૧૩૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અને ત્યારે અનંત ધર્મોનું ભેગું જ પરિણમન થાય છે. બધા જ ગુણો એક સાથે પરિણમે છે, પર્યાયમાં એકસાથે પરિણત થાય છે, ને તેમાં રાગનો-વિકારનો અભાવ છે. આ અનેકાન્ત છે. વ્યવહારનો અભાવ ને નિશ્ચયનો સદ્ભાવ-એનું નામ સમ્યક્ અનેકાન્ત છે.
‘તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વશક્તિ.’ જુઓ, સમયસારમાં તત્-અતત્ ઇત્યાદિ ચૌદ બોલ વર્ણવ્યા છે ત્યાં એમ લીધું છે કે-જ્ઞાયકસ્વભાવી આત્મા નિજ જ્ઞાયકસ્વરૂપથી તત્ છે, ને પરજ્ઞેયો તેમાં નથી તેથી જ્ઞેયસ્વરૂપથી અતત્ છે. અહા! પોતામાં જે જ્ઞાન આદિ ભાવ છે તે વડે તત્પણું છે, પણ પોતામાં જે ભાવ નથી તે વડે અતત્પણું છે. આત્મા જ્ઞાનસ્વરૂપથી તત્ છે, કેમકે આત્મા જ્ઞાનથી તદ્રૂપમય છે, પણ આત્મા રાગાદિથી-જ્ઞેયોથી અતત્ છે કેમકે આત્માને રાગાદિથી-પરજ્ઞેયથી અતદ્રૂપમયતા છે. આવી વાત! સમજાણું કાંઈ...? અહા! આ રીતે તત્પણું અને અતત્પણું એવા બન્ને વિરુદ્ધ ધર્મો એકી સાથે જેમાં રહેલા છે એવા આત્માનો વિરુદ્ધધર્મત્વ સ્વભાવ છે.
સમયસાર, પરિશિષ્ટમાં જ્ઞાયક અને જ્ઞેય વચ્ચે તત્-અતત્ ધર્મોનું વર્ણન કર્યું છે. જ્ઞાયક જ્ઞાયકસ્વરૂપે પોતાથી છે, અને જ્ઞેયસ્વરૂપથી-પરજ્ઞેયથી નથી એમ ત્યાં તત્-અતત્ભાવ કહેલ છે. પંચાધ્યાયીમાં એમ કહ્યું છે કે-વસ્તુ વસ્તુપણે પોતાથી તત્ છે, ને પરવસ્તુપણે તે અતત્ છે અર્થાત્ નથી. ત્યાં દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પણ તત્-અતત્પણું ઉતાર્યું છે. અહો! આ તો અનેકાન્તનું એકલું અમૃત છે.
પ્રત્યેક વસ્તુ પોતાથી છે તે તત્, અને પરવસ્તુપણે નથી તે અતત્; આવા તત્-અતત્ ધર્મો વસ્તુમાં એકી સાથે રહેલા છે એવી વસ્તુની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. અન્યમતમાં તો આ વાત છે જ નહિ. અન્યમતમાં તો એક જ આત્મા સર્વવ્યાપી છે એમ માને છે, તેઓ અનેકપણું માનતા નથી. પરંતુ જગતમાં અનંત દ્રવ્યો છે. તેમાં પ્રત્યેક દ્રવ્ય પોતાથી-પોતાના સ્વરૂપથી છે, અને તે અનંત પરદ્રવ્યપણે નથી આવો જ દ્રવ્ય-સ્વભાવ છે, વસ્તુસ્વભાવ છે. અહીં આત્મદ્રવ્યની વાત છે, તો કહ્યું કે-જ્ઞાન જ્ઞાનપણે છે, ને જ્ઞેયપણે નથી. આ રીતે તત્-અતત્પણું એ આત્મનિષ્ઠ આત્માના ધર્મો છે. અહા! જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા જ્ઞેયનું-રાગાદિનું જ્ઞાન કરે છે, પણ જ્ઞેય-રાગાદિ તેમાં છે નહિ, તેનો અતત્ સ્વભાવ રાગાદિને-પરજ્ઞેયને અંદર પ્રવેશવા દેતો નથી. જુઓ, આ આત્માને જીવિત રાખનારું ભેદજ્ઞાન! આ તો અલૌકિક ચીજ છે બાપુ!
પંચાધ્યાયીમાં આવે છે કે-તત્-અતત્ અને નિત્ય-અનિત્યમાં શું ફેર છે? તેને, તે છે અર્થાત્ તે-રૂપથી-સ્વરૂપથી તે છે તે તત્પણું છે, ને તેને, તે નથી, અર્થાત્ પરરૂપથી તે નથી તે અતત્પણું છે. આ તત્-અતત્ ધર્મો વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે. નિત્ય-અનિત્ય ધર્મો તો અપેક્ષિત ધર્મો છે. વસ્તુ દ્રવ્યરૂપથી ત્રિકાળ છે તે નિત્ય, ને પર્યાયરૂપથી ક્ષણિક છે તે અનિત્ય. આમ નિત્ય-અનિત્ય એ અપેક્ષિત ધર્મો છે. આમ બન્નેમાં ફેર-ફરક છે.
અહીં કહે છે-આત્મામાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓ રહે છે એવી એની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. જ્ઞાન પોતાથી છે, જ્ઞેયથી નથી-આમ જે છે તે નથી એમ વિરોધ થયો; પણ આવા વિરુદ્ધ ધર્મો એકી સાથે અવિરોધપણે વસ્તુમાં રહે છે એવી આત્માની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. આ ગુણ છે, તેની પરિણમનરૂપ પર્યાય છે. જ્યારે નિત્ય- અનિત્ય તો અપેક્ષિત ધર્મો છે. દ્રવ્ય કાયમ રહેવાની અપેક્ષા નિત્ય કહેવાય, નિત્ય કોઈ ગુણ નથી, તેમ તેની કોઈ પર્યાય હોતી નથી. તથા પર્યાય પલટે છે એ અપેક્ષા વસ્તુ અનિત્ય કહેવાય. અનિત્ય કોઈ ગુણ નથી, અને તેની પર્યાય થાય છે એમ પણ વસ્તુ નથી. નિત્ય-અનિત્ય અપેક્ષિત ધર્મો છે.
આત્માની વિરુદ્ધધર્મત્વશક્તિ છે તે તેનો સ્વભાવ-ગુણ છે. શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો-એક જ વાત છે. આ શક્તિનું તત્-અતત્પણે પરિણમન પણ છે. પોતાના જ્ઞાનપણે જ્ઞાન રહે છે, અજ્ઞાનપણે થતું નથી; વીતરાગતા