અનંત નટ, ઠટ, કળા હોય છે. આવું બહુ સૂક્ષ્મ વર્ણન સવૈયામાં પં. શ્રી દીપચંદજીએ કર્યું છે. તેઓ ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયા, સમકિતી ધર્માત્મા હતા, વિશેષ ક્ષયોપશમ ધરાવતા હતા. તેમણે સૂક્ષ્મ અલૌકિક વર્ણન કર્યું છે.
અહાહા...! એકેક ગુણ, એકેક પર્યાય, તેમાં નૃત્ય, ઠટ, રૂપ, સત્તા, રસ, પ્રભાવ-અહોહો...! અનંત દરબાર ભર્યો છે. જેમ ભગવાનનું સમોસરણ દિવ્ય, અલૌકિક ધર્મ દરબાર છે ને! તેમ ભગવાન આત્મા, ચૈતન્યરત્નાકર પ્રભુ-તેમાં અનંતગુણનિધાનરૂપ અલૌકિક દરબાર ભર્યો છે. ભાઈ! તારી ચીજ-ચૈતન્ય વસ્તુથી જગતમાં ઊંચું કાંઈ નથી; માટે અંતર્દ્રષ્ટિ કરી તેનું સેવન કર.
આગળ વાત આવી ગઈ કે આત્માના નિયત અસંખ્ય પ્રદેશમાં સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ શક્તિનાં અનુપમ નિધાન પડયાં છે. આ શક્તિઓ જ્યારે પર્યાયમાં પૂરણ પ્રગટ થાય છે ત્યારે સર્વદર્શિત્વ શક્તિની પર્યાય વિશેષ ભેદ પાડયા વિના સામાન્ય સત્ને દેખે છે, અને કેવળજ્ઞાનની પર્યાય એકેક દ્રવ્યના ભિન્ન ભિન્ન ગુણો, એકેક ગુણની ભિન્ન ભિન્ન પર્યાયો, એકેક પર્યાયના ભિન્ન ભિન્ન અનંત અવિભાગ પ્રતિચ્છેદો, ને તેનાં (પર્યાયોનાં) નટ, ઠટ, કળા, રૂપ, રસ ઇત્યાદિ બધાને એક સમયમાં જાણે છે. તેને અહીં શાસ્ત્રમાં અદ્ભુત રસ કહ્યો છે. એક સમયમાં બે શક્તિનું પરિણમન, તેમાં બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન! અહા! તેને અદ્ભુત રસ કહીએ.
અહો! ભગવાન આત્માની સત્તા આવી અદ્ભુત ચમત્કારિક છે. જ્ઞાન સાકાર છે, દર્શન નિરાકાર છે. બન્નેની સત્તા એક દ્રવ્યમાં એકી સાથે એક સમયમાં છે. આને અદ્ભુત રસ શાસ્ત્રમાં કહ્યો છે.
જ્ઞાન સાકાર છે એટલે શું? સાકારનો અર્થ આકાર નહિ, પણ સ્વપર અર્થને જ્ઞાન ભિન્ન ભિન્ન જાણે છે તેથી જ્ઞાનને સાકાર કહ્યું છે. પરનો આકાર વા પરની ઝલક જ્ઞાનમાં પડે છે માટે જ્ઞાનને સાકાર કહ્યું નથી, જ્ઞાનનો સ્વપર અર્થનો પ્રકાશક સ્વભાવ છે માટે જ્ઞાનને સાકાર કહ્યું છે. વળી દર્શન નિરાકાર છે એટલે તેને પ્રદેશ નથી એમ નહિ, પણ ભેદ પાડયા વિના જ સામાન્ય અવલોકનમાત્ર દર્શન છે માટે તેને નિરાકાર કહ્યું છે. સાકાર એટલે સવિકલ્પ; સ્વપરને જ્ઞાન ભેદ કરીને જાણે માટે સવિકલ્પ. આવી વાત!
અહા! આત્માના અસંખ્ય પ્રદેશો સર્વત્ર અનંત ગુણોથી વ્યાપક છે. તેમાં એમ નથી કે ગુણનો અમુક અંશ અમુક પ્રદેશમાં ને અમુક અંશ બીજા પ્રદેશમાં હોય. આત્માના પ્રદેશોમાં કોઈ પ્રદેશ ગુણથી હીન કે અધિક નથી. હે ભાઈ! જે કાંઈ છે તે સર્વસ્વ તારું નિયત અસંખ્ય પ્રદેશમાં જ છે, તારા અસંખ્ય પ્રદેશની બહાર તારું કાંઈ નથી. માટે પરદ્રવ્યથી વિરામ પામી, અનંત ગુણસ્વભાવમય એક સ્વદ્રવ્યને જ જો, તેથી તને જ્ઞાન, સુખ અને શાંતિની પ્રાપ્તિ થશે.
આ પ્રમાણે નિયતપ્રદેશત્વશક્તિ અહીં પૂરી થઈ.
‘સર્વ શરીરોમાં એકસ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વશક્તિ. (શરીરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપવારૂપ શક્તિ તે સ્વધર્મવ્યાપકત્વશક્તિ)’.
અહાહા...! નિગોદથી માંડીને ચરમ શરીર સુધી જીવે અનંતાં શરીર ધારણ કર્યા; પણ આ બધા શરીરોમાં ભગવાન આત્મા તો પોતાના એકસ્વરૂપાત્મક એક જ્ઞાયકભાવમાત્ર જ છે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે. અહા! સંસાર પરિભ્રમણ કરતાં જીવે મનુષ્ય-દેવ-નારકી અને તિર્યંચનાં-પ્રત્યેકના અનંતાં શરીર ધારણ કર્યાં, તે તે શરીરના આકાર પ્રમાણે પોતાની વ્યંજન પર્યાય થઈ, છતાં શરીરમાં આત્મા વ્યાપક નથી; કેમકે શરીર વ્યાપ્ય અને ભગવાન આત્મા વ્યાપક એમ છે નહિ. આત્માનું સ્વરૂપ સદા એક જ્ઞાયક છે, શરીરમાં કે રાગમાં વ્યાપે એવું એનું સ્વરૂપ નથી.
પોતાના અનંત ગુણો અને પોતાની નિર્મળ પર્યાયોમાં આત્મા વ્યાપે એવો એનો સ્વધર્મવ્યાપકત્વ ગુણ છે. અહીં નિર્મળ પર્યાયની વાત છે, મલિનની નહિ, કેમ કે મલિન પર્યાયમાં આત્મા વ્યાપક નથી. ભાઈ! આત્મા જડમાં- શરીરમાં