૧૧૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કરવામાં મારગ સમજી સંતુષ્ટ થાય છે, પણ એ મારગ નથી બાપુ! એ તો સઘળો પરાશ્રયરૂપ વ્યવહાર, બંધનું જ કારણ છે.
અહાહા...! ધર્મી-જ્ઞાની એને કહીએ કે જે પરાશ્રયરૂપ વ્યવહાર-રાગના કરવાથી નિવૃત્તસ્વરૂપે જ્ઞાનમય પરિણામે, આનંદમય પરિણામે પરિણમે છે. રાગનો-વ્યવહારનો પોતાને જે કર્તા માને છે તે તો વ્યવહારમૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. અહા! વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી તેથી તો ભગવાને વ્યવહારના આશ્રયનો નિષેધ કર્યો છે. જેમ પરને હું કરું -એવો સ્વ-પરની એકતાનો મિથ્યા અધ્યવસાય બંધનું જ કારણ છે તેમ પરાશ્રિત વ્યવહારના ભાવોથી મોક્ષમાર્ગ થશે એવી માન્યતા પણ મિથ્યા છે ને તે બંધનું જ કારણ છે. ભાઈ! આ ભગવાનના શ્રીમુખેથી આવેલી વાત છે, આમાં કયાંય વિરોધ કરવા જેવું નથી.
ધર્મી પુરુષ વ્યવહારના રાગથી નિવૃત્તસ્વરૂપ છે. પરની ક્રિયા થાય તેનો કર્તા આત્મા છે એ વાત તો દૂર રહો, રાગના-વ્યવહારના પરિણામના કરણથી-કરવાથી આત્મદ્રવ્ય નિવૃત્તિસ્વરૂપ છે. સર્વ પરદ્રવ્યો નકામા અર્થાત્ કદીય કાર્ય વિનાના નથી. પ્રત્યેક દ્રવ્ય પોતાનું કામ નિરંતર કરી જ રહ્યું છે, કોઈ પણ દ્રવ્ય એક ક્ષણમાત્ર પણ પોતાના કાર્ય વિનાનું હોતું નથી. માટે બીજો-અન્ય દ્રવ્ય તેનું કાર્ય કરે એ વાત તો છે જ નહિ; પરંતુ જ્ઞાનીને જે કિંચિત્ રાગ છે તેનોય તે કર્તા નથી, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાનીની રીતિ-ચાલ બહુ નિરાળી છે બાપુ! ભજનમાં આવે છે ને કે-
પ્રશ્નઃ– તો પ્રવચનસારમાં નયોના અધિકારમાં તેને કર્તા કહ્યો છે ને? ઉત્તરઃ– હા, જ્ઞાનીને જેટલો રાગ છે તેટલા તે પરિણામનો, જ્ઞાન અપેક્ષાએ, કર્તા પણ કહ્યો છે. રાગના પરિણામ કરવાલાયક છે એમ નહિ, જ્ઞાનીને કર્તૃત્વબુદ્ધિથી રાગની પ્રવૃત્તિ હોતી નથી; તથાપિ કમજોરીવશ જેટલો રાગ છે તેટલા રાગનો, પરિણમન અપેક્ષાએ જ્ઞાનીને ત્યાં કર્તા કહ્યો છે. ત્યાં પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન શૈલીથી વાત છે. અહીં દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વાત છે; તેથી અહીં જ્ઞાની રાગથી નિવૃત્તસ્વરૂપ છે એમ કહ્યું છે. સાથોસાથ રાગનું પરિણમન છે એટલો તે કર્તા છે એમ (કર્તૃનયે) જ્ઞાન અપેક્ષાએ સમજવું.
પ્રવચનસારમાં તો જેટલો રાગ છે તેટલો તેનો ભોક્તા જ્ઞાની છે એમ પણ કહ્યું છે. જ્ઞાનીને જેટલો રાગ છે તેટલું ત્યાં દુઃખનું વેદન પણ છે. જુઓ, શ્રેણિક રાજા આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. વર્તમાનમાં નરકક્ષેત્રમાં છે. તેઓ ક્ષાયિક સમકિતી છે. તેઓ ત્યાંથી (-નરકથી) નીકળી માતાના ગર્ભમાં અવતરણ કરશે ત્યારે સ્વર્ગના ઇન્દ્રો આવી મોટો ઉત્સવ ઉજવશે. ઇન્દ્ર પણ ક્ષાયિક સમકિતી છે, એક જ ભવ કરી મોક્ષ જશે. છતાં ભગવાનની માતાને સ્તુતિ દ્વારા કહે છે-હે માતા! આપ જગત્જનની, રત્નકૂંખધારિણી છો. આ બાળકનું જતન કરીને, સંભાળીને રાખજો. હે માતા!
માતા! જતન કરીને રાખજો, તુમ સુત અમ આધાર રે.
જુઓ, સમકિતી ઇન્દ્ર ભક્તિભાવથી સ્તુતિ કરીને આમ કહે છે કે-હે માતા! આપને મારા નમસ્કાર હો. અહા! આવો રાગ ક્ષાયિક સમકિતી એકભવતારી ઇન્દ્રને પણ આવે છે, છતાં તે રાગના વિકલ્પથી ખરેખર જ્ઞાની નિવૃત્તિસ્વરૂપે પરિણમે છે. રાગના-વિકલ્પના તેઓ જ્ઞાતા જ છે, કર્તા નહિ. ધંધા-પાણીની ક્રિયા તો જડની-જડસ્વરૂપ છે, તેનો તો કર્તા આત્મા નથી, પણ જ્ઞાનીને ભગવાન પ્રત્યે જે ભક્તિ વિનયનો વિકલ્પ ઉઠે છે તેનોય તે ર્ક્તા નથી, તેનાથીય જ્ઞાની તો નિવૃત્તસ્વરૂપ છે. અહો! મુનિરાજને જે વ્રતાદિના વિકલ્પ ઉઠે છે તેના કરવાથી તેઓ નિવૃત્તસ્વરૂપ છે. હવે આવી અંતરની વાત સમજ્યા વિના લોક તો વ્રત, તપ આદિ કરવામાં મંડી પડયા છે, પણ એ બધી ક્રિયાઓ તો થોથાં છે ભાઈ! એના કર્તાપણે પરિણમવું એ તો મિથ્યાદશા છે. સમકિતીને તો શુદ્ધતારૂપે અકર્તૃત્વશક્તિ પરિણમી છે અને તે રાગના નિવૃત્તિસ્વરૂપ છે; આ અનેકાન્ત છે.
રાગથી ધર્મ થવાનું માને અને જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવના આશ્રયે પણ ધર્મ થવાનું માને તે અનેકાન્ત નથી, સ્યાદ્વાદ નથી; એ તો ફૂદડીવાદ છે. આત્મા પોતાના નિર્મળ પરિણામનો કર્તા છે અને રાગના-વ્યવહારના કર્તૃત્વથી નિવૃત્ત છે-આ સમ્યક્ અનેકાન્ત છે.
તો પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધન કહ્યું છે ને? હા, પંચાસ્તિકાયમાં ભિન્ન સાધન-સાધ્યની વાત કરી છે, પણ એ તો બાહ્ય સહચર અને નિમિત્તનું જ્ઞાન કરાવવા