મોટો ઇંધનનો ઢગલો બળીને અગ્નિમય થાય છે. ઇંધનની અગ્નિ તે અગ્નિની અગ્નિ છે-એમ અદ્વૈત છે. આમ આત્મદ્રવ્ય એક છે. આ એક છે તે અપેક્ષિત ધર્મ છે. જેમ અગ્નિ ઇંધનરૂપ થઈ જાય છે તેમ જ્ઞેયનું જ્ઞાન અને પોતાનું જ્ઞાન એકરૂપ થાય છે. આ અદ્વૈત નય છે.
દ્વૈતનયે આત્મદ્રવ્ય અનેક છે, પરનાં પ્રતિબિંબોથી સંપૃક્ત અરિસાની જેમ. પરના પ્રતિબિંબના સંગવાળો અરીસો જેમ અનેક છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનમાં જ્ઞેયના સંગથી અનેકરૂપ છે. જ્ઞાન તો પોતાથી થાય છે, જ્ઞેયનું તેમાં નિમિત્ત છે બસ. અરીસામાં પ્રતિબિંબ પડે છે ત્યાં અરીસો ને પ્રતિબિંબ બે થઈ ગયાં-દ્વૈત થયું, તેમ જ્ઞેયનું જ્ઞાન, ને પોતાનું જ્ઞાન-એમ બેરૂપ થયું, દ્વૈત થયું.
ભગવાન આત્માને એક અપેક્ષાથી સર્વગત કહેવાય છે. પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે આત્માને અપેક્ષાથી સર્વગત કહ્યો છે. તેમાં લોકાલોક-સર્વનું જ્ઞાન થઈ જાય છે એ અપેક્ષાએ આત્મા સર્વગત છે એમ કહ્યું છે. પૂર્ણજ્ઞાન- કેવળજ્ઞાન સર્વને જાણે છે માટે સર્વગત કહ્યું છે. પણ સર્વગત એટલે પરમાં વ્યાપક થઈ જાય, પ્રસરી જાય એવો તેનો અર્થ નથી. બરફ અને અગ્નિ અરીસાની બહાર હોય છે. તેનું અરીસામાં પ્રતિબિંબ દેખાય છે. અરીસાની અંદર કાંઈ બરફ કે અગ્નિ નથી. જે દેખાય છે એ તો અરીસાની સ્વચ્છ અવસ્થા છે. ત્યાં અરીસો અને સ્વચ્છતાગત પ્રતિબિંબ - એમ દ્વૈત થયું. તેમ જ્ઞેયનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન-એમ દ્વૈત થયું. આમ દ્વૈત નયે આત્મદ્રવ્ય અનેક છે.
કળશ ટીકામાં એક-અનેક આવ્યું, નય અધિકારમાં એક-અનેક કહ્યું, અને અહીં શક્તિના અધિકારમાં એક- અનેક શક્તિ કહી. આમ તત્ત્વ અતિ વિશાળ છે. અહીં કહે છે-અનેક ગુણ-પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયતારૂપ આત્મા એક છે. અહા! એકત્વ એ આત્માનો સ્વભાવગુણ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-અનેક નિર્મળ નિર્મળ પર્યાયોમાં વ્યાપક થવા છતાં, આત્મા દ્રવ્યરૂપથી એક જ રહે છે, અનેક થતો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આ દ્વૈત- અદ્વૈત કહ્યા તે ગુણ નથી, એ અપેક્ષિત ધર્મ છે, એનું પરિણમન ન હોય. આ એકત્વશક્તિનું પરિણમન થતાં દ્રવ્યના- ભગવાન જ્ઞાયકના એકપણાનું જ્ઞાન થઈ આનંદની અનુભૂતિ થાય છે. અહો! આ અલૌકિક વાત છે. આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ-વેદન વિના જે કાંઈ-કાયકલેશ કરે, વ્રત પાળે, શાસ્ત્ર ભણે-એ બધો ય સંસાર છે. આવી વાત! સમજાય છે કાંઈ...?
ભગવાન આત્મા પોતાની એકત્વશક્તિથી સર્વ પર્યાયોમાં વ્યાપે, પ્રસરે-ફેલાય-એકરૂપ ત્રિકાળ એકદ્રવ્યમય વસ્તુ છે. ગજબ વાત છે ભાઈ! અહાહા...! પોતાના સર્વ ગુણ-પર્યાયોમાં વ્યાપક, એવો સર્વવ્યાપક એકદ્રવ્યમય, એકત્વરૂપ ભગવાન આત્મા છે. અરે ભાઈ! તારો આત્મા પરમાં વ્યાપક નથી, અને તે ક્રોધાદિ વિકારમાં વ્યાપક થતો નથી, તથા નિર્મળ ગુણ-પર્યાયોમાં વ્યાપે એવો તે એક જ્ઞાયકપણે જ રહ્યો છે, અને અનેકરૂપ-ભેદરૂપ થયો નથી, થતો નથી. માટે અનેકનું-ભેદનું લક્ષ છોડી એક જ્ઞાયકનું લક્ષ કર. એમ કરતાં તને સ્વભાવ સાથે એકમેક એવી સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયો પ્રગટ થશે. આવી વાત!
અહા! આ એકત્વશક્તિનું પરિણમન થતાં પર્યાયમાં આત્મદ્રવ્યનું એકપણું પ્રગટ થાય છે. વેદાંતમાં જે અદ્વૈત- એકપણું કહ્યું છે તે વાત અહીં નથી. આ તો પોતાના ગુણપર્યાયોમાં વ્યાપકપણું એવા એકમયપણાની વાત છે. જુઓ, અહીં શું કહ્યું છે? ‘અનેક પર્યાયોમાં વ્યાપક...’ -એમ કહ્યું છે. સર્વ દ્રવ્યોમાં વ્યાપક એમ વાત નથી. આત્મા પરદ્રવ્યમાં કદી ય વ્યાપક નથી. પોતાના અનેક પર્યાયો-ભેદો, અનંતગુણની નિર્મળ પર્યાયો સાથે આત્મા વ્યાપક થાય છે એમ વાત છે. આમાં મલિન પર્યાયની કોઈ વાત નથી, કેમકે આત્મદ્રવ્ય રાગાદિ મલિન પર્યાયમાં વ્યાપક થતું નથી. અહાહા...! પોતાની અનેક... અનંત નિર્મળ પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમય એકત્વશક્તિ આત્મદ્રવ્યમાં છે.
હા, પણ આમાં ધર્મ શું આવ્યો? અરે ભાઈ! મારો આત્મા શરીરાદિ પરદ્રવ્યમાં ને વિકારમાં વ્યાપક નથી, એ તો માત્ર પોતાની અનંત નિર્મળ પર્યાયોમાં જ વ્યાપક થાય છે; આવું જાણનાર-નિશ્ચય કરનારની દ્રષ્ટિ વિકારથી ને પરદ્રવ્યથી ખસી ત્રિકાળી નિજ આત્મદ્રવ્ય ઉપર સ્થિર થાય છે, અને તેનું જ નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. ભાઈ રે! તારા ગુણ-પર્યાયોથી બહાર બીજે કયાંય તારો આત્મા નથી, માટે તું બહાર ન શોધ, અંતરમાં શોધ, અંતર્મુખ થઈ સ્વરૂપમાં એકમેક ઢળી જા, કેમકે ધર્મ ધર્મી સાથે જ એકમેક છે. સમજાણું કાંઈ...! ભેદનું પણ લક્ષ છોડી નિજ એકત્વરૂપ ત્રિકાળી આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરે તેને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે, ને એનું જ નામ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.
શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું હોય, નવપૂર્વની લબ્ધિ હોય તોપણ એથી શું? અભવ્યને પણ એવું જ્ઞાન તો હોય છે. એક