એમ નહિ, પણ પર્યાય ધ્રુવની સન્મુખ થઈ તો તેને એકતા થઈ એમ કહેવામાં આવે છે. હવે આવું સત્ય અંદર બેસે નહિ, અંતર-અનુભવ કરે નહિ ને ખાલી વ્રતાદિ વડે કલ્યાણ થઈ જવાનું માને, પણ એ તો ભ્રાન્તિ છે, મિથ્યાદશા છે.
ભગવાન આત્મા ચૈતન્ય ગુણરત્નોથી ભરેલો રત્નાકર પ્રભુ છે. તેમાં એક ભાવશક્તિ નામનો ગુણ છે. આ ભાવશક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થાને પ્રગટ કરે છે, પ્રગટ કરે છે શું? શક્તિ પરિણમતાં વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે. ભાવશક્તિનું ભવન-પરિણમન હોતાં આત્માને વર્તમાન વિદ્યમાન-અવસ્થાયુક્તપણું હોય જ છે; અવસ્થા કરવી પડે એમ નહિ. અહીં નિર્મળ અવસ્થા લેવી, મલિન અવસ્થા શક્તિના કાર્યરૂપ નથી.
પ્રશ્નઃ– આત્મા અને તેની અવસ્થા પોતાથી વિદ્યમાન છે એ તો માન્યું, પણ અમારી અવસ્થામાં મિથ્યાત્વ વર્તે છે ને?
ઉત્તરઃ– અરે ભાઈ! આત્માની અવસ્થા પોતાથી જ છે એમ તેં કોની સામે જોઈને માન્યું? જો આત્માની સામે જોઈને માન્યું હોય તો પર્યાયમાં-અવસ્થામાં મિથ્યાત્વ રહે જ નહિ. પોતાની અવસ્થા પોતાથી જ વિદ્યમાન છે એવો દ્રવ્યસ્વભાવ જેણે સ્વીકાર્યો તેને નિર્મળ અવસ્થાનું જ વિદ્યમાનપણું હોય છે. ઓઘે-ઓઘે, જ ‘આત્માના ભાવ પોતાથી છે’ એમ જો તું માને છે તો દ્રવ્યસ્વભાવની સમ્યક્ પ્રતીતિ વિના તને મિથ્યાત્વાદિ વિકાર જ વિદ્યમાન છે; તેમાં અમે શું કરીએ? આવી મિથ્યાદશા તને અનાદિથી છે, તે સ્વભાવની-સ્વદ્રવ્યની સન્મુખ થઈ પરિણમતાં ટળી જાય છે, ને નિર્મળ પર્યાયોનો ક્રમ શરૂ થાય છે.
અરે! જીવે સમ્યગ્દર્શન કદી પ્રગટ કર્યું નહિ! અનંતકાળમાં બહારની માથાકૂટ કરીને મરી ગયો. એક તો સંસારનાં-પાપનાં કામ આડે એને ફુરસદ મળી નહિ, ને કદાચિત્ ફુરસદ મળી તો વ્રત, તપ, ભક્તિ આદિ રાગની મંદતાની ક્રિયામાં રોકાઈ ગયો, શું કરીને? ધર્મ માનીને. પણ ભાઈ! રાગની ક્રિયા મંદ હો તો પણ તે બંધનું જ કારણ છે, સંસારરૂપ છે અને સંસારનું કારણ છે; ભેગું મિથ્યાભાવનું મહાપાપ તો ઊભું જ છે, જે અનંત સંસારનું કારણ છે. જ્યારે જીવનશક્તિની વિદ્યમાન પર્યાય છે તે અબંધ છે. મોક્ષમાર્ગ-કે મોક્ષરૂપ છે; તેમાં વિકારનો-વિકલ્પનો અભાવ છે. શું કીધું? જેમાં ભાવશક્તિનું રૂપ છે એવી ભાવશક્તિનું રૂપ છે એવી જીવન શક્તિ પરિણમતાં જીવનની વર્તમાન નિર્મળ અવસ્થા નિયમથી વિદ્યમાન હોય છે, તેમાં વિકારનો અભાવ છે. વસ્તુમાં વિકાર નહિ, ને તેના પરિણમનમાં ય વિકારનો અભાવ છે. આ અનેકાન્ત અને સ્યાદ્વાદ છે. સ્વભાવના અસ્તિરૂપ પરિણમનમાં વિકારની નાસ્તિ છે; આ અનેકાન્ત છે.
પ્રશ્નઃ– એક ભાઈ પ્રશ્ન કરતા કે અમે આ વ્રત, તપ, ભક્તિ આદિ કરીએ છીએ, ને ઘરબાર-કુટુંબને છોડી નિવૃત્તિ લીધી છે તે શું ધર્મ નહિ? જો એ ધર્મ ન હોય તો અમારે શું કરવું?
ઉત્તરઃ– એની તો અહીં વાત છે. શું? કે રાગથી ભિન્ન હું એક જ્ઞાયકસ્વરૂપ છું-એમ સ્વસન્મુખ થઈ ભેદજ્ઞાન પ્રગટ કરવું તે ધર્મ છે. દયા કરું, ને વ્રત કરું, ને તપ કરું-એમ કરવાનું માને છે એ તારું નિયમથી મરણ છે. સોગાનીજીએ કહ્યું છે કે ‘કરના સો મરના હૈ.’ હું રાગ કરું એ અભિપ્રાયમાં તારું ભાવમરણ થાય છે. અનંત ચૈતન્યશક્તિઓનો પિંડ તે હું નહિ, પણ રાગના કર્તાસ્વરૂપ હું છું એમ માનનાર પોતાની ચૈતન્યશક્તિનો ઘાત કરે છે, પોતાના સ્વભાવની હિંસા કરે છે. અહા! આવો આત્મ-ઘાત મહાપાપ છે.
અરેરે! એણે પોતાની દરકાર કરી નહિ. પચાસ-સો વર્ષનાં આયુષ્ય તો જોતજોતામાં વીતી જાય ભાઈ! ને ત્રસમાં રહેવાની સ્થિતિ ઉત્કૃષ્ટ બે હજાર સાગરોપમ છે. ત્યાં સુધીમાં જો ધર્મ પ્રગટ ન કર્યો તો સમજવું કે સ્થિતિ પૂરી થયે જીવ નિયમથી નિગોદમાં ચાલ્યો જશે, પછી અવસર નહિ રહે. આ બૈરાં-છોકરાં, ધન-સંપત્તિ ઇત્યાદિ કામ નહિ આવે, ને તેના લક્ષે એકલું પાપ જ થશે. કદાચિત્ પુણ્યના ભાવ કર્યા હોય તો ય તેના ફળરૂપે ભવ મળશે. પુણ્યના ભાવ પણ સંસાર છે ને તેનું ફળ પણ સંસાર છે.
અહીં કહે છે-પ્રભુ! તારી શક્તિમાં સંસાર નથી. એ શક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થા સહિત છે, તે અવસ્થામાં પણ સંસાર નથી. સંસારનો જે વિકલ્પ છે તેનો ભાવશક્તિ અને વિદ્યમાન અવસ્થામાં અભાવ છે. હવે આવી ચોખ્ખી વાત છે, છતાં લોકો રાડ નાખે છે કે-વ્યવહાર કરીએ છીએ તે સાધન છે. અરે ભાઈ! નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને ઉપચારથી સાધન કહ્યું છે, તે કાંઈ ખરેખર સાધન નથી. લોકોને એમ લાગે છે કે-અહીં નિશ્ચય... નિશ્ચય... ને નિશ્ચયની જ વાત કરે છે, પણ ભાઈ! નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. આમ નિશ્ચય- વ્યવહાર યથાર્થ