તો ધર્મકથા છે બાપુ! સાવધાન થઈને સમજવું.
યુક્તિ, આગમ અને અનુભવથી ભગવાન આત્મા ને તેના અનંત ધર્મોનો યથાર્થ નિર્ણય થાય છે. પરંતુ જેઓ સ્વસન્મુખ થઈ આત્મવસ્તુનો નિર્ણય કરતા નથી તેમને અનંત ધર્મોનો નિશ્ચય થતો નથી. તેમને અનંતશક્તિમય આત્મા ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં નહિ હોવા બરાબર જ છે, કેમકે તેમને શક્તિઓ ઉલ્લસતી નથી, જ્ઞાન ઉલ્લસતું નથી, આનંદ ઉલ્લસતો નથી. સમજાય છે કાંઈ...? અહો! ‘હું તો અનંત ધર્મમય એકભાવસ્વરૂપ જ્ઞાયકમાત્ર આત્મા છું, -આમ નિર્ણય કરી જ્યાં અંતર્મુખ થયો ત્યાં અંતઃપુરુષાર્થની જાગૃતિપૂર્વક શક્તિઓ પર્યાયમાં ઉલ્લસે છે, અને તેનો ભેગો એકરસ સ્વાનુભવમાં-વેદનમાં આવે છે. આનું નામ સમ્યગ્દર્શન- સમ્યગ્જ્ઞાન છે, અને આ મારગ છે.
શક્તિ-ગુણ તો ત્રિકાળ છે, ને તેની પર્યાય ક્રમવર્તી પ્રગટ થાય છે. આ ક્રમવર્તી પર્યાયો ને અક્રમવર્તી ગુણો-એ બધું મળીને અહીં આત્મા કહ્યો છે. તેમાં વિકારની વાત નથી, કેમકે શક્તિ છે તે નિર્મળ છે, ને શક્તિવાન દ્રવ્ય જે છે તેય નિર્મળ શુદ્ધ છે, તથા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું ભાન થતાં જે પર્યાયો પ્રગટ થઈ તે પણ નિર્મળ છે, તેમાં વિકાર સમાતો નથી. વિકારનો તો નિર્મળ પર્યાયમાં અભાવ છે. આનું નામ સ્યાદ્વાદ, અને આ અનેકાન્ત છે. હવે લોકોને દ્રવ્ય-ગુણ-પર્યાય શું? એ કાંઈ ખબર ન મળે અને પરનાં-શરીર, મહેલ-મકાનનાં ને કુટુંબનાં ને સમાજનાં- કામ હું કરું એમ અભિમાન કર્યા કરે છે. પણ એ તો સંસાર પરિભ્રમણનો મારગ છે બાપુ! પરનાં કામ કરે એવી તારી વસ્તુ જ નથી ભગવાન! ને રાગ કરે એય તારો સ્વભાવ નથી.
પ્રશ્નઃ– તો શું કુંભાર ઘડો કરતો નથી? ઉત્તરઃ– ના, કુંભાર ઘડો કરતો નથી; ઘડો થાય છે તે માટીથી થાય છે, કુંભારથી થતો નથી. કુંભારમાં ઘડો કરવાની કર્તૃત્વશક્તિ છે એમ કેટલાક કહે છે, પણ તે બરાબર નથી, સત્ય નથી. સમયસાર, ગાથા ૩૭૨ માં આચાર્યદેવ પોકારીને કહે છે-કુંભારથી ઘડો થાય છે એમ અમે દેખતા નથી; માટીથી ઘડો થાય છે એમ અમે દેખીએ છીએ. ભાઈ! આ તો વસ્તુ જ આવી છે; અને જૈનદર્શન તો વસ્તુદર્શન છે, એ કાંઈ વાડાની-સંપ્રદાયની ચીજ નથી.
હા, પણ કુંભાર નિમિત્ત તો છે ને? ભાઈ! નિમિત્ત છે એનો અર્થ શું? નિમિત્ત છે એટલે જ કર્તા નથી એમ એનો અર્થ છે. નિમિત્તથી કાર્ય થાય એવી માન્યતા તે જૈનદર્શન નથી. નિમિત્ત તો પરદ્રવ્ય છે, અને ઉપાદાન તેનાથી ભિન્નસ્વરૂપ છે. તેથી નિમિત્ત ઉપાદાનનું કાંઈ જ કરતું નથી, કેમકે પરદ્રવ્યની પર્યાય બીજા પરદ્રવ્ય વડે થતી નથી. કાર્યકાળે નિમિત્ત છે, બસ એટલું.
અહા! પોતામાં અનંતધર્મત્વશક્તિ ત્રિકાળ વિદ્યમાન છે; તેનું પરિણમન પોતાથી થાય છે. પોતામાં નિર્મળ પર્યાયને કરે એવો કર્તા નામનો ગુણ છે. શું કીધું? જ્ઞાન, આનંદ, પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણની પર્યાયનો કર્તા થાય એવો કર્તા નામનો પોતામાં ગુણ છે, ને તે અનંત ગુણમાં વ્યાપક છે. આ રીતે શક્તિ પોતે જ પોતાથી પરિણમે છે. હવે આમ છે ત્યાં પરદ્રવ્ય પરદ્રવ્યનું કરે એ વાત કયાં રહે છે?
પ્રવચનસાર, ગાથા ૧૦૨ માં આવે છે કે-પ્રત્યેક પર્યાયની જન્મક્ષણ અર્થાત્ ઉત્પત્તિનો કાળ છે, અને ત્યારે તે (પર્યાય) ઉત્પન્ન થાય છે. હવે આમાં નિમિત્ત કરે છે એ કયાં રહ્યું? ચિદ્વિલાસમાં નિશ્ચય-વ્યવહારના અધિકારમાં વાત લીધી છે કે-જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ થાય તે નિશ્ચય છે.
પ્રશ્નઃ– બધું હોનહાર છે તો આપણે શું કરવાનું રહ્યું? ઉત્તરઃ– કાંઈ જ નહિ; પણ હોનહારનો નિર્ણય કયારે થાય? ત્રિકાળી એક જ્ઞાયકભાવ સન્મુખનો અંતઃપુરુષાર્થ કરે ત્યારે હોનહારનો સાચો નિર્ણય થાય છે. થવાવાળી પર્યાય તો તે જ સમયે (થવાકાળે જ) થાય છે, પણ તે હોનહારનો નિર્ણય દ્રવ્યસન્મુખની દ્રષ્ટિના પુરુષાર્થથી થાય છે. લ્યો, આ કરવાનું છે; શું? કે દ્રવ્યસન્મુખની દ્રષ્ટિનો પુરુષાર્થ. આવી વાત!
અમારે સંપ્રદાયમાં સં. ૧૯૭૨માં આ પ્રશ્ને ખૂબ ચર્ચા થયેલી. પ્રશ્ન એમ થયેલો કે-ભગવાને કેવળજ્ઞાનમાં દીઠું હશે એમ થશે, આપણો પુરુષાર્થ શું કામ કરી શકે?
અમે બે વર્ષ આવી વાત સાંભળી, પણ અમને આ વાત ખટકતી હતી; તો અમે ત્યારે કહેલું-ભગવાને કેવળજ્ઞાનમાં દીઠું છે એમ થશે એ વાત તો એમ જ બરાબર છે, પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ શું છે એનું શ્રદ્ધાન છે કે નહિ? અહાહા...!