૧૪૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આવો છું-એવા વિકલ્પનો પણ અભાવ છે. અહા! આવી સ્વસ્વરૂપની નિશ્ચલ ધ્યાન-દશામાં સ્વાશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય છેઃ અને એ ધ્યાનમાં જ વ્યવહાર મોક્ષમાર્ગ પણ સાથે- સહચર હોય છે. ધ્યાનમાં જેટલો સ્વ-આશ્રય થયો તેટલું દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન નિર્મળ છે, બાકી જે રાગ સહચર રહ્યો તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ રીતે ધ્યાનમાં બન્ને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે.
અહીં શક્તિના વર્ણનમાં થોડા શબ્દોમાં આખો ભંડાર ભર્યો છે. કહે છે-‘તદ્રૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ.’ અહાહા...! સચ્ચિદાનંદ સહજાત્મસ્વરૂપ ભગવાન આત્મા છે તે પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદ્રૂપ છે. આવો આત્માનો તત્ત્વ સ્વભાવ છે. ત્યાં-
• ત્રિકાળી એક જ્ઞાયકભાવરૂપ નિર્વિકલ્પ વસ્તુ તે સ્વદ્રવ્ય,
• અસંખ્યપ્રદેશી વસ્તુના આધારમાત્ર પોતાનો પ્રદેશ તે સ્વક્ષેત્ર,
• ત્રિકાળ વસ્તુમાત્રની મૂળ અવસ્થા-સ્થિતિ તે સ્વકાળ, અને
• વસ્તુની મૂળ સહજ શક્તિ તે સ્વ-ભાવ. અહા! આવી પોતાની અભેદ અખંડ નિર્વિકલ્પ ચીજનું વલણ કરીને તદ્રૂપ થઈને પરિણમવું તે ધર્મ છે. આવો માર્ગ સૂક્ષ્મ છે બાપુ! આ અલૌકિક વાત છે.
અરે, લોકોએ તો દયા, દાન, વ્રત, ભક્તિમાં ને લાખોનું ખર્ચ શુભકાર્યોમાં કરે એમાં ધર્મ માન્યો છે. પણ એ ધર્મ નહિ બાપુ! એ તો બધા વિકલ્પ છે, ને ધર્મ તો નિર્વિકલ્પ છે. અને પૈસા વગેરે તો જડ વસ્તુ છે. એ જડ મારી ચીજ છે એમ માનીને દાનમાં આપે એ તો મિથ્યાત્વનું સેવન છે. અહા! જેવો એક જ્ઞાયકભાવ છે તેવું તેનું તદ્રૂપ પરિણમન થવું તે ધર્મ છે. જ્ઞાયકના તદ્રૂપ ભવનરૂપ તત્ત્વશક્તિ છે તેમાં રાગનો-વિકલ્પનો અભાવ છે. માર્ગ તો આવો છે બાપુ!
અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વરૂપ, શુદ્ધતાસ્વરૂપ, આનંદસ્વરૂપ પરમ પવિત્ર પ્રભુત્વશક્તિસ્વરૂપ પ્રભુ છે. તેમાં તદ્રૂપ થવું, તે રૂપે ભવન થવું તે તત્ત્વશક્તિનું સ્વરૂપ છે. ભવન એટલે પરિણમન સહિતની શક્તિની આ વાત છે. તદ્રૂપ ભવન એટલે પરિણમન થવું તે શક્તિનું કાર્ય છે. અહાહા...! શુદ્ધ જ્ઞાનરૂપે, શુદ્ધ આનંદરૂપે, શુદ્ધ સમકિતરૂપે, પવિત્ર વીતરાગતારૂપે, શુદ્ધ પ્રભુત્વરૂપે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભગવાન આત્મા જેવો છે તેરૂપે તેનું પરિણમન થવું તે તત્ત્વશક્તિનું કાર્ય છે; તેમાં રાગનો અભાવ છે. આત્મા એકલું ચૈતન્યનું દળ છે, તેના તદ્રૂપ પરિણમનમાં રાગ સમાતો નથી. આમ રાગપણે-વ્યવહાર રત્નત્રયરૂપે થવું તે પોતાનો સ્વકાળ નથી, તે આત્મા નથી. અરે! લોકોને નિવૃત્તિ મળે નહિ, પોતાના સ્વરૂપની કાંઈ દરકાર નહિ ને આખો દિવસ સંસારના-પાપના કાર્યોમાં, વિષયકષાયમાં વીતી જાય છે. અરે ભગવાન! તારે કયાં જવું છે? અહીં કહે છે-જેમાં તદ્રૂપ પરિણમન થાય ત્યાં જવું છે, જેમાં પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો અભાવ છે એવા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદ્રૂપ થવું છે. લ્યો, આ ધર્મ કરવાની રીત છે.
જુઓ, પહેલો સૌધર્મ દેવલોક છે તેમાં ૩૨ લાખ વિમાન છેઃ એકેક વિમાનમાં અસંખ્ય દેવતા હોય છે, કોઈ વિમાન નાના છે તેમાં સંખ્યાત દેવો હોય છે. આ દેવલોકનો સ્વામી ઇન્દ્ર સમકિતી ને એકભવતારી છે; તેને હજારો ઇન્દ્રાણીઓ હોય છે, તેમાં જે એક મુખ્ય ઇન્દ્રાણી છે તેય સમકિતી ને એકભવતારી છે, એક ભવ કરીને તેઓ મોક્ષ પામશે. તેમને બહારમાં અઢળક સમૃદ્ધિ-સંપદા છે. પણ તે સમૃદ્ધિ-સંપદા પોતાના સ્વરૂપથી-સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી બાહ્ય છે, સ્વસ્વરૂપભૂત નથી એમ તેઓ માને છે, અનુભવે છે. અહા! સમ્યગ્દર્શન શું ચીજ છે, અને તેનો વિષય નિજ અંતઃતત્ત્વ એક જ્ઞાયકમાત્ર વસ્તુ કેવી અદ્ભુત અલૌકિક ચીજ છે એની લોકોનેખબર નથી.
અરે, લોકો તો લાખોનો ખર્ચ કરી મંદિર બંધાવો ને પ્રતિષ્ઠા કરાવો ઇત્યાદિ બહારમાં રોકાઈ ગયા છે, પણ એ તો મંદકષાયના પરિણામ છે ભાઈ! એ કાંઈ ધર્મ નથી. નિજ શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે, તે તદ્રૂપ પરિણમન છે. ધર્મીને તે વખતે જે શુભરાગ છે તેનાથી પુણ્ય જ બંધાય છે. તે પુણ્યબંધ અને તેનું ફળ જે આવે તેનું લક્ષ છોડી સ્વરૂપમાં સ્થિર થઈ જશે ત્યારે તે મોક્ષ પામશે. સમજાણું કાંઈ...?
અહીં તો આ સ્પષ્ટ વાત છે કે-કોઈ કરોડો રૂપિયા દાનમાં ખર્ચી મંદિર આદિ બનાવે તો ત્યાં જો રાગની મંદતા હોય તો પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તે આસ્રવ ભાવ છે, તેનાથી પુણ્ય બંધાય, ને તેના ફળમાં સંયોગ મળે, કદાચિત્ તેના ફળમાં વીતરાગ સર્વજ્ઞદેવની વાણી સાંભળવા મળી જાય, પણ ભગવાન કહે છે-અમારી વાણી સાંભળવામાં લક્ષ જાય એય રાગ છે, દુઃખ છે; ૭૨મી ગાથામાં અનેક પ્રકારના