મહાવ્રતાદિ પાળે, છતાં જો વસ્તુસ્વરૂપને બીજી રીતે માને તો એવા નગ્ન દિગંબર જૈન સાધુને પ્રવચનસારની ગાથા ૨૭૧માં સંસારતત્ત્વ કહેલ છે. રાગ અને પુણ્યના ભાવને પોતાના માનનારને, હિતરૂપ માનનારને મોક્ષ કે મોક્ષનો મારગ હોતો નથી; તે તો સંસારી જ છે; અને કર્મના સંબંધે પરિણમે તે પણ સંસારી જ છે.
અરે ભાઈ! આત્માની પર્યાયમાં વિકાર છે, કર્મનો સંબંધ છે-એમ જાણવું તે વ્યવહાર છે, અને ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા વિકાર ને બંધનથી રહિત છે એવા એના ચિન્માત્ર સ્વભાવને જાણવો તે નિશ્ચય છે. ત્યાં જે જીવ એકાંતે વ્યવહારને જ સ્વીકારી તેના આશ્રયમાં અટકી રહે છે તે સંસારી મિથ્યાદ્રષ્ટિ છે; ને જે જીવ ચિન્માત્ર શુદ્ધ આત્મદ્રવ્યનો આશ્રય કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે, ધર્માત્મા છે; તેને શુદ્ધ દ્રવ્યના આશ્રયે પર્યાય નિર્મળ-નિર્મળ થતી જાય છે, અને કર્મ સાથેનો સંબંધ મટતો જાય છે, ને ક્રમે સાક્ષાત્ સિદ્ધદશાની પ્રાપ્તિ થાય છે. ત્યાં આત્માનો અમૂર્તસ્વભાવ પૂર્ણ ખીલી જાય છે. આવો મારગ છે ભાઈ! યોગસારમાં યોગીન્દુદેવે કહ્યું છે ને કે-
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર.
ભાઈ! ભવથી છૂટવું હોય, અશરીરી થવું હોય તો ધ્યાન વડે તારા અંતરમાં અશરીરી જ્ઞાનસ્વભાવને દેખ; તેને ધ્યાતાં પરમ સુખમય અશરીરી સિદ્ધદશા થશે; પછી ફરીવાર બીજી માતાનું દૂધ નહીં પીવું પડે.
આ પ્રમાણે વીસમી અમૂર્તત્વશક્તિ પુરી થઈ.
‘સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના ઉપરમસ્વરૂપ (તે પરિણામોના કરવાની નિવૃત્તિસ્વરૂપ) અકર્તૃત્વશક્તિ. (જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો નથી, એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે.)’
જુઓ, કર્મના નિમિત્તે, કર્મના નિમિત્તના આશ્રયથી કરવામાં આવતા જે રાગાદિ પરિણામ તેનો કર્તા આત્મા નથી. આઠ કર્મના નિમિત્તે જે શુભાશુભ પરિણામ થાય છે તે સઘળા જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામ છે, અનાત્મ પરિણામ છે, અસ્વભાવભાવો છે; ભગવાન આત્મા તેનો કર્તા નથી. ઓહો! સમકિતીને જે સ્વરૂપનાં નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન પ્રગટ થયાં છે તેના ભેગું રાગાદિનું અકર્તૃત્વ પણ પ્રગટયું જ હોય છે, જેથી જ્ઞાની-ધર્મી જીવ રાગાદિનો કર્તા થતો નથી. અહા! આવો આત્માનો અકર્તા સ્વભાવ છે.
અહા! આત્મામાં અકર્તાપણાનો એક ગુણ છે. તેનું કાર્ય શું? કે કર્મના નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના વિકારી ભાવ તેને કરે નહિ, કરવાની નિવૃત્તિસ્વરૂપ પરિણમે તે એનું કાર્ય છે. બસ, વિકારથી નિવર્તવું... નિવર્તવું... નિવર્તવું ને સ્વરૂપમાં-જ્ઞાનસ્વભાવમાં ઠરવું જ ઠરવું એ એનું કાર્ય છે. અહા! સિદ્ધ પરમાત્માનું જે કાર્ય નથી તે (-વિકાર) ભગવાન આત્માનું કાર્ય નામ કર્તવ્ય નથી. આવો જ આત્માનો અકર્તૃત્વ સ્વભાવ છે.
પ્રશ્નઃ– તો શું જ્ઞાની-ધર્મી પુરુષને રાગ હોતો જ નથી. ઉત્તરઃ– ભાઈ! એમ વાત નથી. અસ્થિરતાના કાળમાં ધર્મીનેય યથાસંભવ શુભાશુભ હોય છે, પણ તેનું શ્રદ્ધાન-જ્ઞાન આમ છે કે આ વિકાર મારું સ્વરૂપ નથી, મારું કર્તવ્ય નથી. હું તો એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાયક છું, ને તેમાં ઠરું એ જ મારું કર્તવ્ય છે. આમ પર્યાયમાં જ્ઞાનીને દયા, દાન આદિ રાગના પરિણામ છે, પણ તેનું એને કર્તૃત્વ નથી. જ્ઞાન સાથે રાગનું અકર્તાપણું નિયમથી જ્ઞાનીને પ્રગટ થયું જ હોય છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે-આત્મા કર્મને કરે ને કર્મને ભોગવે. અરે, તું શું કહે છે આ ભાઈ? અનંતગુણનિધાન પ્રભુ આત્મામાં એવી કોઈ શક્તિ જ નથી જે કર્મને કરે ને કર્મને ભોગવે. એ તો અજ્ઞાન દ્રષ્ટિમાં જ તને કર્મનું કર્તાપણું ભાસે છે, બાકી સ્વભાવદ્રષ્ટિવંતને તો આત્મા અકર્તા જ છે, અભોક્તા જ છે. રાગ કરવો એ આત્માનું સ્વરૂપ જ નથી.