શુભભાવને અશુચિ, જડ અને દુઃખના કારણ કહ્યા છે, ને ૭૪મી ગાથામાં તેને વર્તમાનમાં દુઃખરૂપ અને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ કહ્યા છે.
પ્રશ્નઃ– તો પછી અમારે શું કરવું? ઉત્તરઃ– એ તો કહીએ છીએ કે-રાગથી ભિન્ન થઈ અંતર-સ્વભાવનો અનુભવ કરવો, સ્વભાવમાં તદ્રૂપ થઈ પરિણમવું. આનું નામ ધર્મ છે. બાકી રાગની રુચિ છે, પરવસ્તુ દેહ ને ધનાદિમાં તન્મયતા છે એ તો અજ્ઞાન છે, મૂઢ પણું છે.
અહા! તત્ત્વશક્તિ છે એ તો ધ્રુવ ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થયા વિના આ (-શક્તિ) છે એની પ્રતીતિ કયાંથી થાય? અહા! અતીન્દ્રિય આનંદરૂપે પરિણમવું, જ્ઞાતાપણે પરિણમવું, અકષાય વીતરાગભાવરૂપે પરિણમવું તેને તદ્રૂપ ભવનમય તત્ત્વશક્તિ કહે છે. અહા! આ શક્તિના વર્ણનમાં તો ઘણી ગંભીરતા છે. જેમ ‘જગત્’ શબ્દમાં કેટલું સમાઈ જાય છે? છ દ્રવ્ય, તેનાં ગુણ-પર્યાય, અનંત સિદ્ધ, અનંતાનંત નિગોદરાશિ ઇત્યાદિ બધું ‘જગત્’ શબ્દમાં સમાઈ જાય છે, તેમ આ તત્ત્વશક્તિમાં ઘણુંબધું સમાય છે. અહા! પોતાના સ્વસ્વરૂપે-એક ચૈતન્યરૂપે તદ્રૂપ પરિણમન થાય તેનું નામ તત્ત્વશક્તિ છે, તેમાં રાગનો અભાવ છે, કેમકે ચૈતન્યમાં રાગનો અંશ નથી.
આ શરીર તો જડ માટી-ધૂળ છે ભાઈ! ભગવાન આત્મામાં તેનો સદાય અભાવ છે. અરે, પણ એને કયાં પડી છે કે ભવિષ્યમાં શું થશે? અહીં મનુષ્યદેહની સ્થિતિ તો પચીસ-પચાસ, સો વર્ષની છે. ખબરેય ન પડે ને દેહ ફૂ થઈને ઉડી જાય. અહીંથી દેહ છૂટયા પછી કયાં જઈશ ભાઈ? કયાં ઉતારા થશે? કાંઈ વિચાર જ નથી, પણ આત્મા તો અનાદિ-અનંત વસ્તુ છે, એટલે તે અનંત કાળ રહેશે; પણ આ દેહની રુચિમાં તે કયાંય ચારગતિમાં રઝળશે- આથડશે. સમજાય છે કાંઈ...?
અરે! લોકો તો શરીર, બૈરાં-છોકરાં ને ધંધા-વેપારમાં સલવાઈ ગયા છે. અરેરે! આ ધંધાની લોલુપતાવાળા જીવો તો મરીને કયાંય પશુમાં અવતાર લેશે; કેમકે તેમને તદ્રુપ ભવનમય ધર્મ તો પ્રાપ્ત થયો નથી, અને પુણ્યનાં પણ કાંઈ ઠેકાણાં નથી. સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રનું સેવન કરવું તે પુણ્ય છે, એય તેમને નથી. ધંધાની લોલુપતા ને વિષય-ભોગની પ્રવૃત્તિ આડે એમને ધડીનીય નવરાશ નથી. પરંતુ ભાઈ! એ બધું ધૂળની ધૂળ છે બાપુ! એમાંનુ કાંઈ તારા સ્વરૂપમાં આવે એમ નથી.
શાસ્ત્રમાં આવે છે કે મનુષ્યનો ભવ અનંતકાળે માંડ એક વાર આવે છે. અને તોય અને અનંત વાર મનુષ્યનો ભવ મળ્યો છે. અહા! જેટલા અનંત ભવ એણે મનુષ્યના કર્યા છે એનાથી અસંખ્યાત ગુણા અનંત ભવ એણે નરકના કર્યા છે; અને જેટલા ભવ એણે નરકના કર્યા છે એનાથી અસંખ્ય ગુણ અનંત ભવ એણે સ્વર્ગના કર્યા છે. નારકી તો મરીને સ્વર્ગે જતા નથી, ને મનુષ્યો બહુ થોડા છે. સંજ્ઞી પંચેન્દ્રિય પશુ મરીને સ્વર્ગે જાય છે. અઢી દ્વીપની બહાર ઘણાં પશુ છે તેમાંથી મરીને શુભભાવના ફળમાં ઘણા જીવો સ્વર્ગમાં જાય છે. જીવે સ્વર્ગના જેટલા ભવ કર્યા છે તેનાથી અસંખ્ય ગુણા અનંત ભવ તિર્યંચના કર્યા છે. એક શ્વાસ લેવાય એટલા સમયમાં તો જીવ નિગોદમાં અઢાર ભવ કરી લે છે. અહા! જીવે અનંત કાળ નિગોદમાં વીતાવ્યો છે. આમ ચાર ગતિની રઝળપટ્ટીમાં એણે દુઃખ જ દુઃખ-પારાવાર દુઃખ ઉઠાવ્યું છે.
અહીં એક કાંટો વાગે તો કેવું દુઃખ થાય છે? રાડ પાડી જાય છે. એક કાંટો વાગતાં ભારે દુઃખી થાય છે. પહેલી નરકમાં ઓછામાં ઓછી દસ હજાર વર્ષની આયુષ્યની સ્થિતિમાં આના કરતાં અનંતુ દુઃખ છે; ને નિગોદના દુઃખનું તો શું કહેવું? ભગવાન સિદ્ધનું અનંત સુખ ને નિગોદનું અનંત અનંત દુઃખ-તેનું કથન કેમ કરી કરવું? ભાઈ! તેં આવા દુઃખમાં અનંત કાળ વીતાવ્યો છે. અહીં એ દુઃખથી નિવૃત્તિનો આચાર્યદેવ ઉપાય બતાવે છે.
કહે છે-એક વાર સાંભળ તો ખરો પ્રભુ! અહીં અમે ભવનો અભાવ કરવાનો ઉપાય તને કહીએ છીએ. અહા! તારી વસ્તુમાં એક તત્ત્વશક્તિ નામની શક્તિ પડી છે. તેનું તદ્રૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે; તેમાં એકાગ્ર થઈ તેના આશ્રયે પરિણમતાં જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ-એવું તદ્રૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે. ભાઈ, શક્તિનું તદ્રૂપ પરિણમન થાય તેને જ અહીં આત્મા કહ્યો છે. શક્તિના પરિણમનમાં વિકારની વાત જ નથી. વિકાર તો બહારની ચીજ છે. અહીં તો ક્રમવર્તી નિર્મળ પર્યાય અને અક્રમવર્તી ગુણોના સમુદાયને આત્મા કહેવામાં આવ્યો છે. એ તો પ્રથમ જ કહેવાઈ ગયું કે-“ જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્-અવિનાભૂત અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે