Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4039 of 4199

 

૧૨૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ થઈ છે તેમાં તે કંપનદશાનો અભાવ છે. શું કીધું? નિષ્ક્રિયત્વશક્તિના પરિણમનમાં જેટલી અકંપતા થઈ છે તે દ્રવ્યની પર્યાય છે, અને કર્મના નિમિત્તે જેટલી કંપન દશા છે તેનો અકંપનદશામાં અભાવ છે. નિર્મળ પર્યાય પ્રગટી તેમાં વ્યવહારનો અભાવ છે; આ અનેકાન્ત છે, આ સ્યાદ્વાદ છે. નિષ્કંપશક્તિનું પરિણમન ભાવરૂપ છે, તેમાં સમસ્ત કર્મનો અભાવ છે. માર્ગ ઝીણો છે ભાઈ! લોકોને અભ્યાસ નથી, બહારના સંસારમાં રખડવાના લૌકિક અભ્યાસમાં જીવન વ્યતીત કરે છે; પણ આ તો જિંદગી (વ્યર્થ) ચાલી જાય છે ભાઈ!

અમે તો નાની ઉંમરમાં સાત ચોપડી સુધી અભ્યાસ કરી લૌકિક ભણવાનું છોડી દીધું હતું; તેમાંય સાતમી ચોપડીની પરીક્ષા આપી ન હતી. તે વખતે અમારા એક મિત્ર સાથે ભણતા. તે કેટલાક વર્ષ બાદ અમને ભાવનગર ભેગા થઈ ગયા. ત્યારે અમે તેમને પૂછયું-“હાલ તમે શું કરો છો?” તો તેમણે જવાબ દીધેલો-“હું તો હજી અભ્યાસ કરું છું” લ્યો, બાવીસ-બાવીસ વર્ષ સુધી અભ્યાસ કર્યા કરે! સમયસારકળશમાં આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવ તો કહે છે- આ તત્ત્વજ્ઞાનનો છ માસ તો અભ્યાસ કર. અરે, તું પોતે અંદર પરમાત્મા છે તેની એક વાર છ માસ લગની લગાવી દે. અહાહા...! પ્રભુ, લાગી લગન હમારી! એક વાર લગન લાગી પછી શું કહેવું? અંદર આહલાદભર્યો ચૈતન્યનો સ્વાનુભવ પ્રગટ થાય છે. આ બીજા (અરિહંતાદિ) પરમાત્માની લગની લાગે તે પરિણામ તો રાગ છે, પણ અંદર નિજ પરમાત્મસ્વરૂપ આત્મા છે તેની લગની લાગે તો પરમ આલ્હાદકારી, પરમ કલ્યાણકારી સમકિત પ્રગટ થાય છે; અને ત્યારે સર્વ કર્મનો અભાવ થતાં જે ચૌદમા ગુણસ્થાને અયોગીદશા પ્રગટ થાય છે તેનો એક અંશ પ્રગટ થઈ જાય છે.

અહાહા...! અનંતમહિમાનિધાન પ્રભુ આત્મા છે. યથાર્થમાં એનો મહિમા ભાસે તો શી વાત! સમયસાર નાટકમાં છેલ્લે જીવ-નટનો મહિમા કહ્યો છે. ત્યાં કહ્યું છે-“જીવરૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે, અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે, -આ રીતે જીવ ઘણું જ વિલક્ષણ નાટક કરનાર છે.” પંડિત શ્રી દીપચંદજીએ પણ શક્તિના વર્ણનમાં ઘણો મહિમા કર્યો છે. અહાહા...! આવા નિજ ચૈતન્યમાત્ર આત્માનો મહિમા જાણી અંતર સન્મુખ પરિણમે તેનું શું કહેવું? એથી તો જીવ સર્વ કર્મોનો અભાવ કરી પૂર્ણ નિષ્ક્રિય-નિષ્કંપ, અભૂતપૂર્વ સિદ્ધપદને પામે છે. આવી વાત છે.

એક બીજો ન્યાયઃ શુભભાવ છે તેમાં શુદ્ધતાનો અંશ ગર્ભિત છે. જ્ઞાનનો અંશ વધીને કેવળજ્ઞાન થાય છે તેમ શુભમાં શુદ્ધનો અંશ છે તો તે વધીને યથાખ્યાત ચારિત્ર થાય છે. શુભમાં જો ગર્ભિત શુદ્ધતાનો અંશ ન હોય તો શુભરાગ વધીને કાંઈ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થશે? ના, થઈ શકે નહિ. માટે શુભયોગમાં ગર્ભિત શુદ્ધતા રહેલી છે એમ સિદ્ધ થાય છે.

હા, પણ તે કોને લાગુ પડે? જેને ગ્રંથિભેદ થાય તેને. જેને રાગની એકતા તૂટી ગઈ છે તેને શુભમાં જે ગર્ભિત શુદ્ધતા પડી છે તે વધીને યથાખ્યાત ચારિત્રરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનની શુદ્ધિ વધે માટે ચારિત્રની શુદ્ધિ વધે એમ છે નહિ. આ વાત પં. શ્રી બનારસીદાસે ઉપાદાન-નિમિત્તની ચિટ્ઠીમાં કરી છે. ત્યાં કહ્યું છે-વિશેષ એટલું કે ગર્ભિત શુદ્ધતા એ પ્રગટ શુદ્ધતા નથી, એ બન્ને ગુણની ગર્ભિત શુદ્ધતા જ્યાં સુધી ગ્રંથિભેદ થાય નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગ સાધે નહિ, પરંતુ (જીવને) ઉર્ધ્વતા કરે, અવશ્ય કરે જ, (પણ મોક્ષમાર્ગના કારણરૂપ તે ન થાય). એ બન્ને ગુણોની ગર્ભિત શુદ્ધતા જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બન્નેની શિખા ફૂટે અને ત્યારે એ બન્ને ગુણ ધારાપ્રવાહરૂપે મોક્ષમાર્ગ તરફ ચાલે.

પં. બનારસીદાસ ‘પરમાર્થ વચનિકા’ ને અંતે કહે છે-“(તત્ત્વ) વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત છે તેથી આ વિચારો બહુ શા લખવા? જે જ્ઞાતા હશે તે થોડું લખેલું (પણ) બહુ સમજશે. જે અજ્ઞાની હશે તે આ ચિટ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહિ. આ વચનિકા જેમ છે તેમ-(યથાયોગ્ય)-સુમતિપ્રમાણ કેવળી-વચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે, તેને કલ્યાણકારી છે-ભાગ્યપ્રમાણ”. અહાહા...! જુઓ તો ખરા! આ કાળમાં કેવળજ્ઞાની તો અહીં છે નહિ, ને વિદેહમાં ભગવાન પાસે તો ગયા નથી, છતાં વાણીમાં આટલું જોર? તો કહે છે-હા, સમ્યગ્દર્શન થતાં આવી દૃઢતા આવી જાય છે. અમે વિદેહમાં ભગવાન પાસે ગયા નથી, પણ અમારા ભગવાન આત્મા પાસે ગયા છીએ તેના જોરથી ખૂબ દૃઢતાથી અમે આ વાત કરીએ છીએ કે અમારી આ વાત કેવળી વચનાનુસાર છે.

અહો! દિગંબર સંતોની તો બલિહારી છે, સાથે સમકિતી ગૃહસ્થોનીય બલિહારી છે. હવે આમાંય કેટલાક પંડિતો અત્યારે વિરોધ કરે છે. તેમને તત્ત્વના સ્વરૂપની ખબર નથી, એટલે પોતાની દ્રષ્ટિ પ્રમાણે મેળ ન ખાય એટલે વિરોધ કરે છે. પણ અરે ભાઈ! સમ્યગ્દ્રષ્ટિ-ચોથા ગુણસ્થાનવર્તી ધર્મી-જીવની વાણી હો કે પાંચમા કે છટ્ઠા ગુણસ્થાનવર્તી સંતોની વાણી હો, તેમનાં તત્ત્વજ્ઞાનનાં બધાંય કથન કેવળીવચનાનુસાર છે, તેમાં કોઈ ફરક હોતો નથી.