દ્રવ્ય-ગુણ તો એકસ્વરૂપ ત્રિકાળ છે જ, તેનો અંતરમાં સ્વીકાર કરવાથી પર્યાયમાં પણ એકસ્વરૂપાત્મકપણાનું પરિણમન થાય છે. અહાહા...! નિજ જ્ઞાનાનંદસ્વરૂપી-એકસ્વરૂપી ભગવાનનો અંતરમાં સત્કાર કરવો, આદર કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આત્માને-નિજ સ્વરૂપને શરીરપણે માનવો, વા રાગપણે માનવો વા પર્યાયમાત્ર માનવો એ તો પૂર્ણ વસ્તુ પોતે આત્મા છે તેનો અનાદર છે. અને તે જ આત્માનો ઘાત નામ હિંસા છે. અહા! ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ પોતે છે તેને રાગવાળો માનવો તે તેનો ઘાત એટલે હિંસા છે. હિંસા બીજી શું ચીજ છે? પરજીવના ઘાત કરવાના પરિણામ થાય તે તો હિંસા છે; પણ પોતાને શરીરમય ને રાગમય માનવો તે સ્વઘાતરૂપ મહા હિંસા છે; કેમકે સર્વ હિંસાનું તે મૂળ છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! અંદર અનંતગુણમય એકસ્વરૂપાત્મક જીવન છે એવું સ્વીકાર કરવાથી પર્યાયમાં નિર્મળ પરિણતિરૂપ પરિણમન થાય છે; એકસ્વરૂપાત્મક દ્રવ્ય છે તેનું પર્યાયમાં પરિણમન થાય છે. અહા! આત્માની આવી સ્વધર્મવ્યાપકત્વ-શક્તિ છે. પોતાના ધર્મોમાં-પોતાના ગુણો ને નિર્મળ પર્યાયમાં આત્મા વ્યાપક છે, પણ દેહમાં કે મલિન પર્યાયમાં તે વ્યાપક નથી. તો પછી શુભરાગ અને શુભજોગથી ધર્મ થાય એ વાત કયાં રહે છે? ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તો શુભરાગને હેય કહ્યો છે. પં. કૈલાસચંદજીએ લખ્યું છે કે-આચાર્યદેવની વાત બરાબર છે.
પરમાત્મ પ્રકાશમાં કહ્યું છે કે જે શુભરાગને ઉપાદેય માને છે તે નિજ આત્માને હેય માને છે. વ્યવહાર રત્નત્રયરૂપ જે શુભયોગ છે તેને જે આદરણીય અને ઉપાદેય માને છે તેણે ચિદાનંદસ્વરૂપ પોતાના અખંડાનંદ પ્રભુને હેય માન્યો છે, હેય કરી દીધો છે. જ્યારે ધર્મી જીવો તો રાગને હેય માની શુદ્ધ ત્રિકાળી નિજ આત્મદ્રવ્યને ઉપાદેય કરતા થકા પ્રવર્તે છે. ભાઈ! તારી ચીજ જે જે પ્રકારે છે તે પ્રકારે તેનો સ્વીકાર કર તેમાં જ તારું હિત છે, અન્યથા તો આત્મઘાત જ છે. સત્ પરિપૂર્ણ વિજ્ઞાનઘન પ્રભુ ત્રિકાળ એકસ્વરૂપ જ છે, તે સ્વધર્મમાં જ વ્યાપક છે, પોતાના ગુણ-પર્યાયમાં જ વ્યાપક છે, અન્યત્ર વ્યાપક નથી.
પ્રશ્નઃ– આત્મા સ્વધર્મમાં સદાય વ્યાપક છે, તો પછી તેને ધર્મ કરવાનું કયાં રહ્યું? ઉત્તરઃ– આત્મા સ્વભાવથી સ્વધર્મવ્યાપક છે એ તો બરાબર જ છે, પણ અજ્ઞાનીને એની કયાં ખબર છે? એ તો દેહમય ને રાગમય હું છું એમ જાણે છે. તેથી ‘હું સદાય સ્વધર્મમાં રહેલો એકસ્વરૂપ છું’ એવું જો અંદરમાં ભાન કરે તો તેને પર્યાયમાં સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય. તેથી જ આ ઉપદેશ છે કે-હે ભાઈ! અનંત ગુણસ્વભાવમય નિજ આત્મદ્રવ્યને ઓળખી તેની જ દ્રષ્ટિ કર, જેથી તને મોક્ષમાર્ગ પ્રગટ થશે.
સમયસારની ગાથા ૧૭-૧૮ની ટીકામાં આવો જ પ્રશ્ન પૂછયો છે. ત્યાં શિષ્ય પૂછે છે-પ્રભો! આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યરૂપ-એકમેક છે, જુદો નથી; તેથી જ્ઞાનને સેવે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે? ત્યાં આચાર્યદેવે સમાધાન કર્યું છે કે-“તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ અથવા બોધિતબુદ્ધત્વ-એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે.” આમ સ્વભાવથી પોતે એક જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈ તેનું સેવન ન કરે ત્યાં સુધી જીવ અજ્ઞાની જ રહે છે, અને તેથી જ તેને જ્ઞાનની ઉપાસનાનો-અંતર એકાગ્રતાનો ઉપદેશ કરવામાં આવે છે.
અહો! આ પંચમ કાળમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તીર્થંકર તુલ્ય કામ કર્યું છે. ભાઈ! શબ્દો થોડા છે, પણ એથી એનું મહત્ત્વ ઓછું ન આંકવું. જુઓ, ‘જગત’ ત્રણ અક્ષરનો શબ્દ છે, પણ તેમાં શું ન આવ્યું? બધું જ આવી ગયું. અહા! એક ‘જગત’ શબ્દે અનંતા નિગોદ, અનંત સિદ્ધ, છ દ્રવ્ય ને છ દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ-પર્યાય... ઓહોહો...! બધું જ આવી ગયું. ત્રણ અક્ષરના કાનામાત્રા વિનાના એક ‘જગત’ શબ્દમાં કેટલું સમાઈ જાય છે? ભગવાનની વાણીમાં ‘ૐ’ નીકળે છે તેમાં બધું આવી જાય છે. અહા! આવી વાણી!
પ્રશ્નઃ– ગુરુદેવ! આપે પણ ગજબનું કામ કર્યું છે? ઉત્તરઃ– શું કામ કર્યું છે? આચાર્ય ભગવંતોએ જે કહ્યું છે તેનું અમે તો સ્પષ્ટીકરણ કરીએ છીએ. ગાયના આંચળમાં દૂધ ભર્યું હોય તેને કોઈ કુશળ દોહનાર દોહીને બહાર કાઢે તેમ શાસ્ત્રોમાં તત્ત્વ ભર્યું છે તેને સમર્થ આચાર્ય અમૃતચંદ્રદેવે તર્ક વડે બહાર કાઢી પ્રકાશ્યું છે. તેમાં અમારું કાંઈ નથી. અમે તો માત્ર તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ, બસ.
અરે! મૂઢ-અજ્ઞાની જીવો નિજ ચિદાનંદમય ચૈતન્યનું વાસ્તુ છોડીને, જડ દેહમાં ને વિકારમાં પોતાનો વાસ માની રહ્યા છે. તેને કહે છે-હે જીવ! તે તારો વાસ નથી; જડ દેહમાં ને વિકારમાં વસવાનો તારો સ્વભાવ નથી. તારો સ્વભાવ