૧૩૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે અબંધસ્વભાવી છે, ને તેના પરિણામ-મોક્ષમાર્ગરૂપ પરિણામ પણ અબંધસ્વભાવી જ છે. અબંધ પરિણામ બંધનનું કારણ થાય એમ કદીય બને નહિ. તેથી જે વડે બંધન થાય તે શુભરાગ ધર્મ નથી. વાસ્તવમાં જે બંધમાર્ગ છે તે અધર્મ છે. આવી વાત અમે સંપ્રદાયની સભામાં મૂકેલી. ત્યારે લોકો વિશ્વાસ રાખી બરાબર સાંભળતા. તે વખતે અમે દિગંબર શાસ્ત્રો વાંચતા હતા, પણ અમારા પ્રત્યે કોઈ શંકા ન કરતું. આદિપુરાણ, તત્ત્વાર્થ રાજવાર્તિક, સમયસાર, પ્રવચનસાર-આ બધાં દિગંબર શાસ્ત્રો અમે વાંચેલાં. અમે તો એમ સ્પષ્ટ કહેતા કે-આમાં (સંપ્રદાયમાં) આવી ગયા છીએ માટે આમાં જ રહીશું એમ નથી; વાત ફેરફારવાળી લાગશે તો અમે ક્ષણમાત્રમાં સંપ્રદાય છોડી દઈશું. (બન્યું પણ એમ જ).
અહીં કહે છે-પોતાનું જ્ઞાનસ્વરૂપ પોતાથી તત્સ્વરૂપ છે, ને તે પરથી-જ્ઞેયથી-રાગથી અતત્સ્વરૂપે છે. અહા! આનંદસ્વરૂપ પોતે છે તેની પરિણતિ પણ આનંદરૂપ જ હોય છે; તે પરિણતિ પરદ્રવ્યરૂપ, પરજ્ઞેયરૂપ કે દુઃખરૂપ હોતી નથી; આનું નામ અતત્ છે. પોતાના સ્વભાવના અસ્તિત્વપણે, સ્વભાવને અનુસરીને પરિણતિ હોય છે તે તત્, અને તે પરના-પરભાવના અભાવરૂપ છે તે અતત્, અહા! આવો વિરુદ્ધધર્મત્વ નામનો જીવનો ગુણ-સ્વભાવ છે.
નિશ્ચયથી (નિશ્ચયના આશ્રયે) પણ ધર્મ થાય ને વ્યવહારથી (વ્યવહારના આશ્રયે) પણ ધર્મ થાય એવી માન્યતામાં તો વિરુદ્ધધર્મત્વશક્તિ ન રહી, એમાં તો વિરુદ્ધધર્મત્વનો અભાવ થયો. પણ વિરુદ્ધધર્મત્વ તો (જીવનો સ્વભાવ) છે જ. નિશ્ચયથી ધર્મ થાય, ને વ્યવહારથી ધર્મ ન થાય-એમ વિરુદ્ધધર્મત્વ છે. અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તે જ્ઞાન ને આનંદરૂપ પરિણમે છે, ને જ્ઞેયરૂપ ને વ્યવહારરૂપ થતો નથી તે આ વિરુદ્ધધર્મત્વશક્તિનું કાર્ય છે. ભાઈ! અનેકપણું માને તો વિરુદ્ધ (વિરુદ્ધધર્મત્વ) સિદ્ધ થાય, બધું એક આત્મા માને તેને વિરુદ્ધ સિદ્ધ ન થાય. વેદાંતી એક સર્વવ્યાપક ચૈતન્ય આત્મા માને છે તો ત્યાં એકમાં વિરુદ્ધશક્તિ કયાંથી સિદ્ધ થાય? ન થાય.
અહા! પોતે સ્વસન્મુખ થઈ પરિણમતાં ભેગું વિરુદ્ધધર્મત્વ સ્વભાવનું પરિણમન થાય છે, અને તેમાં રાગ અને પરના પરિણામનો અભાવ હોય છે કેમકે શક્તિની પરિણતિ રાગ અને પરના પરિણામથી અતત્સ્વરૂપે છે. આમ વ્યવહારથી નિશ્ચય થાય એ વાત અહીં ઉડી જાય છે. શક્તિના વર્ણનમાં દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પર્યાયની વાત છે. શક્તિ નિર્મળ છે, ને તેનું પરિણમન પણ નિર્મળ હોય છે, વિકારનું પરિણમન તેમાં સમાતું નથી. અહા! વસ્તુને પોતાના સ્વભાવથી તદ્રૂપમયતા છે, ને પરથી અતદ્રૂપમયતા છે. આવો વસ્તુસ્વભાવ છે. તેથી ભગવાન આત્મા વ્યવહાર અને પરદ્રવ્યથી અતદ્રૂપમય છે. રાગ અને પરદ્રવ્યના સ્વભાવનો શક્તિના પરિણમનમાં અભાવ છે તો હવે શરીર ને જડ કર્મ તો કયાંય રહી ગયાં; કર્મનો તો અભાવ જ છે, કેમકે કર્મથી અતદ્રૂપમય આત્માનો સ્વભાવ છે. અજ્ઞાની કહે છે કે કર્મના ઉદયથી વિકાર થાય છે, પણ અહીં તેનો નિષેધ કરે છે.
પ્રશ્નઃ– તો શું કર્મ કાંઈ જ નથી.? ઉત્તરઃ– કર્મ છે ને, પણ કર્મ કર્મમાં છે, આત્મામાં તે કાંઈ જ નથી. આત્મા પોતાના ચૈતન્યમય દ્રવ્ય-ગુણ- પર્યાયો સાથે એકરૂપ-તદ્રૂપ છે, પરંતુ કર્મથી અતદ્રૂપ છે; જુદો છે. જો આમ ન હોય તો જડ-ચેતનનો વિભાગ મટી જતાં આત્મા અને જડ બન્ને એકમેક થઈ જાય, અથવા તો વસ્તુનો જ અભાવ થઈ જાય. પણ એમ છે નહિ.
કર્મનો ઉદય અને વિકાર બન્નેથી આત્મા અતદ્રૂપમય છે. વિકાર વિકારમાં રહે છે; વિકારની પરિણતિ છે તે નિર્વિકાર પરિણમનમાં આવતી નથી. નિશ્ચયથી તો વિકારને (આત્માની) વસ્તુ જ ગણવામાં આવી નથી; વિકાર પર્યાયમાં છે તેને પરમાર્થે પરવસ્તુ ગણવામાં આવે છે. ભાઈ! વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે શુભરાગ છે, તેને જ્ઞાની પોતાના સ્વરૂપમાં ગણતો નથી, તેનું તે સ્વામિત્વ ને કર્તાપણું રાખતો નથી.
ચારિત્ર ગુણ છે તે વીતરાગતાપણે પરિણમે છે, રાગપણે નહિ, રાગથી તે અતદ્રૂપમય છે; આનંદ ગુણ છે તે આનંદરૂપે પરિણમે છે, દુઃખપણે નહિ, દુઃખથી તે અતદ્રૂપમય છે. આમ તદ્રૂપમયતા અને અતદ્રૂપમયતા એ વિરુદ્ધધર્મત્વશક્તિનું લક્ષણ છે. ભગવાન આત્મામાં અનંત ગુણો-ધર્મો છે. તે બધા નિર્મળ-પવિત્ર છે, ને તે પોતાની નિર્મળ પરિણતિમાં તદ્રૂપ-તન્મય છે, અને રાગાદિ વિકારમાં ને પરદ્રવ્યમાં અતદ્રૂપ-અતન્મય છે. અનંત ગુણનું તન્મય પરિણમન થાય છે, અને વિકાર તથા પરનું અતન્મયરૂપ પરિણમન થાય છે. વિકારમાં આત્મા ને આત્માની પરિણતિ તન્મય નથી. વાસ્તવમાં વિકાર ને વ્યવહારનું પરિણમન આત્માના અસ્તિત્વમાં છે એમ ગણવામાં આવતું નથી. આ તો વર્ષોથી ચાલતી આ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ તો ઘૂંટીઘૂંટીને દૃઢ કરવું જોઈએ ભાઈ!