૧પ૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ વિદ્યમાન હોય છે. અહાહા...! જે સમયમાં ભાવશક્તિનું પરિણમન થાય છે તે સમયે નિર્મળ પર્યાય વિદ્યમાન હોય છે. અહા! વિદ્યમાન-પર્યાયવાળાપણે ભાવશક્તિ છે. નિર્મળ પર્યાયને હું કરું તો તે હોય એવી વાત નથી.
અહાહા...! અનંતગુણનું ચૈતન્યનિધાન પ્રભુ આત્મા છે. તેમાં જેમ જ્ઞાનશક્તિ છે, આનંદશક્તિ છે, શ્રદ્ધાશક્તિ છે, તેમ એક ભાવશક્તિ છે. ભાવશક્તિનું સ્વરૂપ શું? તેનું કાર્ય શું? તો કહે છે-ભાવ નામ ભવન-નિર્મળ પરિણમનના ભવનરૂપ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય છે. અનંત ગુણોની નિર્મળતારૂપ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે એવું આ શક્તિનું સ્વરૂપ છે. અહીં શક્તિનું જેને પરિણમન થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિની વાત છે, મિથ્યાદ્રષ્ટિની વાત નથી, મિથ્યાદ્રષ્ટિને તો શક્તિની પ્રતીતિ જ નથી. ભાવશક્તિ અને શક્તિવાન આત્મા-તેનો જેને અનુભવ વર્તે છે તેને, કહે છે, નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે. અહાહા...! જેને ભગવાન આત્માની અંતર-પ્રતીતિ થઈ, જ્ઞાનમાં નિજ જ્ઞાયક જણાયો, ને નિર્મળ જ્ઞાન સાથે અનાકુળ આનંદ પ્રગટ થયો તેને ભાવશક્તિનું પરિણમન થયું છે જેથી તેને વર્તમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન જ છે. આવી સૂક્ષ્મ વાત! સમજાય છે કાંઈ...?
હવે ભાવશક્તિનું આવું સ્વરૂપ છે ત્યાં પર નિમિત્તથી થાય, ને વ્યવહાર-રાગથી થાય એમ કયાં રહ્યું? અરે, પૂર્વની પર્યાય નિર્મળ હતી માટે વર્તમાન પર્યાય નિર્મળ થઈ એમે ય નથી. વર્તમાન વિદ્યમાન પર્યાયને પૂર્વની પર્યાયની અપેક્ષા નથી. ધીરજથી સમજવું બાપુ! આ શક્તિના અધિકારમાં દ્રષ્ટિની પ્રધાનતા છે. આત્માનો ભાવશક્તિમય સ્વભાવ જ એવો છે કે તેમાં વર્તમાન નિર્મળ પર્યાય વિદ્યમાન હોય જ છે.
‘સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા’માં કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે-પ્રત્યેક દ્રવ્યની પર્યાયમાં કાળલબ્ધિ હોય છે. એટલે શું? કે જે સમયે જે પર્યાય થાય તે તેની કાળલબ્ધિ છે. પ્રવચનસારની ગાથા ૧૦૨માં પર્યાયની ઉત્પત્તિની જન્મક્ષણ હોવાની વાત આવી છે. મતલબ કે વર્તમાનમાં જીવની મોક્ષદશા છે તે તેની કાળલબ્ધિ છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાય તેનું વાસ્તવિક કારણ નથી. (કારણ કહેવું તે વ્યવહાર છે.)
હા, તો પછી તેનું કારણ શું? એ જ અહીં કહે છે; વર્તમાન અવસ્થા વિદ્યમાનપણે હોય જ એવી આત્માની ભાવશક્તિ તેનું કારણ છે. વર્તમાન વર્તમાન વર્તતી પ્રતિસમયની અવસ્થા તેના સ્વકાળે વિદ્યમાન થાય એવી આત્માની ભાવશક્તિ છે તે કારણે છે.
હવે આમ છે ત્યાં રાગની ક્રિયાથી-વ્યવહાર-રત્નત્રયના રાગથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય, વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? રાગ તો બાપુ! બંધનું જ કારણ છે. તેનાથી અબંધસ્વરૂપ એવો મોક્ષમાર્ગ અને મોક્ષ કદી ય પ્રગટ થતો નથી. મોક્ષમાર્ગથી મોક્ષ પ્રગટે છે એમ નથી, ત્યાં રાગની શું કથા? અહાહા...! અબંધસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રયે ક્રમે મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટે છે. એ તો પહેલાં આવી ગયું કે જ્ઞાનમાત્ર વસ્તુનું પરિણમન થતાં ભેગી અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે. આવી સ્વાનુભવની દશા હોય છે. એ સ્વાનુભવની દશા કાંઈ વિકલ્પથી કે નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. સ્વકાળે વિદ્યમાન એ દશા, અહીં કહે છે, ભાવશક્તિનું કાર્ય છે, ને પોતાના દ્રવ્યસ્વભાવની સન્મુખ થતાં તે પ્રગટ થાય છે.
જો કે આ આત્મા શરીરપ્રમાણ છે, તથાપિ તે શરીરથી તદ્ન ભિન્ન છે. શરીર તેનું કાંઈ સંબંધી નથી. આવો ભગવાન આત્મા અસંખ્યપ્રદેશી વસ્તુ અનંત ગુણોથી વિરાજમાન મોટો (સર્વોત્કૃષ્ટ) ચૈતન્ય બાદશાહ છે, અસંખ્ય પ્રદેશ તેનો દેશ છે, તેમાં વ્યાપક અનંત ગુણ તેનાં ગામ છે, ને એકેક ગામમાં અનંતી નિર્મળ પર્યાયરૂપ પ્રજા છે. આ પર્યાયરૂપ પ્રજા કેવી રીતે પ્રગટ થઈ? તો કહે છે-અનંત ગુણમાં ભાવશક્તિનું રૂપ છે, તેથી પ્રત્યેકને વર્તમાન વિદ્યમાન અવસ્થાવાળાપણું છે. આવી ઝીણી વાત છે. (મતલબ કે ઉપયોગને ઝીણો કરતાં સમજાય તેમ છે).
જુઓ, આકાશમાં ધ્રુવનો તારો હોય છે. તેને લક્ષમાં રાખીને સમુદ્રમાં વહાણ ચાલે છે. ધ્રુવ તારો તો જ્યાં છે ત્યાં છે, તેનું સ્થાન ફરતું નથી, પણ મોટાં વહાણો હોય છે તે આ ધ્રુવના તારાને લક્ષમાં રાખી નિશ્ચિત સ્થાન પ્રતિ ગતિ કરે છે. તેમ ભગવાન આત્મા ધ્રુવ, ચિદાનંદ પ્રભુ, આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગ રસ, જીવનરસ-એવા અનંત ગુણના નિજરસથી ભરપૂર ભરેલો ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ છે. આવા ધ્રુવના લક્ષે વર્તમાન પર્યાયને અંદર ઊંડે (સન્મુખ) લઈ જતાં પર્યાયની ધ્રુવમાં એકતા થાય છે. રાગ અને પર નિમિત્ત સાથે એકતા હતી તે પલટીને ધ્રુવના લક્ષે ધ્રુવમાં એકતા થાય છે; આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. એકતા એટલે શું? ધ્રુવ ને પર્યાય કાંઈ પરસ્પર ભળીને એક થઈ જાય છે