માટેની વાત છે. વાસ્તવમાં ભિન્ન સાધન-સાધ્ય છે જ નહિ. પરમાર્થે સાધન બે નથી, પણ શાસ્ત્રમાં સાધનનું બે પ્રકારે નિરૂપણ કર્યું છે; જેમ મોક્ષમાર્ગ બે નથી, પણ મોક્ષમાર્ગનું કથન શાસ્ત્રમાં બે પ્રકારે છે તેમ. મોક્ષમાર્ગ તો ત્રણેકાળ એક જ છે, વીતરાગભાવરૂપ એક જ મોક્ષમાર્ગ છે. તે સાથે સહચરપણે રાગ બાકી હોય છે તેથી તેને આરોપ દઈને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ તે છે તો બંધનો જ માર્ગ. જ્ઞાની તો તેના કર્તૃત્વથી નિવૃત્તસ્વરૂપ જ છે.
અહા! અકર્તૃત્વશક્તિ પરિણમે છે તેના ભેગી અકાર્યકારણત્વશક્તિ પણ પરિણમે છે. તેથી શુભભાવ કારણ અને સ્વાનુભવ થયો તે એનું કાર્ય એમ નથી. તથા નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયું તે કારણ અને વ્યવહારનો શુભરાગ થાય તે એનું કાર્ય એમ પણ નથી. ભાઈ! આત્મા રાગનું કારણેય નથી, અને રાગનું કાર્ય પણ નથી. તેમ જે શુભરાગ છે તે જ્ઞાનનું કારણેય નથી, અને જ્ઞાનનું કાર્ય પણ નથી. અહા! આ તો જૈનદર્શનની અલૌકિક વાત! ધર્મ કેમ થાય તે સમજવા માટે આ બધું પહેલાં જાણવું જોઈશે હોં; આ સમજ્યા વિના ધર્મ થવો સંભવિત નથી.
ભાઈ! શાસ્ત્રમાં કઈ પદ્ધતિથી શું કહ્યું છે તે બરાબર સમજવું જોઈએ; પોતાની મતિ-કલ્પનાથી ઉંધા અર્થ કરશે તો દ્રષ્ટિ વિપરીત થશે; અને તો શાસ્ત્ર-સ્વાધ્યાયનું સાચું ફળ નહિ આવે, સંસાર-પરિભ્રમણ જ રહેશે.
અહો! એકેક શક્તિને વર્ણવીને આચાર્યદેવે ભગવાન સમયસાર નામ શુદ્ધાત્મા પ્રસિદ્ધ કર્યો છે. એક શક્તિને પણ યથાર્થ સમજે તો અનાદિકાલીન જે વિકારની ગંધ પેસી ગઈ છે તે નીકળી જાય. અહાહા...! એકેક શક્તિ જે એક જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાયકની દ્રષ્ટિ થતાં અને તેમાં જ ઠરતાં વિકારનો અંત આવી જાય એવી આ વાત છે. હે ભાઈ! વિકાર કાંઈ મારી ચીજ નથી એમ જાણી વિકારથી ભિન્ન નિજ જ્ઞાયકભાવની દ્રષ્ટિ કર, ને તેમાં જ ઠર, તેમાં જ ચર; જેથી આત્માનો અકર્તાસ્વભાવ અંતરમાં પ્રગટ થશે. ભવભ્રમણનો નાશ કરવાની આ જ રીત છે ભાઈ!
આ પ્રમાણે અહીં અકર્તૃત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના (-ભોગવટાના) ઉપરમસ્વરૂપ અભોક્તૃત્વશક્તિ.’
જુઓ, અહીં એમ કહે છે કે-આહાર, પાણી, સ્ત્રીનું શરીર વગેરેનો ભોક્તા તો આત્મા નથી, પણ કર્મથી કરવામાં આવેલા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા એવા જે સમસ્ત વિકારી ભાવ છે તેનો પણ જીવ ભોક્ત નથી. અહા! આવો ભગવાન આત્માનો અભોક્તાપણાનો સ્વભાવ છે. જ્ઞાનીને ભોગની આસક્તિના પરિણામ થાય, પણ તે પરિણામના ભોગવટાથી જ્ઞાની નિવૃત્તિસ્વરૂપ છે. અહા! હરખ-શોકના, સાતા-અસાતાના જે પરિણામ છે તે જ્ઞાનીના જ્ઞાતાપરિણામથી જુદા જ છે, જ્ઞાની તેમાં તન્મય થતો નથી, તેથી જ્ઞાની તેનો ભોક્તા નથી, માત્ર જ્ઞાતા જ છે. જુઓ, આ જ્ઞાનભાવ સાથેનું અભોક્તૃત્વ સ્વભાવનું પરિણમન! પર્યાયમાં વિદ્યમાન હોવા છતાં તે હરખ-શોક આદિ પરભાવનું જ્ઞાનીને અભોક્તાપણું છે. અહો! આ તો સ્વભાવદ્રષ્ટિની કોઈ અદ્ભુત કમાલની વાત છે. સ્વભાવની પરિણતિ થયા વિના ન સમજાય એવી આ અંતરની અલૌકિક વાત છે. સમજાણું કાંઈ...?
દાળ, ભાત, મોસંબીનો રસ, રસગુલ્લાં ઇત્યાદિ જડ, માટી, અજીવ તત્ત્વ છે. તે રૂપી પદાર્થ છે. અરૂપી એવો ભગવાન આત્મા તેનો ભોક્તા નથી. રૂપી પદાર્થ તરફ લક્ષ કરીને આ ચીજ ઠીક છે એવો રાગ જીવ ઉત્પન્ન કરે, અને ત્યાં અજ્ઞાની એમ માને કે હું શરીરાદિને ભોગવું છું, પરચીજને ભોગવું છું, પણ એ તો એની મિથ્યા માન્યતા છે, કેમકે પરચીજને આત્મા ત્રણકાળમાં ભોગવી શકતો નથી-જડને જો આત્મા ભોગવે તો તેને જડપણું આવી પડે.
કોઈ મોટો શેઠ હોય, ભારે પુણ્યના ઠાઠ વચ્ચે ઉભો હોય, રૂપાળો દેહ મણિ-માણેકથી મઢેલો હોય ને ઘરે બાગ-બંગલા-બગીચા-મોટરો ઇત્યાદિ કરોડોની સાહ્યબીભર્યો વૈભવ હોય, ત્યાં અજ્ઞાનીને મોંમાં પાણી વળે કે-અહા! કેવી સાહ્યબી ને કેવો ભોગવટો! આ શેઠ કેવા સુખી છે! પણ ભાઈ! આ તો તારી બહિદ્રષ્ટિ છે અને તે મિથ્યા છે; કેમકે જડ પદાર્થોનો ભોગવટો આત્માને છે જ નહિ. સુખનો એક અંશ પણ તેમાંથી આવે તેમ નથી.