૧પ૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સમજવા જોઈએ.
એકાદ ભવ સ્વર્ગનો મળી જાય, પણ પછી ત્યાંથી નીકળીને પાછો પશુગતિ કે નરકગતિમાં ચાલ્યો જાય. વર્તમાનમાં બહુ શુભભાવ કર્યા હોય તો જીવ સ્વર્ગમાં જાય, તિર્યંચ મરીને આઠમા સ્વર્ગ સુધી જાય છે. ત્યાંનુ આયુષ્ય પૂરું કરીને પાછા તિર્યંચમાં પણ જવા સંભવિત છે.
પ્રશ્નઃ– સમ્મેદશિખરની જાત્રા કરે તો તેના ભવનો નાશ થાય એ તો ખરું ને? ઉત્તરઃ– ના, એમ નથી. સમ્મેદશિખરની ગમે તેટલી જાત્રા કરે તો ય એ શુભભાવ છે, અને શુભભાવથી બંધ થાય છે, મુક્તિ નહિ, ભવનાશ નહિ. એ તો સમકિતી જીવને જાત્રા આદિના ભાવ હોય છે તો તેના એવા શુભભાવને આરોપથી ઉપચાર કરીને ભવનાશક કહ્યો હોય છે, પણ વાસ્તવમાં જાત્રાનો શુભભાવ બંધરૂપ જ છે.
પ્રશ્નઃ– તો લોકોમાં કહેવાય છે ને કે શત્રુંજય અને સમ્મેદશિખરની જાત્રા કરો તો કલ્યાણ થાય છે? ઉત્તરઃ– ધૂળે ય કલ્યાણ ન થાય સાંભળને. જાત્રાના પરિણામ શુભરાગ છે ને એનાથી પુણ્યબંધ થાય, ધર્મ નહિ, કલ્યાણ નહિ. તેનો ઉપચારથી મહિમા કરવામાં આવ્યો હોય તો તેને ઉપચારમાત્ર જ સમજવો જોઈએ. વાસ્તવમાં તારા કલ્યાણનું કારણ તો ભાવશક્તિ છે. ભાવશક્તિની વર્તમાન વિદ્યમાન નિર્મળ અવસ્થા તે તારા કલ્યાણનું કારણ છે. આ ભાવશક્તિ દ્રવ્ય-ગુણમાં-અનંતમાં વ્યાપક છે, જેથી અનંત ગુણ સહિત દ્રવ્યની વર્તમાન અવસ્થા નિર્મળ વિદ્યમાન હોય જ છે, ને તે મુક્તિનું કારણ છે. આવી વાત છે.
ત્રિકાળી ભાવશક્તિ છે તે પારિણામિક ભાવે છે. તેનું પરિણમન થાય છે તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ત્રણ ભાવરૂપ હોય છે. ઉદયભાવ તે શક્તિનું કાર્ય નથી. અહા! નિર્મળ પર્યાયની વર્તમાન હયાતી હોય એવી ભાવશક્તિ જીવમાં ત્રિકાળ છે. ‘અમુક અવસ્થા’ એટલે અહીં નિશ્ચિત નિર્મળ પર્યાયની વાત છે. દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેને ભાવશક્તિની પ્રતીતિ થઈ છે તેને ભાવશક્તિના કાર્યરૂપ નિયમથી નિશ્ચિત નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે. ‘અમુક અવસ્થા’ એટલે ક્રમબદ્ધ જે નિર્મળ અવસ્થા થવાની હોય તે અવસ્થા વર્તમાન-વર્તમાન વિદ્યમાન હોય છે એમ વાત છે; અમુક અવસ્થા એટલે ગમે તે અવસ્થા એમ વાત નથી, પણ અમુક નિર્મળ નિશ્ચિત અવસ્થાની વાત છે.
અહા! આ ભાવશક્તિના વર્ણનમાં ઘણું રહસ્ય ભર્યું છે. ભાવશક્તિ પરિણમતાં-
• નિયમથી વર્તમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે; તેથી
• દ્રવ્યની પર્યાયનું (નિર્મળ પર્યાયનું) વ્યવહારરત્નત્રયનો વિકલ્પ કારણ નથી.
• દ્રવ્યની નિર્મળ પર્યાયનું દેવ-ગુરુ આદિ પર નિમિત્ત કારણ નથી.
• દ્રવ્યની પર્યાય કરવી પડે છે એમ નથી.
• દ્રવ્યની પર્યાય સ્વકાળે પ્રગટ થાય જ છે.
• દ્રવ્યમાં પ્રગટ થતી પર્યાય નિયત ક્રમથી ક્રમબદ્ધ પ્રગટ થાય છે. ઇત્યાદિ અનેક રહસ્યો આ ભાવશક્તિના વર્ણનમાં ભર્યાં છે.
અરે, લોકો તો પાંચ-પચીસ લાખ ખર્ચી મંદિર બનાવે ને જિનબિંબ પધરાવે એટલે કલ્યાણ થઈ જશે એમ માને છે, પણ એવું વસ્તુસ્વરૂપ નથી. મંદિર બનાવવાના શુભભાવથી પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. અમે તો સંપ્રદાયમાં હતા ત્યારે ય આ વાત બહુ જોર દઈને કહેતા. અરે ભાઈ! શુદ્ધ આત્મદ્રવ્યના લક્ષે નિર્મળ અવસ્થાયુક્ત શુદ્ધ રત્નત્રયનાં પરિણામ થાય તે મોક્ષનું કારણ છે. અહા! ભાવશક્તિનું ભવન... નિર્મળ વિદ્યમાન પર્યાયયુક્ત થવું તે તેનું કાર્ય છે. આ નિર્મળ અવસ્થાનું વ્યવહારરત્નત્રય કારણ નથી. વ્યવહારરત્નત્રય ધર્મીને હો, પણ એ તેની ધર્મપરિણતિનું-નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. વ્યવહારરત્નત્રય નિર્મળ અવસ્થાનું કારણે ય નથી, કાર્ય પણ નથી.
પંચસંગ્રહમાં કહ્યું છે કે- અગ્નિના તાપથી જો લાભ થતો હોય તો પતંગિયાં અગ્નિમાં પડે છે તેને લાભ થવો જોઈએ.