થઈને જેને નિધાન મળે છે એવા અંધની માફક.”-૪૨.
“આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક.”-૪૩.
જુઓ, ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી મોક્ષ થાય એમ કહ્યું છે ત્યાં કયું અનુષ્ઠાન? રાગના અભાવરૂપ અનુષ્ઠાનની આમાં વાત છે. અધિકારમાં ત્યાં પ્રથમ જ વાત કરી છે કે-
“પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે (-જણાય છે).”
જુઓ, શ્રુતજ્ઞાનપ્રમાણમાં એક સાથે અનંત ધર્મો દેખાય છે માટે ક્રિયાનયના વિષયરૂપ ધર્મ ને જ્ઞાનનયના વિષયરૂપ ધર્મ ભિન્ન ભિન્ન કાળે છે એમ નથી. આ તો અપેક્ષિત ધર્મ છે. રાગના અભાવરૂપ અનુષ્ઠાનથી ક્રિયાનયે મોક્ષની સિદ્ધિ છે એમ ત્યાં કહ્યું છે; પણ તે જ કાળે જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી મોક્ષ થાય એવો ધર્મ સાથે જ છે. શ્રુતજ્ઞાન પ્રમાણ એકસાથે બધા જ ધર્મોને દેખે છે. પહેલાં જ્ઞાનનય અને પછી ક્રિયાનય એવું કાંઈ છે નહિ. ક્રિયાનયથી મોક્ષ કહ્યો ત્યાં રાગના અભાવરૂપ ધર્મની અપેક્ષા લેવી. ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ’ એમ કહ્યું છે ત્યાં પણ વીતરાગી ક્રિયાથી મોક્ષ થવાની વાત છે.
નયોના વિષયભૂત ધર્મો દ્રવ્યમાં એકીસાથે રહેલા છે. શ્રુતજ્ઞાનને પ્રમાણ કહ્યું છે, તે શ્રુતજ્ઞાન પ્રમાણ એક સમયમાં દ્રવ્યમાં એક સાથે રહેલા સર્વધર્મોને જાણે છે. માટે કોઈને ક્રિયાનયથી મોક્ષ થાય ને કોઈને જ્ઞાનનયથી મોક્ષ થાય એમ છે નહિ; વસ્તુ જ એવી નથી. તેથી જ અહીં ‘શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે’-એમ શબ્દ લીધા છે.
ભાઈ! એક સમયની યોગ્યતાને જ્ઞાન જાણે છે. જે સમયે મુક્તિ થવાની હોય તે જ સમયે તે થાય છે. કાળનયે મુક્તિ અને અકાળનયે મુક્તિ-એમ પણ નયના વર્ણનમાં આવે છે. ત્યાં મુક્તિ તો તેના સ્વકાળે થાય છે (આગળ-પાછળ નહિ), પણ કાળનયમાં કાળની અપેક્ષાએ વાત છે, ને અકાળનયમાં કાળ સિવાયનાં બીજાં નિમિત્તોની (સમવાય કારણોની) અપેક્ષાથી વાત છે. તેથી કોઈને કાળનયે મુક્તિ થાય, ને કોઈને અકાળનયે મુક્તિ થાય એમ વસ્તુ નથી. અરે, અત્યારે તો શાસ્ત્રના અર્થ કરવામાં ઘણી ગરબડ ચાલે છે. ભાઈ! લોકો તારી માનેલી (મિથ્યા) લૌકિક વાત માની લેશે, પણ તને ખૂબ નુકસાન થશે.
નિશ્ચયનયના વિષયરૂપ એક ધર્મ અને વ્યવહારનયના વિષયરૂપ બીજો ધર્મ-એ વાત પણ ત્યાં છે. આ બધા અપેક્ષિત ધર્મો એકસાથે ગણવામાં આવ્યા છે. ત્યાં કોઈને નિશ્ચયનયે મુક્તિ ને કોઈને વ્યવહારનયથી મુક્તિ-એમ વાત છે નહિ. શાસ્ત્રમાં કઈ અપેક્ષાથી કહ્યું છે તે સમજે નહિ, ને મતિ-કલ્પનાથી અર્થ કરે તો મહા વિપરીતતા થાય, માટે અપેક્ષા સમજીને અર્થ કરવા જોઈએ.
એકત્વશક્તિના વર્ણનમાં એકદ્રવ્યમયતા કહી હતી, અહીં અનેકત્વશક્તિના કથનમાં એક દ્રવ્યથી વ્યાપ્ય જે અનેક પર્યાયો તેપણામય અનેકત્વશક્તિ કહી છે. એક આત્મદ્રવ્ય પોતે જ અનેક પર્યાયોરૂપ થાય છે એવી એની અનેકત્વ શક્તિ છે. એકત્વ અને અનેકત્વ-બન્ને સ્વભાવરૂપ આત્મા પોતે જ છે, તેથી આત્મસન્મુખતાથી જ તેની યથાર્થ પ્રતીતિ થાય છે; રાગથી ને પર-નિમિત્તથી નહિ, કેમકે રાગનો ને પરનો શક્તિઓમાં અભાવ જ છે. આવી વાત છે.
આ પ્રમાણે અહીં અનેકત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘વિદ્યમાન-અવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ.)’
જુઓ, આત્મામાં એક ભાવશક્તિ એવી છે કે તેની કોઈ એક નિર્મળ પર્યાય વર્તમાન-વિદ્યમાન હોય જ છે. પર્યાય કરવી પડે એમ નહિ, કોઈ નિમિત્તથી થાય એમે ય નહિ; ભાવશક્તિનું સ્વરૂપ જ એવું છે કે વર્તમાન નિર્મળ પર્યાય