૧૪૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સઘળોય ખરેખર એક આત્મા છે.” આમ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે તેનું તદ્રૂપ-જ્ઞાનરૂપ, આનંદરૂપ, વીતરાગતારૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે.
બહુ ઝીણી વાત છે પ્રભુ! અત્યારે તો ધર્મના નામે બહુ ગોટા ઉઠયા છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં લોકો ધર્મ માની બેઠા છે, પણ એ માન્યતા તો મિથ્યા છે બાપુ! અહીં કહે છે-સમ્યગ્દર્શનસ્વરૂપ જે પોતાની ચીજ અંદર અખંડ એકરૂપ છે તે ધ્યેયરૂપ નિજ વસ્તુમાં એક તત્ત્વશક્તિ પડી છે. તેનું તદ્રૂપ-જ્ઞાતાદ્રષ્ટારૂપ, વીતરાગતારૂપ, આનંદરૂપ પરિણમન થાય તે તત્ત્વશક્તિનું સ્વરૂપ છે. હવે આવો ઉપદેશ કદી સાંભળ્યો ન હોય, ને માત્ર મૂઢપણે જિંદગી વ્યતીત કર્યે જાય. બહારમાં કદાચિત્ ડાહ્યો ગણાય તોય શું? એ તે કાંઈ ડહાપણ છે? પોતાના હાથમાં રહેલું હથિયાર પોતાનું જ ગળું કાપે તો એ હથિયાર શું કામનું? તેવી રીતે જે ડહાપણથી તારા ભવ વધી જાય તે ડહાપણ શું કામનું? એ તો નરી મૂઢતા જ છે.
આ તત્ત્વશક્તિ છે તે ત્રિકાળ ધ્રુવ છે. તેના પરિણમનમાં તેની પ્રતીતિ થાય છે. પરિણમન થયા વિના તેની પ્રતીતિ કયાંથી થાય? આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ ત્રિકાળ છે, પણ પર્યાયમાં અતીન્દ્રિય આનંદના રસનું વેદન આવ્યા વિના અતીન્દ્રિય આનંદસ્વરૂપની પ્રતીતિ કયાંથી આવે? કારણ તો ત્રિકાળ ધ્રુવ છે, તદ્રૂપ કાર્ય થાય તેમાં કારણની પ્રતીતિ આવે છે, અને એનું નામ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ...? તત્ત્વદ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે બાપુ! પણ તેના વિના બધું ધૂળધાણી છે. આ દેહના રજકણ તો ગમે ત્યારે સાથ છોડી દેશે, ને તત્ત્વદૃષ્ટિ વિના એ ચોરાસીના ચક્કરમાં એ કયાંય અટવાઇ જશે. ભાઈ, હમણાં જ તત્ત્વદ્રષ્ટિનો પુરુષાર્થ કર.
પણ તત્ત્વદ્રષ્ટિ બહુ કઠણ છે ને? હા, કઠણ છે; અનંત કાળમાં તત્ત્વદ્રષ્ટિ કરી નહિ તેથી કઠણ કહી છે, પણ તે અશકય નથી. કળશ ટીકામાં આવે છે કે આ વસ્તુ સમજવી અતિ કઠણ છે, પણ શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં આનંદનો અનુભવ થાય છે. શુદ્ધ સ્વરૂપનું અંતર્મુખ અનુભવન-તદ્રૂપ-જ્ઞાનાનંદરૂપ ભવન કરતાં આવો અનુભવ થઈ શકે છે. અરેરે! પુરુષાર્થ શું કહેવાય તેની લોકો ને ખબર નથી. આ કર્યું ને તે કર્યું-એમ અનેક પ્રકારના મિથ્યા વિકલ્પો કરે તેને લોકો પુરુષાર્થ કહે છે. બધા આંધળે-આંધળા હોય ત્યાં શું થાય? ચાલનારોય આંધળો ને માર્ગ દેખાડનારોય આંધળો; પછી બન્ને કૂવામાં (સંસારમાં) જ પડે ને!
અહા! ૩૨ લાખ વિમાનનો સ્વામી સૌધર્મ-ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે ભગવાનની વાણી સાંભળવા આવે છે. અહા! તે વાણીનું શું કહેવું? તથાપિ ઇન્દ્ર તે વાણીમાં ને તેને સાંભળવાના રાગમાં તન્મય નથી. મારી પર્યાયમાં વાણીની ને રાગની નાસ્તિ છે એમ તે માને છે. હવે ઓલા ૩૨ લાખ વિમાનનું સ્વામીપણું તો કયાંય જતું રહ્યું. એ તો એ બધાને પરજ્ઞેયપણે જાણે છે. અહો! સમ્યગ્દ્રષ્ટિ પુરુષો આવી તત્ત્વદ્રષ્ટિ વડે બહારમાં કયાંય ગુંચાતા નથી, મુંઝાતા નથી.
અહા! તદ્રૂપભવનમય તત્ત્વશક્તિ છે. આ તત્ત્વશક્તિ દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા! શક્તિ શક્તિપણે ત્રિકાળ છે, તે પર્યાયમાં ક્યારે વ્યાપક થાય? કે તત્સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈને પરિણમન થાય ત્યારે તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહા! આમ શક્તિ પર્યાયમાં વ્યાપક થતાં દ્રવ્ય તત્સ્વરૂપ ત્રિકાળ, ગુણ તત્સ્વરૂપ ત્રિકાળ ને વર્તમાન પર્યાય પણ તત્સ્વરૂપ પ્રગટ થાય છે, ને આનું નામ ધર્મ છે. હવે કેટલાકને તો દ્રવ્ય-ગુણ-પર્યાય શું એય ખબર ન હોય અને માને કે એમ જૈન છીએ, પણ બાપુ જૈન કાંઈ સંપ્રદાયની ચીજ નથી, એ તો વસ્તુના તદ્રૂપ પરિણમનસ્વરૂપ છે. અરે ભગવાન! તારું રૂપ શું, તારું સ્વરૂપ શું ને તારું તદ્રૂપ ભવન શું-એ બધું સમજ્યા વિના તને ધર્મ કયાંથી થશે?
આગળ સ્વધર્મવ્યાપકત્વશક્તિનું વર્ણન આવી ગયું. તેમાં કહ્યું કે-રાગ છે તે પરધર્મ છે, તે રાગમાં આત્મા વ્યાપક નથી. અહીં કહે છે-તત્સ્વરૂપ પરિણમન થાય તે તારું રૂપ છે. જ્ઞાન ને આનંદનું પરિણમન થાય તે રૂપ તત્ત્વશક્તિ છે, ને તે તત્ત્વશક્તિમય તું ભગવાન આત્મા છો. ઓહો! આ તારી ચૈતન્ય ઋદ્ધિ-સંપદાને જરા જો તો ખરો! તારામાં શું ભર્યું છે તેની આ વાત ચાલે છે. પ્રભુ! તું ધૂળની સંપદામાં મૂર્છા પામી મૂઢ થઈ ગયો છો, પણ તારી ચૈતન્યવસ્તુમાં અનંત ચૈતન્યસંપદાઓ-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ અનંત ગુણ સંપદાઓ ભરપુર ભરી છે. અહાહા...! જેની દ્રષ્ટિ કરતાં તું ન્યાલ થઈ જાય એવો ભગવાન! તું કારણપરમાત્મા છો.
એક વખતે પ્રશ્ન થયેલો કે-કારણ પરમાત્મા છે તો તેનું કાર્ય આવવું જોઈએ ને? ત્યારે કહેલું-કારણપરમાત્મા તો અંદર ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થાય તેમાં તેની પ્રતીતિ થાય ને?