તો પણ પ્રદેશોની સંખ્યા વધતી નથી. જીવના પ્રદેશોની સંખ્યા તો ત્રણે કાળ એટલી ને એટલી-અસંખ્ય રહે છે.
જીવ સિદ્ધદશાને પ્રાપ્ત થતાં તેની અવગાહના છેલ્લા શરીરથી કિંચિત્ ન્યૂન જેટલી રહે છે. આ અવગાહના સાદિ-અનંત કાળ રહે છે. સંસારદશામાં અસંખ્ય પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે તે જાણવાલાયક છે. સંસારદશામાં એકરૂપ અવગાહના રહેતી નથી. કપડાને સંકેલી લેતાં તેના પ્રદેશની સંખ્યા ઘટતી નથી, ને કપડાને પહોળું-ખુલ્લું કરતાં તેના પ્રદેશોની સંખ્યા વધતી નથી; પ્રદેશ જેટલા છે તેટલા જ રહે છે.
જુઓ, નિગોદિયાનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે અને એક શરીરમાં અનંતા નિગોદના જીવ હોય છે. કેટલા? અનંતા. છ માસ અને આઠ સમયમાં છસો ને આઠ જીવો મુક્તિ પામે છે. અનાદિથી આજ સુધીમાં અનંત પુદ્ગલ પરાવર્તન કાળ વ્યતીત થયો. તે કાળમાં અનંતા જીવ મોક્ષદશાને પામ્યા છે. અહા! તેમની સંખ્યા કરતાં નિગોદના એક શરીરમાંના જીવની સંખ્યા અનંતગુણી છે. ત્યાં નિગોદમાં જીવના પ્રદેશો સંકોચાઈ ગયા છે.
તો શું જીવનો એક પ્રદેશ જેટલો છે તેનાથી સંકોચાઈ જાય છે? ના, એમ વાત નથી. ત્યાં એકેક પ્રદેશમાં સંકોચ થાય છે એમ વાત નથી. પ્રદેશમાં સંકોચ થતો નથી. પ્રદેશ તો અવિભાગી અંશ છે, તે જેવડો છે તેવડો જ છે, તેમાં સંકોચ ન થાય; પરંતુ સંસારદશામાં જીવના પ્રદેશો સંકેલાય અથવા વિસ્તૃત થાય છે. સર્વ પ્રદેશોની અવગાહના ઓછી-વત્તી થાય છે, પ્રદેશો તો છે તેટલા જ નિયત રહે, અને પ્રદેશ પણ જેવડો છે તેવડો જ રહે છે, માત્ર પ્રદેશો સંકેલાઈ પરસ્પર અવગાહના પામે છે અથવા વિસ્તૃત થાય છે. પ્રદેશોની સંખ્યા તો નિયત અસંખ્ય જ રહે છે. હવે આવી વાત એક સર્વજ્ઞના મારગ સિવાય બીજે કયાં છે ભાઈ? જીવના અસંખ્યપ્રદેશી ક્ષેત્રની વાત બીજે કયાંય છે જ નહિ.
વેદાંત વગેરે અન્યમતમાં આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમ વાત કરી છે, પણ તેનું સ્વરૂપ ત્યાં બરાબર બતાવ્યું નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ વેદાંતના એક અભ્યાસીને પત્ર લખેલ છે કે-“આપણે પદાર્થની વ્યાખ્યા ચાર પ્રકારે કરી શકીએ. કોઈ પણ પદાર્થમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આવા ચાર અંશ હોય છે. આત્મામાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર બોલ ઉતારવા જોઈએ.” આત્મા દ્રવ્યે એક છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છે, કાળથી ત્રિકાળી અથવા એક સમયની અવસ્થારૂપ અને ભાવથી અનંત ગુણમય છે. અન્યમતવાળા આવા ચાર ભેદ માનતા નથી. તેઓ આત્માને માત્ર એક, સર્વવ્યાપક, શુદ્ધ ચૈતન્યમય, અભેદ માને છે, પણ એ તો કથનમાત્ર છે, આત્માના વાસ્તવિક સ્વરૂપની તેઓને ખબર નથી.
અહીં કહે છે-આત્મા અસંખ્ય પ્રદેશી છે. સંસારદશામાં તેના પ્રદેશોનો સંકોચવિસ્તાર થાય છે. (એક) પ્રદેશ સંકોચાતો કે પહોળો થતો નથી, પણ પ્રદેશોનો પરસ્પર અવગાહનારૂપ સંકોચ-વિસ્તાર થાય છે. મુક્ત થતાં જીવ આખરના શરીરના પરિમાણથી કાંઈક ન્યૂન પરિમાણે અવસ્થિત થાય છે, અને આ અવગાહના સાદિ-અનંતકાળ અવસ્થિત રહે છે.
લોકાકાશના જેટલા અસંખ્ય પ્રદેશો છે, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના જેટલા અસંખ્ય પ્રદેશો છે, તેટલા પ્રદેશોની સંખ્યા એક જીવની હોય છે. લોકાકાશ-પ્રમાણ જીવ વ્યાપ્ત નથી, પણ લોકાકાશના જેટલા-અસંખ્ય પ્રદેશો છે તેટલા એક જીવના પ્રદેશો છે. આત્મા અવયવી છે, ને પ્રદેશ તેના અવયવ છે, જેમ શરીર અવયવી છે અને હાથપગ તેના અવયવ છે તેમ; જેમ શ્રુતજ્ઞાન પ્રમાણ તે અવયવી અને નિશ્ચય-વ્યવહારનય તેના અવયવ છે તેમ.
શ્રુતજ્ઞાન પ્રમાણમાં જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે તે શ્રુતજ્ઞાનની પર્યાય-કે જે પ્રમાણ છે તે- અવયવી છે, અને તેના નિશ્ચય અને વ્યવહારનય-એમ ભેદ પડે તે અવયવ છે. ભાવશ્રુતજ્ઞાન તે પર્યાય છે. તે પર્યાયને અખંડ ગણીને તેને અવયવી કહે છે અને નિશ્ચય-વ્યવહારના ભેદને અવયવ કહે છે. તેમ ભગવાન આત્મા એક છે તે અવયવી છે અને અસંખ્ય પ્રદેશ તેના અવયવ છે. હાથ, પગ, મોઢું, નાક કાન ઇત્યાદિ શરીરના અવયવ છે તે જડ છે, તે આત્માના અવયવ નથી. શરીર અને શરીરના અવયવથી પોતે ભિન્ન છે, અને પોતાથી એ બધા ભિન્ન છે; પણ અજ્ઞાની જીવ આવું ભેદજ્ઞાન કરતો નથી, ને સ્વપરનો ખીચડો કરે છે તેથી તે ચતુર્ગતિ-પરિભ્રમણ કર્યા કરે છે.
આત્માના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં પ્રદેશે પ્રદેશે અનંત ગુણ વ્યાપક છે, તેને શાસ્ત્રમાં તિર્યક્ પ્રચય કહે છે. તેના એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. ભાઈ! આમ માનીએ તો જ અસંખ્ય પ્રદેશની સિદ્ધિ થાય. એક પ્રદેશમાં જ્યાં એક ગુણ છે ત્યાં બીજા અનંતા ગુણ પણ વ્યાપક છે. અસંખ્ય પ્રદેશી આખા ક્ષેત્રમાં દરેક પ્રદેશે અનંત ગુણ રહેલા છે. આત્મા તો અનંત ગુણોનો પાટલો છે ભાઈ; જેમ સોનાનો પાટલો હોય છે તેમ આત્મા અનંત ગુણનો એક પિંડ છે. હવે, પોતાનું ઘર-પોતાનું ક્ષેત્ર કેવું અને કેવડું છે એનો કદી વિચાર જ કર્યો નથી! પોતાના અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં ગુણો કેવા