Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4065 of 4199

 

૧૪૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ તો ‘णमो सिध्दाणं’-સિદ્ધપદમાં હાલ વિરાજે છે. શ્રી સીમંધર ભગવાન મહાવિદેહક્ષેત્રમાં હાલ બિરાજે છે. તેઓ ‘णमो अरिहंताणं’-અરિહંતપદે વિરાજે છે. તેમની ૐધ્વનિ હંમેશાં નીકળે છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સંવત ૪૯ની સાલમાં વિદેહક્ષેત્રમાં પધાર્યા હતા, ત્યાં આઠ દિવસ રહ્યા હતા. તેમણે ત્યાં સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળી છે, ને ત્યાંથી આવીને પછી આ બધાં શાસ્ત્રો રચ્યાં છે. આમ આ ભગવાનની વાણી છે.

તેમાં કહે છે-રાગરૂપે, વિકારરૂપે ન થવું એવી એક આત્માની અતત્ત્વશક્તિ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ એ રાગ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-વિનય-ભક્તિનો ભાવ એય રાગ છે, શાસ્ત્ર ભણવાં એય રાગ-વિકલ્પ છે. નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા ને પંચમહાવ્રતના પરિણામ એ પણ બધો વિકલ્પ-રાગ છે. અહીં કહે છે- એ વ્યવહાર રત્નત્રયના રાગરૂપે ન થવું એવો અતત્ત્વશક્તિસ્વરૂપ ભગવાન આત્મા છે. હવે આમ છે ત્યાં બૈરાં- છોકરાં ને મહેલ-મકાન ને હજીરા ને ધન-સંપત્તિ ઇત્યાદિપણે થવું એ કયાં રહ્યું? અરે, એ તો બધાં કયાંય દૂર રહી ગયાં. ભાઈ! એ બધાંને પોતાનાં માનીને તું અનંતકાળમાં હેરાન-હેરાન થઈ ગયો છે. અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા. અરે, પોતાનું સ્વરૂપ અંદર કેવું છે એની વાત એણે અંદર પ્રીતિ લાવીને કદી સાંભળી નથી. શ્રી પદ્મનંદિ સ્વામી પદ્મનંદિ પંચવિંશતિમાં કહે છે ને કે-

तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।।

અહા! જીવે રાગથી ભિન્ન નિજ ભગવાન આત્માની વાત પ્રીતિપૂર્વક કદી સાંભળી નથી. આચાર્ય કહે છે- અંતરમાં પ્રીતિ લાવીને જે નિજ શુદ્ધાત્માની વાત સાંભળે છે તે અવશ્ય ભાવિ નિર્વાણનું ભાજન થાય છે.

જુઓ, પહેલાં કહ્યું કે-આનંદરૂપે પરિણમે એવી આત્માની તત્ત્વશક્તિ છે. અહીં કહે છે-રાગરૂપે ને જડપણે પરિણમે નહિ એવી આત્માની અતત્ત્વશક્તિ છે. આવી વાત! હવે અત્યારે તો બહાર બધે પ્રરૂપણા જ એવી ચાલે છે કે -દયા પાળો, વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો, ને એમ કરતાં કરતાં આત્મ-કલ્યાણ થઈ જશે. પણ આવી પ્રરૂપણા બરાબર નથી, કેમકે પરરૂપે કે રાગરૂપે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી; ઉલટાનું કહે છે- આત્મામાં અતદ્ભવનરૂપ અતત્ત્વશક્તિ છે. શરીરપણે ન થવું એ તો ઠીક વાત, પણ પર્યાયમાં રાગાદિરૂપ પરિણમન છે તે-રૂપે-તદ્રૂપે ન થાય એવી અતત્ત્વશક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે.

શુદ્ધ ચૈતન્યપણે થવું એવી આત્માની તત્ત્વશક્તિ છે, ને રાગરૂપે ન થવું એવી એની અતત્ત્વશક્તિ છે. એવો જ એનો સ્વભાવ છે. તેથી રાગ કરો ને તમારું કલ્યાણ થઈ જશે એવી વાત તદ્ન વિપરીત છે. મિથ્યાત્વના જોરમાં અજ્ઞાની ભલે ગમે તે કહે, પણ રાગાદિરૂપ ન થવું એવો ભગવાન આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. હવે આમ છે ત્યાં આ પૈસા કમાવા, ને સગાંવહાલાંને રાજી રાખવાં, ને વિષયભોગ ભોગવવા ઇત્યાદિરૂપે આત્મા થાય એ વાત કયાં રહે છે? એ તો બધું કયાંય દૂર રહી ગયું. હવે તત્ત્વ-સમજણ કરતો નથી, ને આખો દિ’ સંસારના પ્રપંચમાં જ રચ્યો રહે છે, પણ એનું ફળ બહુ આકરું આવશે ભાઈ! મિથ્યાત્વનું ફળ પરંપરા નિગોદ છે બાપુ!

અહીં કહે છે-જે એનામાં નથી તે-રૂપે થવું એવો વસ્તુનો સ્વભાવ જ નથી; પરરૂપે ને રાગાદિરૂપે ન થાય એવો આત્માનો સ્વભાવ છે.

ચક્રવર્તીને નવ નિધાન હોય છે; એ તો ધૂળ-જડ નિધાન છે. અને ભગવાન આત્મામાં અનંત ચૈતન્યશક્તિનાં નિધાન ભર્યાં છે. પણ એનો મહિમા લાવી એની રુચિ એણે કદી કરી નથી. કદીક શાસ્ત્રનું જ્ઞાન થયું તો એમાં ખુશી થઈ ગયો, સંતુષ્ટ થઈ ગયો; પરંતુ ભાઈ, શાસ્ત્રજ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન જ નથી, આત્મજ્ઞાન જ્ઞાન છે. અહીં કહે છે-અજ્ઞાનપણે ન થવું એવી આત્માની અતત્ત્વશક્તિ છે. જેમ પરમાણુમાં કર્મ થાય એવો કોઈ ગુણ નથી; ગુણ વિના અદ્ધરથી પરમાણુમાં કર્મરૂપી પર્યાય થાય છે, તેમ આત્મામાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી; અદ્ધરથી, ગુણ વિના, પર્યાયમાં સ્વતંત્ર પોતાથી વિકાર થાય છે. બાકી વિકારપણે ન થવું એવો જ દ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ છે; આવું અતત્ત્વશક્તિનું સ્વરૂપ છે.

જેમ એક પરમાણુ દ્રવ્યમાં પીડા નથી, પીડાનો અભાવ છે, તેમ ત્રિકાળી આત્મદ્રવ્યમાં વિકાર નથી, વિકારનો અભાવ છે. વિકારને ઉત્પન્ન કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. આત્મામાં એક વૈભાવિકશક્તિ છે, પણ તે શક્તિ વિકાર કરે છે, વિભાવરૂપ પરિણમન કરે છે એવો એનો અર્થ નથી. એ તો ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોમાં નથી એવી વિશેષ શક્તિને વૈભાવિકશક્તિ કહેવામાં આવી છે. જીવ અને પુદ્ગલ પરમાણુ-આ બે દ્રવ્યોમાં આવી ખાસ શક્તિ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોનું તો શુદ્ધ પરિણમન સદા પારિણામિકભાવરૂપ છે.