૧૪૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ભક્તિ, પૂજા ઇત્યાદિના વિકલ્પ કાંઈ રાગ ન કહેવાય, એ તો ધર્મ કહેવાય. અરે ભાઈ! રાગના સ્વરૂપની તને સાચી સમજ નથી. એ સર્વ ક્રિયાકાંડમાં લક્ષ જાય તે ભાવ પણ રાગ છે, બંધનું કારણ છે, દુઃખરૂપ છે. તે ભાવ કાંઈ ચૈતન્યના તદ્રૂપ પરિણમનરૂપ નથી.
પ્રશ્નઃ– તો શાસ્ત્રોમાં વ્રત-તપ આદિ પરિણામને ધર્મ કહ્યો છે? ઉત્તરઃ– હા, એ તો ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહચર જાણીને આરોપ દઈ ઉપચારથી તેને (વ્રતાદિના વિકલ્પને) ધર્મ કહ્યો છે. તે ઉપચારમાત્ર સમજવો, તે કાંઈ વાસ્તવિક ધર્મ નથી.
પ્રશ્નઃ– તો પછી શું કરવું? ઉત્તરઃ– રાગ અને જ્ઞાન વચ્ચે સહજ જ ભિન્નતા છે તેનું ભાન કરી ભેદજ્ઞાન કરવું; રાગનું લક્ષ છોડી, સ્વભાવનું ગ્રહણ કરવું. લ્યો, આનું નામ ધર્મ છે. ધર્મી પુરુષને રાગ આવી જાય છે પણ તેમાં તેને હેયબુદ્ધિ હોય છે, તેમાં એને કર્તાબુદ્ધિ અને સ્વામિત્વ હોતાં નથી. શુભરાગને ઉપાદેય માનવાથી, આદરણીય માનવાથી ભગવાન ચિદાનંદસ્વરૂપનો અનાદર થઈ જાય છે. રાગ હેય છે તેને ઉપાદેય માનવાથી ચિદ્રૂપ, તદ્રૂપ ભવનમય ભગવાન આત્માનો દ્રષ્ટિમાં અભાવ થઈ જાય છે; કળશમાં આવ્યું છે કે-મરણને પ્રાપ્ત થાય છે.
ભગવાન! જ્ઞાન અને આનંદમય તારું જીવન છે. જીવનશક્તિથી શક્તિનો અધિકાર શરુ કર્યો છે ને? અહાહા...! જીવનશક્તિમાં તત્ત્વશક્તિનું રૂપ છે, ને તત્ત્વશક્તિમાં જીવનશક્તિનું રૂપ છે. એટલે શું? કે ભગવાન આત્માનું તત્ત્વ જે જ્ઞાનાનંદસ્વભાવમય છે તે-રૂપે-તદ્રૂપ પરિણમન કરવું, તે રીતે જીવનું જીવવું એ વાસ્તવિક જીવન છે. શરીરથી ને રાગથી જીવવું એ જીવન નથી, એ તો મરણ બરાબર જ છે.
હવે લોકોને આવી વાત સમજાય નહિ, ને પોતાના માનેલા (મિથ્યા) આચરણનો આગ્રહ છૂટે નહિ એટલે વિરોધ કરે, પણ કોનો વિરોધ? એ તો પોતાનો જ વિરોધ છે બાપુ! પરનો વિરોધ કોણ કરી શકે છે? કોઈ જ નહિ. અમે તો ‘મંદિર બનાવો ને મહોત્સવ કરાવો’ ઇત્યાદિ કોઈ દિવસ કોઈને કહેતા નથી. અમે તો સત્શાસ્ત્રના અભ્યાસથી સત્ય સમજવાનો ને અંતરમાં સમ્યક્ પુરુષાર્થ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ કરીએ છીએ. અત્યારે તો સત્શાસ્ત્રના અભ્યાસ વડે સત્ય સમજવાનો કાળ છે.
અરેરે! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે તે દ્રષ્ટિમાં ન આવ્યો, તેનું તદ્રૂપ ભવનમય પરિણમન ન કર્યું તો જીવનમાં શું કર્યું? કાંઈ જ ના કર્યું, જીવતર એળે ગયું. ભાઈ! આ બહારની ધૂળ-લાખ-ક્રોડની સંપત્તિ મળી જાય તો એમાં શું છે? એ તો ધૂળની ધૂળ છે. મુંબઈમાં અમે ઉતર્યા હતા એ મકાન ૭૦ લાખની કિંમતનું હતું. પણ એમાં શું આવ્યું? આ મનુષ્ય દેહ છૂટયા પછી જીવ ચોરાસીના અવતારમાં કયાંય રઝળતો થઈ જશે. અમે તો વારંવાર કહીએ છીએ કે જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાં જઈ પડશે તે નિશ્ચિત નથી તેમ મિથ્યાત્વના વંટોળિયે ચઢેલો જીવ ચોરાસીના અવતારમાં કયાંય કાગડે-કુતરે-કંથવે... જઈ પડશે, -કાંઈ નિશ્ચિત નથી. અરે ભગવાન! જરા અંદર તો નજર કર; એકલું ચૈતન્યનું દળ ચૈતન્ય-ચમત્કાર પ્રભુ તું આત્મા છો, અને તદ્રૂપ ભવન-પરિણમન એ તારું કાર્ય છે.
અહો! દિગંબર સંતોની આ રામબાણ વાણી છે. શું થાય? જીવને આ વાણી મળી નથી, ને કદાચિત્ મળી તો પ્રેમથી જિજ્ઞાસા કરી સાંભળી નથી. “ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે, આમાં આપણું કામ નહિ”-આમ બહાનાં કાઢીને તેણે સમજવાનું છોડી દીધું છે. અહાહા...! પણ ભગવાન આત્મા જ્ઞાનાદિ અનંત સ્વભાવનો દરિયો છે. સમુદ્રના કાંઠે સમુદ્રના પાણીની જેમ ભરતી આવી તેમ ભગવાન આત્મામાં દ્રષ્ટિ કરતાં પર્યાયમાં તદ્રૂપ ભવનરૂપ જ્ઞાન ને આનંદની ભરતી આવે છે, ને આનું નામ ધર્મ છે.
અહા! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે, તે એક ચૈતન્યરૂપે પરિણમે તે તેનું તદ્રૂપ ભવન છે. અરે ડાહ્યા! તારું આવું પરિણમન થાય ત્યારે તારું ડહાપણ કહેવાય. ૧૯૬૪ની વાત છે. પાલેજમાં અમારી દુકાન હતી. ડાહ્યાભાઈ ધોળશાની ભરૂચમાં નાટક કંપની આવેલી. મીરાંબાઈનું નાટક હતું. તે નાટક કંપનીના માલીકનું નામ ડાહ્યાભાઈ હતું. તે મરતી વખતે એમ બોલેલા-ડાહ્યા! શાંતિપૂર્વક તારો દેહ છૂટે ત્યારે તારું ડહાપણ કહેવાય. તેમ અહીં સર્વજ્ઞ પરમાત્મા કહે છે-નિજ ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્યનો આશ્રય કરી અંતરમાં નિર્વિકલ્પ આનંદની અનુભવ દશા પ્રગટ કરે ત્યારે તારું ડહાપણ કહેવાય. બાકી રાગ મંદ કરીને લાખોનાં દાન આપે તોય શું? એથી પુણ્ય બંધાય, સંસાર મળે,