પણ તદ્રૂપ ભવનરૂપ ચૈતન્યની નિરાકુલ આનંદની પરિણતિ ન થાય.
ભાઈ! તારા આત્મામાં તદ્રૂપ ભવનમય તત્ત્વશક્તિ છે; તેને ઓળખી અંતર્મુખ થતાં જ તેનું તદ્રૂપ પરિણમન થાય છે, અને આ જ ધર્મ છે, આ જ મોક્ષમાર્ગ છે.
આ પ્રમાણે તત્ત્વશક્તિનું અહીં વર્ણન પૂરું થયું.
‘અતદ્રૂપ ભવનરૂપ એવી અતત્ત્વશક્તિ.’ (તત્સ્વરૂપ ન હોવારૂપ અથવા તત્સ્વરૂપે નહિ પરિણમવારૂપ અતત્ત્વ-શક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન જડરૂપ થતો નથી.)
અહાહા...! રાગરૂપે ન થવું, પુણ્યના ભાવપણે ન થવું, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે ન થવું એવી અતત્ત્વ નામની જીવમાં શક્તિ છે. પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે રહેવું... નિર્મળ નિર્મળ થવું-તે તત્ત્વશક્તિમાં વાત કરી. અને રાગપણે ન થવું તેમ જ પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે ન થવું એવો જે આત્માનો સ્વભાવ છે તે અતત્ત્વશક્તિ છે.
લ્યો, હવે લોકો તો કહે છે કે-વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, ત્યારે અહીં આ સ્પષ્ટ કહે છે કે- વ્યવહારરૂપે ન થવું એવી આત્માની અતત્ત્વશક્તિનું સ્વરૂપ છે. અહાહા...! અનંત અનંત શક્તિનો ભંડાર પ્રભુ આત્મા છે. ભાઈ! તારા ભંડારમાં અક્ષય નિધાન ભર્યાં છે. અહા! તે નિધાન એવાં ભર્યાં છે કે કેવળજ્ઞાન થાય તોય તેમાં કાંઈ ઘટાડો થતો નથી; અને નિગોદમાં ગયો ત્યાં અક્ષરના અનંતમા ભાગે મતિજ્ઞાન હતું ત્યારેય અંતરનાં અક્ષય નિધાન તો એવાં ને એવાં પૂર્ણ રહ્યાં છે. આ લસણ ને ડુંગળીમાં નિગોદના જીવો છે. એક નાનકડી કણીમાં અસંખ્ય શરીર છે, ને એકેક શરીરમાં અનંતા જીવો રહ્યા છે. પણ એ જીવો સ્વરૂપથી તો તદ્રૂપ ભવનરૂપ છે.
કાલે વાત કરી હતી કે નારકીને સ્વર્ગનું સુખ નથી. આ લૌકિક સુખની વાત છે; સાચું સુખ તો સ્વર્ગની ધૂળમાંય કયાં છે? કોઈ નારકી જીવની આયુષ્યની સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે, ને વધારેમાં વધારે ૩૩ સાગરનું આયુષ્ય હોય છે. તે નારકીના જીવને સ્વર્ગનું સુખ બીલકુલ નથી, તેમ જ સ્વર્ગના દેવને નારકી જીવોનું દુઃખ બીલકુલ હોતું નથી. તેવી રીતે પરમાણુમાં પીડા નથી, તથા ભગવાન આત્મામાં વિકાર કે શરીર નથી. એક પરમાણુ છૂટો છે તે શુદ્ધ હોય છે, સ્કંધમાં ભળતાં તે વિભાવરૂપે થાય છે. સ્કંધમાં વૈભાવિક પર્યાય થાય છે. કર્મરૂપ પર્યાય છે તે વૈભાવિક પર્યાય છે; કર્મપણે થાય એવો કોઈ ગુણ પરમાણુમાં નથી. વિભાવરૂપ પર્યાય પોતાથી સ્વતંત્ર થાય છે. પરમાણુ સ્વતંત્રપણે, કોઈ ગુણ વિના, પર્યાયમાં કર્મરૂપે-વિભાવરૂપે પરિણમે છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, પૈસા-ધૂળ એ બધા સ્કંધો છે તે વૈભાવિક દશારૂપે થયેલા છે. તેવી રીતે ભગવાન આત્મામાં વિકાર થાય એવો કોઇ ગુણ નથી, બલ્કે વિકારપણે ન થાય એવો આત્માનો અતત્ત્વ સ્વભાવ-ગુણ છે. આવી વાત! સમજાણું કાંઈ...? વિકાર થાય એ તો પરના લક્ષે સ્વતંત્ર થયેલી વૈભાવિક દશા છે, તે કાંઈ શક્તિના કાર્યરૂપ નથી. આવી ઝીણી વાત ભાઈ!
બેનના વચનામૃતમાં આવે છે કે-જેમ અગ્નિમાં ઉધઈ નથી, કંચનમાં કાટ નથી, તેમ આત્મામાં આવરણ નથી, ઉણપ નથી, અશુદ્ધિ નથી. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણવિજ્ઞાનઘન, પરમ પવિત્ર, પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, તેમાં પરદ્રવ્યરૂપે ન થવારૂપ એક અતત્ત્વશક્તિ ત્રિકાળ પડી છે. અહા! રાગરૂપે ને શરીરરૂપે ન થાય એવી આત્મામાં અતત્ત્વ-શક્તિ ત્રિકાળ છે. હવે આવી વાત કોઈ ભાગ્યશાળી હોય તેના કાને પડે. સ્તુતિમાં આવે છે ને કે-
તુમ ધુનિ હ્યૈ સુનિ વિભ્રમ નશાય.
પુણ્યના ફળમાં આ ધૂળ-લક્ષ્મી મળે તે ભાગ્યશાળી એમ નહિ, ભગવાનની વાણી કાને પડે તે ભાગ્યશાળી છે; એ ધૂળવાળા-લક્ષ્મીવાળા તો ભાંગશાળી છે, કેમકે એમને તો એનો નશો ચઢે છે ને!
ભાઈ! આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. ભગવાન મહાવીર સ્વામી તો મોક્ષ પધાર્યા. તેઓ