પર્યાયમાં વ્યક્ત થઈ જાય છે. અહાહા...! દ્રવ્ય-ગુણમાં તો શક્તિ વ્યાપી છે, ને પર્યાયમાંય તે વ્યાપે છે; કેમકે દરેક શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. સમજાય છે કાંઈ...? આ દ્રવ્યાનુયોગનું કથન બહુ ઝીણું બાપુ! નિજ પુર્ણ સત્ની પ્રતીતિ જયાં થઈ કે સર્વ ગુણોનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. અહો! નિષ્ક્રિયતાનો અયોગપણારૂપ એક અંશ સમકિતી ધર્મીને ચોથા ગુણસ્થાને પ્રગટ થઈ જાય છે.
હવે આ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય શું એનીય ઘણાને તો ખબર નથી. થાનથી એક ભાઈ આવેલા. તેમણે અહીંના સ્વાધ્યાય મંદિરની દિવાલ ઉપર લખેલો ચાકળો વાંચ્યો, “દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ” -પછી તે બોલ્યા-“ મહારાજ! આ દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ-એમ અહીં લખ્યું છે તો શું દ્રવ્ય એટલે પૈસાવાળા અહીં ઘણા લોકો આવે છે તે બધા સમ્યગ્દ્રષ્ટિ છે એમ આ લખવાનો અર્થ છે?” ત્યારે તેમને કહ્યું-એમ નથી ભાઈ! દ્રવ્ય એટલે પૈસાવાળા એવો અર્થ નથી બાપુ! દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય-અનંતગુણનિધાન પરમાર્થ વસ્તુ, ગુણ એટલે એનો ત્રિકાળી ભાવ-સ્વભાવ, અને પર્યાય એટલે તેનું પરિણમન થાય તે દશા. દ્રવ્ય-ગુણ-પર્યાયનો આવો અર્થ છે ભાઈ! હવે જૈનમાં જન્મેલાનેય આની કાંઈ ખબર ન મળે એને ધર્મનું સ્વરૂપ કેવી રીતે સમજાય, અને ધર્મની પ્રાપ્તિ એને કેવી રીતે થાય? પૈસા તો જડ છે બાપુ! અને તેને પોતાના માને એ તો જડનો સ્વામી, જડ થાય છે. જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ પૈસા અને રાગનો સ્વામી થનાર જડ છે, ચેતન નથી. નિર્જરા અધિકારની ગાથા ૨૦૮ની ટીકામાં આચાર્ય અમૃતચંદ્રસ્વામી ફરમાવે છે કે-
“જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું ‘સ્વ’ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે ‘સ્વ’ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.”
હવે આવી વાત ઓલા વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે એમને એકાન્ત લાગે છે; પણ આ સમ્યક્ એકાન્ત છે ભાઈ! તું ન સમજે એટલે વિરોધના પોકાર કરે પણ આ પરમાર્થ સત્ય છે. અહાહા...! પોતાનું સ્વરૂપ અંદર ત્રિકાળ ધ્રુવ એક સચ્ચિદાનંદમય છે. તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં એકાન્ત અર્થાત્ એકલી વીતરાગી શાંતિ પ્રગટ થાય છે. અહીનું વાતાવરણ પણ એકાન્તમય-શાંતિમય છે ને? સ્વરૂપનું ભાન થયે અનંત ગુણોમાં નિર્મળતાનો અંશ પ્રગટ થાય છે, આનંદ ગુણનો અંશ પ્રગટે છે, ને સાથે વીર્ય ગુણનો અંશ પણ પ્રગટે છે. વીર્ય એટલે? અહાહા...! સ્વસ્વરૂપની રચના કરે એનું નામ વીર્ય છે. રાગની રચના કરે એ વીર્યની પરિણતિ નહિ, એ તો નપુંસકતા- હીજડાપણું છે. જેમ નપુંસકને પ્રજા થાય નહિ તેમ આને પણ ધર્મની પ્રજા થતી નથી.
મારગ ઘણો સૂક્ષ્મ છે ભાઈ! બહારના પદાર્થ સાથે તને શું સંબંધ છે? અરે, શુભરાગનો વિકલ્પ થાય તેય દુઃખદાયક છે. અરે ભાઈ! તને તારી ખબર નથી! ભગવાન! તું જ્ઞાનાનંદસ્વભાવી છો ને! તારી દશામાં આનંદનો સ્વાદ આવવો જોઈએ તેના બદલે અરે, તું રાગના-દુઃખના વેદનમાં રોકાઈ ગયો! દુઃખના-રાગના અભાવસ્વભાવ સ્વરૂપ ભગવાન! તું અસંગમૂર્તિ ચૈતન્યપ્રભુ છો. અહા! આવા નિજ આનંદસ્વરૂપના સંગમાં-સમીપતામાં ગયો નહિ, અને રાગના સંગમાં તું રોકાઈ ગયો, રાગના રંગમાં રંગાઈ ગયો! રાગનો સંગ કરીને ભાઈ! તેં પર્યાયમાં દુઃખ વહોરી લીધું છે. શુભયોગને તું મોક્ષનું સાધન માને પણ એ તો તારું અજ્ઞાન છે. ધર્મીને જે અંશે અકંપદશા પ્રગટ થઈ છે તેમાં શુભયોગનો તો અભાવ છે; તે ધર્મનું સાધન કેમ થાય? શુભરાગ ધર્મનું સાધન ત્રણકાળમાં નથી.
ત્યારે કોઈ એક પંડિતે લખ્યું છે કે-‘શુભરાગને હેય માને તે મિથ્યાદ્રષ્ટિ છે’ અરે ભાઈ! પંડિત થઈને તેં આ શું લખ્યું? તારો આ વિપરીત અભિપ્રાય દુનિયા માની લેશે (કેમકે દુનિયા તો અવળે માર્ગે છે જ), પણ વસ્તુસ્થિતિમાં મહા વિરોધ થશે, વસ્તુ તારા અભિપ્રાયથી સંમત નહિ થાય.
અકર્તૃત્વશક્તિમાં સમસ્ત, કર્મથી કરવામાં આવતા પરિણામોના કરણના ઉપરમસ્વરૂપની વાત હતી. વિકારી ભાવ કર્મથી કરવામાં આવેલા પરિણામ છે, ને તેના કરણના ઉપરમસ્વરૂપ અકર્તૃત્વશક્તિ છે. તેમ અકંપનસ્વરૂપ નિષ્ક્રિયત્વશક્તિની વિકૃત અવસ્થા કંપનરૂપ પરિણામ છે તે કર્મ દ્વારા કરવામાં આવેલી દશા છે; વાસ્તવમાં સર્વ કર્મના અભાવથી પ્રવર્તતી અકંપતારૂપ નિષ્ક્રિયત્વશક્તિ તે આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. અહા! આ ટીકામાં તો ભંડાર ભર્યા છે.
ભગવાન આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તેની પર્યાયમાં કંપન થાય છે તે કર્મ દ્વારા કરવામાં આવતા પરિણામ છે, તે આત્માનો સ્વભાવ નથી, અને તેનો કર્તા આત્મા નથી. ચોથા ગુણસ્થાને ધર્મીને જે અંશે અકંપનરૂપ દશા પ્રગટ