૧૨૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પરિણમન થઈ, પર્યાયમાંથી કંપ છૂટી, તને સાદિ-અનંત અકંપ એવી પૂર્ણ સિદ્ધદશા પ્રગટશે. લ્યો, -
‘જે અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ-અવયવપણું જેનું લક્ષણ છે એવી નિયતપ્રદેશત્વશક્તિ. (આત્માના લોકપરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે. તે પ્રદેશો સંસાર-અવસ્થામાં સંકોચવિસ્તાર પામે છે અને મોક્ષઅવસ્થામાં ચરમ શરીર કરતાં કાંઈક ઓછા પરિમાણેે સ્થિત રહે છે.)’
જુઓ, સમયસારમાં આ શક્તિનો અધિકાર ચાલે છે. શક્તિ એટલે શું? કે ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવમાત્ર વસ્તુ છે તે દ્રવ્ય છે. તેમાં અનંત સ્વભાવ નામ ગુણ છે. ગુણ કહો કે શક્તિ કહો, તે એક જ વસ્તુ છે. આત્મા દ્રવ્ય તરીકે અભેદ એક છે, અને શક્તિએ (ભેદથી) અનંત છે. આ અનંતનો (અનંત ગુણનો) કથનવિસ્તાર કેમ કરી શકાય? એટલે આચાર્યદેવે અહીં ૪૭ શક્તિનું વર્ણન કર્યું છે. એમ તો આત્મામાં સામાન્ય ગુણો અનંત છે, ને વિશેષ ગુણો પણ અનંત છે. તે અનંત ગુણનો વિસ્તાર કરવા જાય તો અનંત કાળેય પાર ન આવે, વળી શબ્દો પણ સીમિત છે, ને જ્ઞાન (ક્ષાયોપશમિકજ્ઞાન) ની પણ મર્યાદા છે. તેથી ટૂંકામાં આચાર્ય ભગવાને અહીં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે.
અહાહા...! ભગવાન આત્મા પરમ પવિત્ર શુદ્ધ ચૈતન્યમય અનંતગુણરત્નાકર છે. ઓહો...! શુદ્ધ ચૈતન્ય શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. અહા! તેનો અપરિમિત મહિમા છે; ક્ષેત્ર ભલે શરીર પ્રમાણ હોય, પણ તેના પવિત્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં પરિમિતતા નથી, મર્યાદા નથી. અહાહા...! એકેક શક્તિમાં અનંત અનંત સામર્થ્ય ભર્યું છે. આવી અનંત શક્તિઓનું એકરૂપ, અભેદ ચિન્માત્રસ્વરૂપ તે ભગવાન આત્મા છે. ભાઈ! અહીં શક્તિનું વર્ણન તો પૂરણ એક અભેદને સમજવા માટે છે. તેથી આ શક્તિ અને આ શક્તિવાન-એવો જે ભેદ છે તેનું લક્ષ દૂર કરી ત્રિકાળી અભેદ એક જ્ઞાયકની દ્રષ્ટિ કરતાં શક્તિનું નિર્મળ નિર્મળ પરિણમન થઈને તેનો સ્વાદ આવે છે. જ્ઞાનનો સ્વાદ, દર્શનનો સ્વાદ, સુખનો સ્વાદ, જીવત્વનો સ્વાદ-એમ અનંત શક્તિના એકરૂપનો પર્યાયમાં સ્વાદ આવે છે. આનું નામ સમ્યગ્દર્શન છે. સમજાય છે કાંઈ...?
પ્રશ્નઃ– આ સ્વાદ શું છે? ઉત્તરઃ– સ્વાનુભવ થતાં નિજ જ્ઞાનાનંદ સ્વરૂપનું વેદન થાય છે તેને સ્વાદ કહે છે. આ દાળ, ભાત, લાડવા ખાય ત્યાં સ્વાદ આવે છે તે જડનો સ્વાદ તો આત્માને આવતો નથી. તે જડ પદાર્થનું લક્ષ કરીને આ ઠીક છે એવી જે રાગની વૃત્તિ ઉઠે છે તેનો તેને સ્વાદ આવે છે. વીંછી કરડે ત્યાં વીંછીના ડંખનું-જડનું એને વેદન નથી, પણ તેના પ્રત્યે જે અણગમો-દ્વેષ થાય છે તે દ્વેષનું તેને વેદન છે. ભગવાન આત્મા અરૂપી ચૈતન્ય દ્રવ્ય છે, તેને જડ પદાર્થોનો સ્વાદ કે વેદન ન હોય; પણ પોતાના સ્વભાવનું લક્ષ છોડી, અનુકૂળ ચીજમાં રાગ કરે ને પ્રતિકૂળ ચીજમાં દ્વેષ કરે, ત્યાં તેને પર્યાયમાં રાગદ્વેષનો કલુષિત સ્વાદ આવે છે. અરે! એણે પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનો અકષાયી નિરાકુલ સ્વાદ કદીય લીધો નહિ!
આત્માનું ક્ષેત્ર શરીરપ્રમાણ છે, પણ તેની શક્તિનું સામર્થ્ય તો અપરિમિત અનંત છે. અહાહા...! સંખ્યાએ શક્તિઓ અનંત અને એકેક શક્તિનું સામર્થ્ય પણ અમાપ... અમાપ... અપરિમિત અનંત છે. જુઓ, લોકની બધી બાજુએ આકાશ અનંત અનંત વિસ્તરેલું છે. આ આકાશના પ્રદેશો અનંત છે. પ્રદેશ એટલે શું? કે એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેને પ્રદેશ કહે છે. આકાશના આવા અનંત અનંત પ્રદેશ છે, અને તેનાથી અનંત ગુણા ગુણ એકેક જીવદ્રવ્યમાં ત્રિકાળ છે. ભાઈ! સ્વભાવ છે તેને ક્ષેત્રની મહત્તા સાથે સંબંધ નથી. સ્વભાવમાં તો તેની બેહદ શક્તિ-સામર્થ્યની મહત્તા છે. એકેક જીવમાં આવી અનંત સામર્થ્યયુક્ત ત્રિકાળી અનંત શક્તિઓ છે. તેમાં અહીં નિયતપ્રદેશત્વશક્તિનું વર્ણન ચાલે છે.
પ્રત્યેક શક્તિ દ્રવ્ય-ગુણમાં ત્રિકાળ વ્યાપક છે, અને પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થયે તે પર્યાયમાં વ્યાપક થાય છે. ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે તેનો સ્વીકાર અને સત્કાર થયે ‘હું ત્રિકાળી સત્ છું, એમ પ્રતીતિ થઈને પર્યાયમાં તેનું પરિણમન થાય છે, પર્યાયમાં તેનો સ્વાદ આવે છે.