૧૩૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કેવળજ્ઞાન એટલે શું? એક સમયની જ્ઞાનની પર્યાય જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન-એમ ત્રણકાળ, ત્રણલોકને એક સમયમાં પ્રત્યક્ષ જાણે એનું નામ કેવળજ્ઞાન છે. અહા! આવા અદ્ભુત સામર્થ્યરૂપ કેવળજ્ઞાનની સત્તા જગતમાં છે એનો નિર્ણય કયારે થાય? કે પોતાનો જ્ઞાનસ્વભાવ-કેવળજ્ઞાનસ્વભાવ અંદર ત્રિકાળ છે તેનો અંતઃપુરુષાર્થ વડે નિર્ણય કરે ત્યારે થાય છે. અરે ભાઈ! ભગવાનને કેવળજ્ઞાનની દશા પ્રગટ થઈ તે કયાંથી થઈ? એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે બાપુ! અંદર કેવળજ્ઞાન સ્વભાવ છે તેને કારણપણે ગ્રહવાથી પર્યાયમાં સ્વભાવની પ્રગટતારૂપ કેવળજ્ઞાન પ્રગટ થયું છે. અહા! આમ જગતમાં કેવળજ્ઞાન પર્યાયનો નિર્ણય કરવા જાય તેને અંદર પોતાનો કેવળજ્ઞાનસ્વભાવ છે એમ અંતરમાં નિર્ણય થાય છે. આવો નિર્ણય થાય તેમાં ક્રમબદ્ધનો સમ્યક્ નિર્ણય થાય છે, અને આ જ પુરુષાર્થ છે, કેમકે અંતર્મુખ દ્રષ્ટિના પુરુષાર્થ વિના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થતો નથી. પોતાના સર્વજ્ઞસ્વભાવની અંતર-પ્રતીતિ થાય ત્યારે જ સર્વજ્ઞ-પર્યાયની સમ્યક્ પ્રતીતિ થાય છે.
હવે લોકો તો બિચારા નિમિત્તમાં અટકયા છે. દ્રવ્યની પર્યાય નિમિત્તથી થાય એમ તેઓ માને છે. વળી તેઓ કહે છે-ઉપાદાનમાં યોગ્યતા અનેક પ્રકારની છે, પણ જેવું નિમિત્ત મળે તેવું કાર્ય થાય છે. નિમિત્ત કાર્યનો નિયામક છે એમ તેઓ માને છે; પણ તેમની આ માન્યતા યથાર્થ-સત્ય નથી. અરે ભાઈ! જ્યાં સુધી નિમિત્ત ઉપર દ્રષ્ટિ હોય, રાગ ઉપર દ્રષ્ટિ હોય, ને પર્યાય ઉપર દ્રષ્ટિ હોય ત્યાં સુધી સ્વભાવસન્મુખનો પુરુષાર્થ જાગતો નથી, ને પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થતો નથી. પછી તેને કેવળજ્ઞાનનો ને ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક્ નિર્ણય કયાંથી થાય? ન થાય, આ રીતે નિમિત્તાધીન દ્રષ્ટિવાળા બહિદ્રષ્ટિ બહિરાત્મા જ છે, તેઓ સાચા દેવ-ગુરુને પ્રાપ્ત થઈને પણ સંસાર પરિભ્રમણ જ સાધે છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કેવળજ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું? અનંત અનંત કેવળીના પેટને જાણી લે તેટલું. ઓહો! આવું કેવળજ્ઞાન અંદર જ્ઞાનસ્વભાવ ત્રિકાળ પડયો છે તેના આશ્રયે પ્રગટ થાય છે. અહાહા...! જ્ઞાનસ્વભાવ પરિણમીને કેવળજ્ઞાન થયું છે. આવા જ્ઞાનાદિ અનંત સ્વભાવો-ગુણોનો પિંડ પ્રભુ આત્મા છે. એક વાર કહ્યું હતું કે એક ગુણમાંથી પર્યાય ઉઠતી નથી; પણ આખું દ્રવ્ય છે તેનો સ્વીકાર થતાં આખા દ્રવ્યમાંથી પરિણતિ ઉઠે છે. તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વામીએ પણ ‘गुणपर्ययवत् द्रव्यम्’-એમ સૂત્ર કહ્યું છે. અંદરમાં ગુણની પરિણતિ ભિન્ન થાય છે ને દ્રવ્યની પરિણતિ ભિન્ન થાય છે એમ નથી. પોતાની અનેક વિશેષતાઓરૂપ દ્રવ્ય જ પરિણમી જાય છે. લ્યો, આમ બતાવીને ત્રિકાળી અભેદ દ્રવ્યની દ્રષ્ટિ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.
અહીં કહે છે-વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ છે. અહા! વિલક્ષણ અનંત ધર્મોને ધરનારું આત્મદ્રવ્ય છે તે એક ભાવરૂપ છે. જ્ઞાનનું લક્ષણ જુદું, શ્રદ્ધાનું જુદું, આનંદનું જુદું-એમ અનંત ગુણનું લક્ષણ જુદું છે, તથાપિ જ્ઞાનની વસ્તુ જુદી, શ્રદ્ધાની વસ્તુ જુદી, આનંદની વસ્તુ જુદી-એમ કાંઈ જુદી જુદી અનંત વસ્તુઓ નથી, વસ્તુ તો અનંત સ્વભાવોના એક ભાવરૂપ એક જ છે. એક સાથે અનંત સ્વભાવોરૂપે વસ્તુ તો એક જ પ્રતિભાસે છે, પ્રતીતિમાં આવે છે. અહા! આવી આશ્ચર્યકારી અદ્ભુત ચીજ આત્મા છે. વિલક્ષણતા છતાં એકરૂપતા, ને એકરૂપતા છતાં વિલક્ષણતા. વિલક્ષણતા હોવાથી ક્ષાયિક સમ્યગ્દર્શન થવા છતાં તે જ વખતે બધા ગુણ ક્ષાયિકભાવે ઉઘડી જતા નથી, ને વસ્તુપણે એકરૂપતા હોવાથી, વસ્તુના આશ્રયે પરિણમન થતાં, બધા ગુણોનો એક અંશ નિર્મળ ખીલી જાય છે, ઉછળે છે. સમ્યગ્દર્શન થતાં જ કેવળજ્ઞાન ભલે ન હોય, પણ સમ્યગ્જ્ઞાન તો અવશ્ય હોય જ છે, અને એ પ્રમાણે બધા ગુણનો એક અંશ તો ઉઘડી જ જાય છે. અહા! આવા અનંતધર્મસ્વરૂપ નિજ આત્માને ઓળખીને તેનો અનુભવ કરવો, તેની અંતરસન્મુખ થઈ પરિણમવું તે મોક્ષમાર્ગ છે, મુક્તિનું કારણ છે.
અરે! લોકોએ બહારમાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વડે ધર્મ થઈ જશે એમ માન્યું છે. પરંતુ એ તો બધો શુભભાવ-રાગ છે ભાઈ! વસ્તુમાં તો એ ચીજ છે જ નહિ; એનાથી પોતાનું કલ્યાણ થવાનું માનવું એ તો મહાન ભ્રમ અને પાખંડ છે. અરે ભાઈ! તારા અનંત ધર્મો છે એમાં શુભરાગ નથી. શુભરાગ તો પર્યાયમાં નવો ઉત્પન્ન થાય છે. પરના લક્ષથી પર્યાયમાં રાગાદિભાવ નવા ઉત્પન્ન થાય છે.
દ્રવ્ય-ગુણમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી, તો વિકાર કયાંથી આવ્યો? પર્યાયની યોગ્યતાથી, પોતાના ષટ્કારકના પરિણમનથી વિકાર ઉત્પન્ન થાય છે; પોતાનું દ્રવ્ય તેનું કારણ નથી, ને પરદ્રવ્ય પણ તેનું વાસ્તવિક કારણ નથી, પંચાસ્તિકાયમાં અસ્તિકાય સિદ્ધ કર્યાં છે ત્યાં અસ્તિકાયની પર્યાયમાં ષટ્કારકનું