અંતર-પ્રતીતિ થયા વિના કારણપરમાત્મા કોને કહેવો? તત્સ્વરૂપની-શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ કરીને, જ્ઞાનમાં પોતાના સ્વદ્રવ્યને જ્ઞેય બનાવી, તેની અંતર-પ્રતીતિ કરે તેને, હું આ કારણપરમાત્મા છું એમ પ્રતીતિ થાય છે. તેને કારણપરમાત્મા પ્રસિદ્ધ થાય છે, ને તેને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ કાર્ય પ્રગટ થાય છે. પણ જે અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી તેને કારણપરમાત્મા કયાં છે? તેને તો તે હોવા છતાં નહિ હોવા બરાબર જ છે.
અહા! પરના પ્રેમમાં તે પોતાના પ્રભુને ભૂલી ગયો છે. આખો દિવસ બસ રળવું-કમાવું ને બૈરાં-છોકરાં સાચવવાં -એમ પરમાં જ તે રોકાઈ ગયો છે. આમ તેને પોતાના સ્વરૂપ-સ્વદ્રવ્ય પ્રત્યે અરુચિ-દ્વેષનો ભાવ વર્તે છે. “દ્વેષ અરોચક ભાવ”-જેને સ્વરૂપ રુચતું નથી, પરવસ્તુ રુચે છે તેને સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. જેને રાગની રુચિ છે, જે રાગમાં તન્મય છે, તેને પોતાના જ્ઞાનસ્વભાવમય અંતઃતત્ત્વ પ્રત્યે દ્વેષ છે. સ્તુતિમાં આવે છે ને કે-
સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ.
અજ્ઞાની ભય પામીને ચંચળ થાય છે, તેના પરિણામ અંદર સ્વસ્વરૂપમાં જતા નથી; તેને સ્વરૂપનો ભય છે, સ્વરૂપ પ્રત્યે તેને દ્વેષ છે, અંદર પ્રવેશતાં તેને ભય અને ખેદ થાય છે.
અહા! સ્વરૂપમાં જતાં અજ્ઞાનીને ભય અને ખેદ-થાક લાગે છે, તેથી તેને સ્વરૂપ પ્રત્યે દ્વેષ વર્તે છે. પણ અરે ભાઈ! તારું સ્વરૂપ તો અભય, અખેદ છે. અહા! એકેક શક્તિમાં આચાર્યદેવે કેટકેટલું રહસ્ય ભર્યું છે! એક શક્તિનો ખ્યાલ આવે તો અનંત શક્તિમય વસ્તુનો ખ્યાલ આવી જાય એવી આ વાત છે. આચાર્ય જયસેનદેવે કહ્યું છે કે-એક ભાવને યથાર્થ જાણે તો અનંત ભાવ યથાર્થ જાણવામાં આવી જાય છે.
અહા! સર્વજ્ઞ પરમાત્મા જેઓ પૂર્ણ તત્ત્વસ્વરૂપ પરિણમીને સર્વજ્ઞત્વ, ને સર્વદર્શિત્વરૂપ દશાને પ્રાપ્ત થયા તે ભગવાનના શ્રીમુખેથી આ વાણી નીકળી કે-તારું સ્વરૂપ મારી જેમ પૂર્ણ તત્ત્વશક્તિમય છે. શરીરરૂપે થવું, ને રાગરૂપે થવું એવું તારું સ્વરૂપ નથી. શરીર-હાડમાંસનું પોટલું તો જડ માટી ધૂળ છે. શરીરની ક્રિયા થાય તેય જડની ક્રિયા છે, ને દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ ઉઠે તેય જડના સંગે થયેલા જડરૂપ પરિણામ છે, તે ચૈતન્યના તદ્રૂપ ભવનરૂપ નથી. આકરી વાત પ્રભુ! પણ આ સત્યાર્થ છે.
અહા! લોકો અનાદિથી પાપના ફંદમાં ફસાઈ રહ્યા છે. ત્યાંથી નીકળે તો દયા, દાન, વ્રત, આદિ બાહ્ય ક્રિયાકાંડમાં રોકાઈ જાય છે. પણ એય બધો વિકલ્પ-રાગ છે, ને રાગરૂપે થવું એ તદ્રૂપ ભવનમય શક્તિનું કાર્ય નથી. અરેરે! અજ્ઞાની જીવો શુભરાગની ક્રિયાનું શુદ્ધતાનું કારણ માની ધર્મના બહાને રાગનું જ સેવન કરે છે! પણ અરે ભાઈ! એ ક્રિયાના પ્રેમમાં તેં તારી ચીજને મરણતુલ્ય કરી નાખી છે, પોતાના ત્રિકાળ સત્ને તેં હણી નાખ્યું છે. સવારે ટેપરેકોર્ડીંગમાં કળશટીકાનો કળશ ૨૮મો ચાલ્યો હતો. બહુ જ સરસ વાત આવી હતી. શેઠ તો ખુશ થઈ બોલી ઉઠેલા-“દિવ્યધ્વનિ નીકળી.” અરે ભગવાન! ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરપુર તારી ચીજ ભરી છે. તો સર્વ ભેદવિકલ્પનું લક્ષ છોડી અંતર્મુખ લક્ષ કર, જેથી આનંદનો અનુભવ પ્રગટ થશે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
અહા! ભગવાન જિનેન્દ્રદેવ, સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે તદ્રૂપ ભવનરૂપ તારી શક્તિ છે, તારામાં તદ્રૂપ પરિણમનનું સામર્થ્ય છે. તારા પુરુષાર્થમાં આવું સામર્થ્ય ભર્યું છે, કેમકે તદ્રૂપ થવારૂપ તત્ત્વશક્તિનું પુરુષાર્થ શક્તિમાં રૂપ છે, પુરુષાર્થમાં પોતે શુદ્ધત્વરૂપ પરિણમે એવું તત્ત્વશક્તિનું રૂપ છે. સમજાણું કાંઈ...?
ભાઈ! આચાર્યદેવ તને ભગવાન કહીને બોલાવે છે. ૭૨મી ગાથામાં આચાર્યદેવે આત્માને ‘ભગવાન આત્મા’ કહીને જગાડયો છે. જેમ માતા બાળકને ઝુલામાં ઝુલાવે ત્યારે મીઠાં હાલરડાં ગાઈ તેની પ્રશંસા કરે છે, ને તેને સુવાડે છે. બાળકને અવ્યક્તપણે પ્રશંસા પ્રિય હોય છે. તેમ સંતો તને જગાડવા માટે તારા સ્વરૂપનાં મીઠાં ગીત ગાય છે. અરે ભાઈ! તારા ગુણનાં મીઠાં-મધુરાં ગીત શું તને પ્રિય નથી? જાગ નાથ! જાગ; ચૈતન્યની ચમત્કારિક શક્તિથી ભરેલો ભગવાન! તું સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મા છો. તદ્રૂપ ભવનરૂપ તારા સ્વભાવને ભૂલીને દયા, દાન આદિ રાગના પ્રેમમાં તેં તારા ચૈતન્યદેવને મરણતોલ કરી નાખ્યો છે. રાગના પ્રેમમાં પ્રભુ! તારી ચૈતન્યસંપદા હણાઈ-લૂંટાઈ રહી છે.
કેટલાક તો વળી એમ માને છે કે-આ ધંધાપાણીમાં ને વિષયમાં લક્ષ જાય તેને રાગ કહેવાય, પણ વ્રત, તપ,