Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4035 of 4199

 

૧૧૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

અહીં તો ધર્મી જીવની વાત છે. ધર્મી જીવને સ્વસ્વરૂપની દ્રષ્ટિ થતાં આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેથી તેઓ પ્રગટ અતીન્દ્રિય આનંદના ભોક્તા છે; તેમને કિંચિત્ રાગ બાકી છે, પણ તે રાગના તેઓ ભોક્તા નથી. અહા! સિંહ કે શિયાળિયાં ફાડી ખાતાં હોય તે કાળેય નિજાનંદરસલીન એવા મુનિરાજ આનંદના ભોક્તા છે; કિંચિત્વિષાદના પરિણામ તે કાળે થાય, પણ તેના તેઓ ભોક્તા નથી. અંદર અભોક્તૃત્વ સ્વભાવ પ્રગટયો છે ને? તેથી જ્ઞાની હરખ-શોકના ભોગવવાના નિવૃત્તિસ્વરૂપે પરિણમ્યા છે. આવી વાત! અજ્ઞાનીને દેહાધ્યાસ છે તેથી જ્ઞાનીનું અંતરંગ પરિણમન તેને ભાસતું નથી.

પ્રશ્નઃ– હા, પણ તો રાગને કોણ ભોગવે છે? ઉત્તરઃ– કોણ ભોગવે? રાગને ભોગવે રાગી. રાગના પરિણામ પોતાના ષટ્કારકથી પર્યાયમાં થાય છે, ને રાગી જીવો તેમાં તન્મય થઈ પરિણમે છે; જ્ઞાની તેમાં તન્મય નથી, તેથી જ્ઞાની રાગના ભોક્તા નથી. અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે-જીવની અભોક્તૃત્વશક્તિ, રાગ-દ્વેષાદિના અનુભવથી ઉપરમસ્વરૂપ છે. કોઈ પણ પરદ્રવ્યનો ભોક્તા તો જીવ ત્રણકાળમાં નથી, પણ રાગના ભોગવટાથી પણ ઉપરમસ્વરૂપ જીવનો સ્વભાવ છે, તેથી સ્વભાવનિયત જ્ઞાની પુરુષ રાગના ભોક્તા નથી.

ત્યારે કોઈ પંડિતોએ ઇંદોરમાં એક વાર કહેલું-“જીવને પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નથી.” અરે, તું શું કહે છે આ? મહાન દિગંબરાચાર્યો-કેવળીના કેડાયતીઓ શું કહે છે એ તો જો. અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે-આત્મા રાગનો કર્તા-ભોક્તા નથી. પરના કર્તા-ભોક્તાપણાની તો વાત જ કયાં રહી? અરે ભાઈ! સ્વભાવના દ્રષ્ટિવંતને એક નિજાનંદનો જ ભોગવટો છે, તે અન્ય (રાગાદિના) ભોગવટાથી સદા ઉપરમસ્વરૂપ છે. અરે ભાઈ! -

આત્મા જો જડને ભોગવે તો તેને જડપણું આવી પડે.

આત્મા જો રાગને તન્મયપણે ભોગવે તો તેને બહિરાત્મપણું આવી પડે. તેથી

આત્મા (જ્ઞાની પુરુષ) નિજ સ્વભાવથી પોતાના જ્ઞાનાનંદમય નિર્મળ ભાવને જ ભોગવે છે, અને તે જ

શોભાસ્પદ છે. તેમાં આત્માની આત્માપણે પ્રસિદ્ધિ છે, ને તેમાં સર્વ પરભાવોનું અભોક્તાપણું છે.

ભાઈ! તને સમજમાં ન આવે તેથી શું થાય? મારગ તો આવો જ છે.

અરે ભાઈ! એક વાર આ શરીરાદિનો મોહ છોડી, કુતુહલ કરીને અંદર સ્વરૂપમાં ડૂબકી તો માર. તને ત્યાં કોઈ અચિન્ત્ય નિધાન દેખાશે. આ દેહ તો હાડ-માંસ-ચામનું, માટીનું ઢીંગલું છે અને આ બધા બાગ-બંગલા-મોટરું પણ ધૂળની ધૂળ છે. એનાથી તને શું છે? એના લક્ષે તો તને રાગ અને દુઃખ જ થશે. અને એ રાગને ભોગવવાની દ્રષ્ટિ તો તને અનંત જન્મ-મરણ કરાવશે. કાળકૂટ સર્પનું ઝેર તો એક વાર મરણ કરાવે પણ આ ઉંધી દ્રષ્ટિનું ઝેર તો અનંત મરણ કરાવશે. માટે હે ભાઈ! અનંતસુખનિધાન નિજ ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેના અનુભવનો ઉદ્યમ કર; તે જ તને અનંત જન્મ-મરણથી ઉગારી પરમ સુખની પ્રાપ્તિ કરાવશે.

જ્ઞાનીને કિંચિત્ આસક્તિના પરિણામ થાય છે, પણ તેની તેને રુચિ નથી, તેમાં તેને સુખબુદ્ધિ નથી. જ્ઞાનીને નિજ ચૈતન્યસ્વભાવનું ભાન થવાથી, રાગના અભાવસ્વભાવસ્વરૂપ જે અભોકતૃત્વ શક્તિ છે તેનું પરિણમન થયું છે. અને તેથી તે આસક્તિના પરિણામનો ભોક્તા થતો નથી. અહાહા...! ચૈતન્ય ચિદાનંદમય એક જ્ઞાયકભાવના તળનો સ્પર્શ કરીને જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ પ્રગટ થયા છે તેથી જ્ઞાની વિકારના-આસક્તિરૂપ પરિણામના ભોગવટાથી નિવૃત્તસ્વરૂપ છે. આ સમજવા ખૂબ ધીરજ જોઈએ ભાઈ! આ તો ધર્મકથા છે બાપુ!

જુઓ, ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા, છ ખંડના રાજ્યમાં હતા ને છન્નુ હજાર રાણીના ભોગની આસક્તિના પરિણામ તેમને થતા હતા. છતાં દ્રષ્ટિ સ્વભાવ પર હતી, તેથી તે કાળે તેઓ જ્ઞાતા-દ્રષ્ટા પરિણામના ભોક્તા હતા, વિકારના વિષૈલા સ્વાદના નહિ. અરે ભાઈ! જ્ઞાતા-દ્રષ્ટારૂપ પરિણામ સ્વયં વિકારના અભોક્તૃત્વસ્વરૂપ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ નરકના ભારે પ્રતિકૂળ સંયોગમાં હોય ને તેને કિંચિત્ આકુળતાના પરિણામ થાય. છતાં તે આકુળતાને ભોગવતો નથી, એ તો સ્વભાવની દ્રષ્ટિ વડે નિર્મળ પરિણતિના સુખની અંતરમાં ગટાગટી કરે છે. અહાહા...!

બાહિર નારકીકૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ગટાગટી;
ચિન્મૂરત દ્રગધારીકી મોહિ, રીતિ લગતિ હૈ અટાપટી.