૈતન્યનો સ્વકાળ નથી, પરકાળ છે, પરપરિણતિ છે. અહાહા...! જ્ઞાન ને રાગ-બન્ને સમકાળે ને સમક્ષેત્રે હોવા છતાં એક (-જ્ઞાન) સ્વકાળ અને બીજો પરકાળ. અહો! કેવું સૂક્ષ્મ ભેદજ્ઞાન! આ તો અલૌકિક વીતરાગી વિજ્ઞાન ભાઈ! જે જ્ઞાનીને પ્રગટ થયું હોય છે. અજ્ઞાની તો રાગને ઉપાદેય માને છે. આમ વ્રતાદિ હોવા છતાં જ્ઞાની-અજ્ઞાનીના અભિપ્રાયમાં ઘણો ફેર છે. આવી વાત! સમજાણું કાંઈ!

હવે કેટલાક તો સમજ્યા વિના વ્રત-પડિમા લઈ લે છે; બે, પાંચ, અગિયાર પડિમા-અરે, જો પડિમા પંદર હોય તો અજ્ઞાની જીવો પંદર પડિમા પણ લઈ લે. કેમકે તેમને પડિમાના સ્વરૂપનીય ખબર નથી, ને નિજ ચૈતન્યવસ્તુના