વીતરાગતાપણે રહે છે, રાગપણે થતી નથી, આનંદની દશા આનંદપણે રહે છે, દુઃખપણે થતી નથી-આમ તત્- અતત્પણે વસ્તુ પોતે પરિણમે છે એવો આત્માનો વિરુદ્ધધર્મત્વ સ્વભાવ છે. આવો ભગવાનનો મારગ છે.
અનેકાન્તના ચૌદ બોલમાં તત્-અતત્ની સાથે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિ, ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવથી નાસ્તિ-એમ બીજા આઠ બોલનું ત્યાં વર્ણન કર્યું છે. પહેલાં તત્-અતત્ની વાત કરી ત્યાં જ્ઞાન-જ્ઞેય વચ્ચે તત્-અતત્પણું કહ્યું, અને પછી અસ્તિ-નાસ્તિના આઠ બોલનું વર્ણન કર્યું છે. કુલ ચૌદ બોલ ઉતાર્યા છે તે આ પ્રમાણેઃ તત્-અતત્; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિ અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિ; એક-અનેક; નિત્ય- અનિત્ય-આમ ચૌદ બોલથી અનેકાન્તનું સ્વરૂપ સમજાવ્યું છે. અહા! આ અનેકાન્ત તો જીવના જીવનનું પરમ અમૃત છે.
જીવને પોતાની પર્યાયમાં અનેક પ્રકારે વિપરીત શલ્ય હોય છે; રાગથી પણ ધર્મ થાય, ને આત્મા પરનું પણ કાર્ય કરે ઇત્યાદિ અનેક પ્રકારે જીવમાં અનાદિથી ઉંધાં શલ્ય પડેલાં છે. અનેકાન્ત તેનો નિષેધ કરીને, અસત્ય અભિપ્રાય છોડાવી, વસ્તુનું સાચું-સમ્યક્ જ્ઞાન કરાવે છે, ને સર્વ વિરોધ મટાડી દે છે. અહા! વિરોધ મટાડવાનો તેનો સ્વભાવ છે; કેમકે વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ શક્તિઓ એક સાથે ભલે હો, પણ તેઓ વસ્તુનો વિરોધ નથી કરતી, બલ્કે વસ્તુને નીપજાવે છે, સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે. તત્-અતત્પણું વસ્તુને વસ્તુમાં સ્થાપિત કરે છે. અહો! અનેકાન્ત એવો અભેદ કિલ્લો છે કે આત્માને તે સદા પરથી ભિન્ન જ રાખે છે, પરના એક અંશને પણ આત્મામાં ભળવા દેતો નથી. અહા! અંતર્દ્રષ્ટિ વડે આવા નિજ સ્વરૂપને ઓળખવું તે અપૂર્વ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.
પ્રવચનસાર ગાથા ૨૦૦માં એમ કહ્યું છે કેઃ- “હવે, એક જ્ઞાયકભાવનો સર્વજ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂત-વર્તમાન-ભાવી વિચિત્ર પર્યાય સમૂહવાળાં, અગાધ સ્વભાવ અને ગંભીર એવાં સમસ્ત દ્રવ્યમાત્રને-જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય ચીતરાઇ ગયાં હોય, દટાઇ ગયાં હોય, ખોડાઇ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઇ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ-એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે, ... તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું”
આ તો આમાં નિમિત્તથી કથન કર્યું છે. જ્ઞેય સંબંધી અહીં આત્મામાં જ્ઞાન થયું છે, બાકી જ્ઞેય કાંઈ જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન જ્ઞેયપણે થઈ જતું નથી. ભાઈ! ચારે પડખેથી સત્ય સમજવું જોઈએ, નહીંતર એકાન્ત થઈ જશે. સમજાણું કાંઈ...?
કેટલાક કહે છે-નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એમ માનો, નહીંતર એકાન્ત થઈ જશે. અરે ભાઈ! વસ્તુસ્થિતિ એમ નથી. નિમિત્ત તો પરવસ્તુ છે. તે પોતાનું કામ કરે ને પરનું પણ કામ કરે એમ વિરુદ્ધધર્મત્વ નથી; તે પોતાનું કામ કરે અને પરનું કામ ન કરે-એમ વિરુદ્ધધર્મત્વ વડે વસ્તુ યથાસ્થિત સિદ્ધ થાય છે; અને તે અનેકાન્ત છે. વસ્તુ પરપણે થતી જ નથી ત્યાં પરનું કામ કેવી રીતે કરે? માટે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એવી માન્યતા મિથ્યા શલ્ય છે.
વળી કોઈ કહે છે-વ્રત, તપ, ભક્તિના શુભરાગથી ધર્મ થાય એમ માનો, નહીંતર એકાન્ત થઈ જશે. અરે ભાઈ! ભગવાન આત્મા નિજ જ્ઞાનસ્વભાવથી તદ્રૂપ છે, ને વિકારથી-શુભાશુભરાગથી અતદ્રૂપ છે. વળી સ્વભાવનું ભાન થતાં જે નિર્મળ પરિણતિ થઈ તેય સ્વભાવથી તદ્રૂપ છે ને રાગાદિથી અતદ્રૂપ છે. હવે રાગ, નિર્મળ- વીતરાગ પરિણતિથી તદ્રૂપ જ નથી ત્યાં રાગથી ધર્મ થાય એ વાત કયાં રહે છે? આ પ્રમાણે રાગથી ધર્મ થાય એવી માન્યતા રાગની એકતાબુદ્ધિરૂપ મિથ્યા શલ્ય સિવાય કાંઈ નથી; એ મિથ્યા એકાન્ત છે.
અમે તો સં. ૧૯૮પમાં સંપ્રદાયમાં હતા ત્યારે બોટાદમાં એક મોટી સભામાં કહેલું કે-જે ભાવથી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય તે ભાવ ધર્મ નથી; કેમકે જે ભાવથી ધર્મ થાય તે ભાવથી કર્મબંધ ત્રણકાળમાં થાય નહિ. સભા તો વાત બરાબર સાંભળી રહી હતી, પણ અમારી પાસે અમારા ગુરુભાઈ બેઠા હતા તેમને આ વાત ન રુચી એટલે તેઓ ઊભા થઈને ચાલ્યા ગયા હતા. એ સભામાં અમે બીજી વાત પણ કહી હતી કે-પંચમહાવ્રતના પરિણામ આસ્રવ છે, ધર્મ નથી. માર્ગ તો આવો છે; ધર્મના પરિણામ તો અબંધ સ્વભાવી હોય, જેનાથી બંધ થાય તે ભાવ ધર્મ કેમ હોય? ન હોય. તેનાથી ધર્મ માનવો એ તો મહા અધર્મ છે, અનર્થ છે, વિપરીતતા છે.