સ્વરૂપનીય ખબર નથી. અરે, તેઓ તો બિચારા આંધળે-બહેરું કૂટે રાખે છે. એક ત્યાગી કહેતા હતા કે-મેં પડિમા લીધી છે તો ખરી, પણ પડિમા મારી પાસે આવી છે કે નહિ એની મને ખબર નથી. લ્યો, તત્ત્વ સમજ્યા વિના આવું બધું બહારમાં ચાલ્યા કરે છે; પણ આ કોઈ મારગ નથી ભાઈ!
શાસ્ત્રમાં વ્રત-અવ્રતમાં છાયા-આતપનો ફેર કહ્યો છે ને? હા, કહ્યો છે; શાસ્ત્રમાં એમ કહ્યું છે કે તડકે ઊભા રહેવા કરતા છાંયામાં ઊભા રહેવું સારું છે, અર્થાત્ અવ્રત કરતાં વ્રત સારું છે, ભલું છે. પણ કોને? કે જેને અંતરમાં શુદ્ધ અંતઃતત્ત્વરૂપ નિજ આત્માનું ભાન થયું છે, આનંદના અનુભવની વૃદ્ધિ થઈ છે તેને અવ્રતનો વિકલ્પ છૂટી વ્રતનો વિકલ્પ આવે છે, અને તેના એ (વ્રતને) અવ્રતની દશા અપેક્ષા સારો કહ્યો છે. અહાહા...! જેને સમ્યગ્દર્શનપૂર્વક આનંદની ધારા વિશેષતાએ પ્રગટી છે તેને પાંચમા ગુણસ્થાનમાં વ્રત-પડિમા લેવાનો વિકલ્પ ઉઠે છે અને તે યથાર્થ વ્યવહાર છે; પણ અજ્ઞાનીને એ વાત લાગુ પડતી નથી, કેમકે તેને યથાર્થ વ્રત (સમ્યગ્દર્શનપૂર્વકના) છે કયાં? (વ્યવહારાભાસ છે). આ તો-
ચોથા ગુણસ્થાનવર્તી સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પાંચમાં ગુણસ્થાનવર્તી શ્રાવકને વ્રતના વિકલ્પ વખતે પણ અંદર શાંતિની વિશેષ ધારા હોય છે, અને તેના વિકલ્પને છાયા કહેવામાં આવી છે. ખરેખર તો ત્યાં અંતરમાં આનંદરસની ધારા પ્રગટી છે તે ખરી છાયા છે. સાથે વ્રતાદિનો વિકલ્પ હોય છે તેને વ્યવહારથી ઉપચારમાત્ર છાયા કહેવામાં આવે છે. આવી વાત છે. લ્યો,
અહીં આ પ્રમાણે ઓગણીસમી પરિણામશક્તિનું વર્ણન પૂરું થયું.
‘કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ, સ્પર્શાદિશૂન્ય (-સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત) એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ!
અહાહા...! જ્ઞાનલક્ષણથી લક્ષિત ભગવાન આત્મામાં એક અમૂર્તત્વ નામની શક્તિ છે. શું કીધું? જે ઇન્દ્રિયગ્રાહ્ય નથી, અતીન્દ્રિયજ્ઞાન દ્વારા જ જે જાણવામાં-અનુભવમાં આવે છે એવાભગવાન આત્માનો, કહે છે, અમૂર્તત્વ સ્વભાવ છે, કર્મબંધના અભાવથી તેનું વ્યક્તરૂપે પરિણમન થાય છે. સમસ્ત કર્મોનો અભાવ થઈને સિદ્ધદશા પ્રગટે છે ત્યારે સાક્ષાત્ પૂર્ણ અમૂર્તપણું વ્યક્ત-પ્રગટ થાય છે. અને ચોથે ગુણસ્થાને જેટલો કર્મબંધનો અભાવ છે એટલું આ અમૂર્તત્વશક્તિનું પરિણમન થાય છે. અહાહા...! અનંત ગુણોનો સમુદાય પ્રભુ આત્મા છે. તેની સન્મુખની દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ થતાં અનંત ગુણોનો એક-એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે, અને ત્યારે ભેગી આ અમૂર્તત્વશક્તિ પણ અંશે વ્યક્તરૂપે પરિણમે છે.
અહા! રાગથી ખસીને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેતા અનંત ગુણમાં અંશે અમૂર્તપણાનું વ્યક્ત પરિણમન થાય છે, આત્મપ્રદેશોરૂપ અમૂર્તપણું પ્રગટ થાય છે. એમ આત્મા છે તો અમૂર્ત ચીજ, પણ કર્મના સંબંધથી તેને રૂપી કહેવામાં આવે છે. સમ્યગ્દ્રષ્ટિને જે રાગાદિ ભાવ છે તેને પણ રૂપી-મૂર્ત કહે છે. રાગ પુદ્ગલના પરિણામ છે માટે તે રૂપી છે. દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેટલી સ્વરૂપલીનતા થાય છે તેટલો કર્મબંધનો અભાવ થાય છે, ને તેટલા પ્રમાણમાં રાગના અભાવરૂપ જે શુદ્ધત્વ-પરિણમન વ્યક્ત થાય છે તે અમૂર્તત્વશક્તિનું પરિણમન છે. સાધકને ભલે પૂર્ણ પ્રગટ ન થાય તોપણ અંશે અમૂર્તત્વશક્તિનું વ્યક્તરૂપે પરિણમન થાય છે, અને તે પરિણમન સ્પર્શ-રસ-ગંધ- વર્ણથી રહિત હોય છે.
આસ્રવ અધિકારમાં આ વાત લીધી છે. ચોથા ગુણસ્થાને દ્રવ્યદ્રષ્ટિ થતાં જેટલા અંશે શુદ્ધિ પ્રગટ થાય છે તેટલા અંશે ત્યાં કંપનનો અભાવ થઈને અજોગપણું વ્યક્ત થાય છે. તે જ પ્રમાણે અમૂર્તત્વશક્તિનું પણ વ્યક્ત પરિણમન ચોથા ગુણસ્થાનમાં થાય છે. નિષ્ક્રયત્વશક્તિનું વર્ણન હવે પછી આવશે. આત્માનો અનુભવ થતાં જ્ઞાનીને પર્યાયમાં અંશે નિષ્ક્રિયત્વ શક્તિનું પરિણમન થાય છે, ત્યાં અકંપદશા થાય છે. આવી વાત!
આ બધો અભ્યાસ કરવો જોઈએ ભાઈ! તિર્યંચને સમ્યગ્દર્શન થાય છે પણ તેને બીજા શલ્ય હોતા નથી. (શરીરાદિમાં) એકત્વબુદ્ધિનું એક જ શલ્ય હોય છે અને તે થતાં છૂટી જાય છે. અહીં મનુષ્યપણામાં તો ઘણા