બાકી બહાર તો ઘણી ગડબડ ચાલે છે. લોકો આવી સત્ય વાતનો પણ વિરોધ કરવા લાગ્યા છે. તેથી દૃઢતા માટે અહીં વિશેષ સ્પષ્ટ કરવામાં આવે છે. આત્મામાં જ્ઞાન, આનંદ આદિ અનંત નિર્મળ શક્તિઓ છે. તે શક્તિઓનું તેરૂપ પરિણમન થાય તે તદ્રૂપમયતા છે, ને રાગાદિરૂપ ને પરસ્વભાવરૂપ તે ન થાય તે અતદ્રૂપમયતા છે. આ રીતે રાગમય પરિણમન તે આત્માની ચીજ છે જ નહિ, તે તો અનાત્મા છે, પરદ્રવ્યના સ્વભાવમય છે, આવી ખૂબ ગંભીર સૂક્ષ્મ વાત છે.
બિલાડી તેના બચ્ચાને સાત સાત દિવસ સુધી સાત ઘરે ફેરવે છે. તેની આંખ ત્યારે બંધ હોય છે. જ્યારે તેની આંખ ખૂલે છે ત્યારે તે જગતને દેખે છે. તેની આંખો ખૂલી નહોતી ત્યારેય જગત તો હતું જ, અને આંખો ખૂલી ત્યારેય જગત છે. એમ આ નવીન પંથ નથી, અનાદિનો પંથ છે. તને ખબર નહોતી ત્યારે પણ આ વાત હતી, ને હવે તને ખબર પડી ત્યારે પણ આ વાત છે. એ તો અનાદિની છે. જે સમજે તેના માટે તે નવીન કહેવાય, પણ છે તો અનાદિથી જ. વીતરાગનો માર્ગ તો પ્રવાહરૂપે અનાદિથી ચાલ્યો આવે છે; જે સમજે તેને નવો પ્રગટ થાય છે. ભાઈ! તું પ્રયત્ન કરીને આ તત્ત્વ સમજ. સ્વસ્વરૂપથી છું, ને પરથી નથી-એવું તત્ત્વ સમજ; તારું અવિનાશી કલ્યાણ થશે. ઇતિ.
આ પ્રમાણે અહીં વિરુદ્ધધર્મત્વશક્તિ પૂરી થઈ.
‘તદ્રૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ. (તત્સ્વરૂપ હોવારૂપ અથવા તત્સ્વરૂપ પરિણમનરૂપ એવી તત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે-પરિણમે છે.)’
આ સમયસાર શાસ્ત્ર છે; તેમાં શક્તિના અધિકાર પર વ્યાખ્યાનો ચાલે છે. આત્મામાં અનંત શક્તિઓ છે. તે અનંતનું વર્ણન થઈ શકે નહિ; તેથી અહીં આચાર્યદેવે ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. પ્રવચનસારમાં નય અધિકારમાં ૪૭ નયનું વર્ણન કર્યું છે. ભૈયા ભગવતીદાસજી એક વિદ્વાન કવિ થઈ ગયા. તેમણે નિમિત્ત-ઉપાદાનના દોહા બનાવ્યા છે તેમાં પણ ૪૭ સંખ્યા છે. અને ચાર ઘાતિ કર્મની પ્રકૃતિ પણ ૪૭ છે. તેનો નાશ કરવાનો આમાં ઉપાય બતાવ્યો છે. દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં આમ વર્ણન કર્યું છેઃ-
तह्मा पयत्तचित्ता जूयं भक्ताणं समब्भसह।।
શું કહ્યું ગાથામાં? કે પોતાના આત્માના અનુભવરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. ઉપર ઉપરથી કોઈ ધારણા કરી લે એવી આ ચીજ નથી બાપુ! અહાહા...! ધ્રુવ દ્રવ્યને ધ્યેય બનાવી ધ્રુવના આશ્રયે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આનંદનો અનુભવ પ્રગટ કરવો તે મોક્ષમાર્ગ છે, તેનું નામ ધર્મ છે. આ ધ્યાનની દશા તે નિશ્ચલ એકાગ્રતાની સ્વરૂપ-રમણતાની દશા છે.
રાત્રે પ્રશ્ન થયેલો કે-જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય શું છે? ઉત્તરઃ– જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેય ત્રણે આત્મા છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞાન પણ આત્મા, ને જ્ઞેય પણ આત્મા જ છે. આવી ધ્યાન-દશા છે.
કળશ ટીકામાં લીધું છે કે-જ્ઞેય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. ભગવાન આત્મા જ્ઞાતૃ દ્રવ્ય છે; તેની જ્ઞેય એક શક્તિ છે, ને જ્ઞાન પણ એક શક્તિ છે. જ્ઞાતૃ દ્રવ્યની એકાગ્રતાના પરિણમનમાં બન્નેનું પરિણમન ભેગું જ છે. આમ જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય અને ધ્યાન-ધ્યાતા-ધ્યેય-બધું આત્મા જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ!
ભગવાન આત્મા અનંતગુણનિધાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. શક્તિ અને શક્તિવાન-એવો જેમાં ભેદ નથી એવી અભેદ દ્રષ્ટિ કરી અભેદ એક જ્ઞાયકસ્વરૂપમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે ધ્યાન છે, અને તે ધર્મ છે. તેમાં હું