ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને નિષ્ક્રિયત્વશક્તિની નિષ્કંપ દશા અંશે પ્રગટ થઈ જાય છે. અહાહા...! મેરુ હલે તો પ્રદેશ હલે-એવી નિષ્કંપ દશાનો એક અંશ જ્ઞાનીને પર્યાયમાં પ્રગટ થાય છે; તેમાં કર્મનિમિત્તક કંપનનો અભાવ છે. નિષ્કંપ પર્યાયો ક્રમવર્તી પ્રગટ થાય છે, અને ગુણો અક્રમે રહે છે, તે ક્રમ અને અક્રમના સમુદાયને આત્મા કહેવામાં આવેલ છે. આત્માના સ્વભાવમાં તો અકંપપણું-અક્રિયપણું ત્રિકાળ છે; અહીં પર્યાયમાં એકદેશ અકંપતા જ્ઞાનીને વ્યક્ત થાય છે એની વાત છે. પર્યાયમાં જેટલું કંપન રહ્યું છે તેનો આ અકંપદશામાં અભાવ છે.
શાસ્ત્રમાં ચૌદમા ગુણસ્થાને અકંપદશા કહી છે એ પૂર્ણ અકંપતાની વાત છે; ને તેથી તેરમા ગુણસ્થાનમાં સયોગદશા કહેવામાં આવી છે. ધર્મીને-સમકિતીને સમ્યગ્દર્શન પ્રગટ થતાં દ્રષ્ટિમાં સર્વ કર્મનો અભાવ છે, નિષ્કંપન પર્યાયમાં કર્મનો અભાવ છે, ને કર્મના નિમિત્તે જે કંપન છે તેનો પણ અકંપનદશામાં અભાવ છે. ઓહો...! બહુ સૂક્ષ્મ ગંભીર વાત. દ્રષ્ટિનો વિષય બહુ સૂક્ષ્મ છે ભાઈ! અહા! દિગંબર સંતો સિવાય આવી વાત કયાંય છે નહિ. દ્રવ્ય- ગુણમાં તો ત્રિકાળ કંપનનો અભાવ છે, ને દ્રવ્યની દ્રષ્ટિ થયે સમકિતીને નિમિત્ત કર્મના સંગે જે કંપન બાકી છે તેનો તેની અંશરૂપ અકંપનદશામાં અભાવ છે. આવો અદ્ભુત મારગ છે બાપુ!
પ્રશ્નઃ– ગુરુદેવ, આપે તો બધાને નિષ્કંપ બનાવી દીધા! ઉત્તરઃ– પ્રત્યેક આત્મા નિષ્કંપસ્વરૂપ જ છે ભાઈ! નિષ્કંપતા-નિષ્ક્રિયતા તો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. સક્રિયપણું-કંપનપણું એ કાંઈ આત્માનું સ્વસ્વરૂપ નથી. અહાહા...! ત્રિકાળ નિષ્ક્રિય એક જ્ઞાયકભાવ એવા નિજ આત્મદ્રવ્યનો અનુભવ થતાં પર્યાયમાં અકંપપણાનું પરિણમન થાય છે. અહાહા...! તે અકંપપણું કારણ અને કંપન તેનું કાર્ય એમ નથી, તેમ જ કંપન કારણ અને અકંપન તેનું કાર્ય એમ પણ નથી. કંપન સાધકદશામાં છે ખરું, પણ અકંપનરૂપ જે પરિણમન થયું તેમાં કંપનનો અભાવ છે. શુદ્ધોપયોગ છે તેમાં અશુદ્ધોપયોગનો અભાવ છે. લ્યો, આવી આત્મદ્રષ્ટિ થવી તે નિષ્કંપ થવાનો માર્ગ છે. સમજાણું કાંઈ...?
ભગવાન! તારામાં અનંત ગુણ ભર્યા છે; તેમાં એક અકંપન ગુણ છે. આ અકંપન ગુણનું અનંત ગુણમાં રૂપ છે; તેથી સર્વ ગુણો અકંપસ્વરૂપ છે. કોઈ ગુણ ધ્રુજતા નથી. શાસ્ત્રમાં એક જગ્યાએ એમ વાત આવી છે કે જોગનું કંપન છે તેમાં ધર્માસ્તિકાય નિમિત્ત નથી, કેમકે કંપનમાં ધર્માસ્તિકાયનું નિમિત્ત માનવામાં આવે તો અકંપનમાં અધર્માસ્તિકાયનું નિમિત્ત માનવું પડે; પણ એમ છે નહિ. માટે કંપનમાં ધર્માસ્તિકાય નિમિત્ત નથી. ધર્માસ્તિકાય તો ગતિમાં નિમિત્ત છે, ને કંપન તો કર્મકૃત ઔપાધિકભાવ છે. આવો મારગ બહુ ઝીણો! કોઈ પ્રબળ પુરુષાર્થી જીવ જ પામે છે. આવે છે ને કે-
રાગમાં રાચનારા કાયર પુરુષોને આ વીતરાગનો મારગ પ્રાપ્ત થતો નથી. શ્રીમદ્દે પણ લખ્યું છે ને કે-
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
રે ગુણવંતા જ્ઞાની, અમૃત વરસ્યાં રે પંચમ કાળમાં...
અહો! દિગંબર સંતોએ પંચમ કાળમાં અમૃતની ધારા વરસાવી છે. એકેક શક્તિમાં કેટલું ભર્યુ છે? આ તો યથાશક્તિ વાત આવે છે. મુનિવરોના ક્ષયોપશમની અને અંતરદશાની તો શી વાત! અહાહા...! ભગવાન કેવળીની દિવ્યધ્વનિમાં આ વાત આવે, ને ત્રણ જ્ઞાનના ધણી, એકભવતારી ઇન્દ્રો સાંભળવા આવે તે વાત કેવી હોય પ્રભુ! અહીં આ અનેકાન્ત સિદ્ધ કર્યું કે-અકંપશક્તિના પરિણમનમાં જે અકંપપણું પ્રગટ થયું તેમાં કર્મ અને કર્મકૃત કંપનનો અભાવ છે. અકંપનદશા ભાવરૂપ છે, ને તેમાં કંપનનો અભાવ છે. અકંપન પણ છે, ને કંપન પણ છે એવું સ્વાનુભવની સ્વરૂપદ્રષ્ટિમાં છે નહિ. આત્મામાં કંપન છે જ નહિ.
ઉપર આવી ગયું છે કે ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણનો સમુદાય તે આત્મા છે. અહીં ક્રમવર્તી પર્યાયમાં નિર્મળતાના ક્રમની વાત છે. અક્રમવર્તી ગુણ તો ત્રિકાળ નિર્મળ છે જ, તેની ક્રમવર્તી અકંપનની દશાય નિર્મળ છે. કંપન આત્માની ચીજ છે એ વાત અહીં સ્વીકારી જ નથી; કેમકે કંપન આત્માના સ્વભાવનું કાર્ય નથી. જ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને કંપનનો અનુભવ નથી. અહાહા... કંપન વગરનો અકંપસ્વભાવી નિષ્ક્રિય પ્રભુ આત્મા છે, અને સર્વ કર્મોનો નાશ થતાં આત્માનો અકંપસ્વભાવ સાક્ષાત્ પ્રગટ થાય છે; સિદ્ધદશામાં તે સાદિ-અનંત અવિચલ સ્થિર-સ્થિર રહે છે.
હે ભાઈ! તારા આત્માના ત્રિકાળી એક નિષ્ક્રિય જ્ઞાનસ્વભાવ સામે જો, તારી અનંત શક્તિઓનું નિર્મળ- નિર્મળ