૧૩૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તો તારા શ્રદ્ધા-જ્ઞાન-આનંદ ઇત્યાદિ અનંત સ્વધર્મોમાં વસવાનો છે. અહા! આવા તારા સ્વભાવને ઓળખીને તેમાં વાસ કર, તેનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કર; ને વિકારની વાસના છોડી દે. અહા! દેહ ને વિકારની વાસના છોડી, અનંતધર્મસ્વરૂપ એકસ્વરૂપાત્મક-એકાકાર નિજ આત્માને ઓળખવો તે અનેકાન્ત છે, અને તેનું ફળ પરમ અમૃત છે, પરમ સુખની પ્રાપ્તિરૂપ પરમામૃત છે. સમજાણું કાંઈ...?
ત્યારે કેટલાક વળી કહે છે-આપણે તો આખા વિશ્વ ઉપર પ્રેમ કરવો જોઈએ. વિશ્વપ્રેમ તે ધર્મ છે. અરે ભાઈ! વિશ્વપ્રેમ એ ચીજ શું છે? સર્વ વિશ્વનું જ્ઞાન કરી, નિજ ચૈતન્યવસ્તુમાં એકતા સ્થાપિત કરવી એનું નામ પ્રેમ છે. આ પ્રેમ એટલે વીતરાગતા છે. બાકી બીજા પ્રત્યે પ્રેમ કરવો, અરે, તીર્થંકર પ્રભુ પ્રત્યે પ્રેમ કરવો એ પણ રાગ છે, તે રાગ આત્માના એકસ્વરૂપાત્મકપણામાં છે જ નહિ. શરીરના ને પરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપક થાય એવો જ આત્માનો સ્વધર્મવ્યાપકત્વ સ્વભાવ છે.
પરમાર્થે ભગવાન આત્મા પોતાના નિર્મળ ગુણો અને નિર્મળ પર્યાયોમાં વ્યાપે છે, રાગ અને શરીરને એ કદી અડતો જ નથી. આવો જ દ્રવ્યસ્વભાવ છે. હવે પોતાની ચીજ કેવી છે એની ખબર વિના ધર્મ થઈ જાય એમ કેવી રીતે બને? કદીય ન બને. અરે! એનો અનંત કાળ એમ ને એમ ચાલ્યો ગયો! સંસારના ધંધા આડે ને વિષય- કષાય આડે એને નિવૃત્તિ નહિ; આખા દિવસમાં માંડ કલાક દેવદર્શન, ભક્તિ, પૂજા ને સ્વાધ્યાયમાં કાઢે, બાકીનો બધો સમય એકલા અશુભમાં કાઢે-વ્યતીત કરે છે. ઘણો તો કુટુંબને ને લોકોને રાજી રાખવામાં વખત જાય છે, પણ ભાઈ! એમાં તારો આત્મા નારાજ થાય છે તેની તને ખબર નથી; અરેરે! તું દુઃખી-દુઃખી થઈ રહ્યો છે! અરે ભાઈ! તારે પર સાથે શું સંબંધ છે? પર સાથે પ્રેમ કરવાનું કહે છે પણ પ્રેમ કરવાનો અર્થ શું? પોતાની પર્યાય પોતાના દ્રવ્યમાં એકાગ્ર થાય તે પ્રેમ છે; પર તરફનો પ્રેમભાવ એ તો રાગ છે, ને તેને કરવામાં ધર્મ માને એ તો ભ્રાન્તિ છે; અને તે હેય છે.
અરે ભાઈ! આ દેહથી તું જુદો અવ્યાપક છો, તો પર (વિશ્વ) તારું કયાંથી થઈ ગયું? માટે પરથી ને જડ દેહથી જુદો ને જુદો તારો આત્મા એવો ને એવો એકરૂપ ચિદાનંદ ચૈતન્યસ્વરૂપે રહ્યો છે એમ જાણીને તું પ્રસન્ન થા, પ્રમુદિત થા, ને તારા આત્માને સ્વધર્મમાં રહેલો અનુભવ; એમ કરતાં શરીરથી સંબંધ છૂટીને તને અશરીરી મુક્ત દશાની પ્રાપ્તિ થશે.
આ પ્રમાણે અહીં સ્વધર્મવ્યાપકત્વશક્તિ પૂરી થઇ.
‘સ્વ-પરના સમાન, અસમાન અને સમાનાસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના ધારણસ્વરૂપ સાધારણ- અસાધારણ-સાધારણાસાધારણધર્મત્વશક્તિ’
જુઓ, આત્મામાં અનંત ધર્મો છે. તેમાં જે કોઈ સ્વ-પરના સમાન ધર્મો છે તે સાધારણ છે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આદિ ધર્મો સાધારણ છે, કેમકે તે ધર્મો જેમ આત્મામાં છે તેમ આત્મા સિવાયના બીજા અન્ય દ્રવ્યોમાં પણ છે. આવા સમાન-સાધારણ ધર્મો આત્મામાં એકી સાથે રહેલા અનંત છે. સ્વમાં અને પરમાં હોય એવા સાધારણ ધર્મો અનંત છે.
વળી કોઈ ધર્મો એકલા સ્વમાં-આત્મામાં જ હોય છે. તે આત્માના વિશેષ ધર્મો હોવાથી અસમાન- અસાધારણ ધર્મો છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ આત્માના અસાધારણ ધર્મો છે, કેમકે તે એક આત્મામાં જ છે, આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં નથી. આવા અસાધારણ ધર્મો પણ અનંત છે. તેમાં જ્ઞાન આત્માનો સ્વ-પરને ચેતવારૂપ- જાણવારૂપ ધર્મ હોવાથી તે આત્માનું અસાધારણ લક્ષણ છે. ભગવાન આત્મા જ્ઞાનલક્ષણ વડે લક્ષિત થાય છે. જો કે સત્ દ્રવ્યનું લક્ષણ છે, તો પણ તે આત્માનું લક્ષણ નથી, કેમકે સત્ સાધારણ ધર્મ હોવાથી તે વડે સ્વ-પરની ભિન્નતા પામી શકાતી નથી, અર્થાત્ સત્થી આત્માનું અન્યદ્રવ્યથી જુદું સ્વરૂપ લક્ષમાં આવતું નથી. સમજાય છે કાંઈ...?
વળી આત્મામાં કોઈ ધર્મો એવા છે જે, કોઈ પરદ્રવ્ય સાથે સમાન હોય ને કોઈ પરદ્રવ્ય સાથે અસમાન હોય. તેવા ધર્મો સાધારણાસાધારણ છે. અમૂર્તત્વાદિ આત્માના સાધારણાસાધારણ ધર્મ છે; કેમકે અમૂર્તત્વ ધર્મ, અધર્મ, આકાશાદિમાં છે, પણ તે પુદ્ગલ દ્રવ્યમાં નથી. આકાશાદિની અપેક્ષા જીવનો અમૂર્તત્વ ધર્મ સાધારણ છે, ને પુદ્ગલ દ્રવ્યની અપેક્ષા જીવનો તે ધર્મ અસાધારણ છે. તેથી અમૂર્તત્વ ગુણ જીવનો સાધારણાસાધારણ ધર્મ છે. અમૂર્તત્વ વડે પણ