જળમાં સ્નાન કરવાથી જો લાભ થતો હોય તો જળચર પ્રાણીઓ જળમાં ડૂબકી મારે છે તેમને લાભ થવો જોઈએ. નગ્ન રહેવાથી જો મુક્તિ થતી હોય તો પશુઓ નગ્ન જ રહે છે, તેમને મુક્તિ થવી જોઈએ. કેશલુંચનથી જો ધર્મ થતો હોય તો ઘેટાના વાળ બારે મહિને કાપે છે તેને ધર્મ થવો જોઈએ. પરંતુ આ બધી તો જડની ક્રિયા બાપા! એનાથી ધર્મ ન થાય, ને રાગથી ય ધર્મ ન થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરે એ તો વસ્તુસ્થિતિ જ નથી.
આ શક્તિના વર્ણનમાં પર્યાયના પરિણમન સહિતની વાત છે. પરિણમનમાં એકેક શક્તિ અને શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે. શુદ્ધ પરિણમન વિના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પ્રતીતિ-સિદ્ધિ થતી નથી. પર્યાયરૂપ પરિણમન વિના કોની પ્રતીતિ? શેમાં પ્રતીતિ? વર્તમાન સહિત ત્રિકાળી દ્રવ્ય અને શક્તિની પ્રતીતિ પર્યાયમાં થાય છે. જીવને જ્યાં સુધી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી તેને શક્તિનું પરિણમન નથી, તેથી તેની પ્રતીતિમાં ત્રિકાળી દ્રવ્યની હયાતી નથી, તેને તો રાગની જ હયાતી છે. મલિન રાગની રુચિમાં તેને આત્મા ભાસતો નથી, તેને રાગ જ-મલિન અવસ્થા જ વિદ્યમાન છે. વાસ્તવમાં જેને પુણ્યની-રાગની મીઠાશ છે તેને નિજ જ્ઞાનસ્વભાવની અરુચિ-દ્વેષ છે. ‘દ્વેષ અરોચક ભાવ’-પરની રુચિ ને સ્વરૂપની અરુચિ તે નિજ આત્મદ્રવ્ય પ્રત્યેનો દ્વેષ છે. ધર્મીને રાગની રુચિ-પ્રેમ હોતાં નથી. રાગ હો, યથાસંભવ રાગ હોય છે, પણ ધર્મી પુરુષને તેની રુચિ હોતી નથી; તે તો રાગનો જ્ઞાતા-દ્રષ્ટા જ છે. સમજાણું કાંઈ...?
દરેક શક્તિ વીતરાગ સ્વરૂપ છે. શક્તિ અને શક્તિવાનને ઓળખી જ્યાં દ્રવ્ય-દ્રષ્ટિ કરે ત્યાં વીતરાગી પર્યાય પણ વિદ્યમાન થાય છે; રાગ એમાં વિદ્યમાનપણે છે જ નહિ. ધર્મી તો રાગને મારા જાણે છે બસ; તે જાણે છે એમ કહીએ એ ય વ્યવહાર છે, કેમકે રાગ છે તો રાગને જાણનારી જ્ઞાનની દશા થઈ છે એમ નથી. પોતાને જાણે ને રાગને-પરનેય જાણે એવો સહજ જ એનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તે જ્ઞાનની દશા પોતાથી પ્રગટ થઈ છે, રાગને લીધે નહિ, તેમાં રાગનો તો અભાવ જ છે. લ્યો, આવું વર્તમાન નિર્મળ અવસ્થાના હોવારૂપે ભાવશક્તિ છે તેનું વર્ણન પૂરું થયું.
આ પ્રમાણે અહીં ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘શૂન્ય (-અવિદ્યમાન) અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ’ (અમુક અવસ્થા જેમાં અવિદ્યમાન હોય એવાપણારૂપ અભાવશક્તિ)’
આ સમયસારનો શક્તિનો અધિકાર છે. શક્તિ એટલે ગુણ; આત્મા ગુણી શક્તિવાન છે. ભગવાન આત્મા ત્રિકાળી સત્ અવિનાશી વસ્તુ છે, ગુણા તેનું સત્ત્વ છે, સામર્થ્ય છે. અહાહા...! ગુણ કહો, શક્તિ કહો, સ્વભાવ કહો- બધું એક જ છે.
અહીં અભાવશક્તિનું વર્ણન છે. શું કહે છે? કે ‘શૂન્ય અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ છે.’ અહાહા...! આત્મા ચૈતન્ય દ્રવ્ય છે, તેની આ શક્તિ ત્રિકાળ ધ્રુવ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-તેની વિદ્યમાન અવસ્થા પર નામ આઠકર્મના અભાવરૂપ અવસ્થા છે, અને તે વર્તમાન વિદ્યમાન અવસ્થામાં પૂર્વોત્તર અવસ્થાઓનો પણ અભાવ છે.
અહા! ભાવશક્તિની જેમ આત્મામાં અભાવશક્તિ ત્રિકાળ છે. જેને અંતર્દ્રષ્ટિ-આત્મદ્રષ્ટિ થઈ તેને ભાવશક્તિનું પરિણમન થયું, અભાવશક્તિનું પણ પરિણમન થયું; તેથી તેને જે વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા થઇ તેમાં, અહીં કહે છે, આઠ કર્મની અવસ્થાનું અવિદ્યમાનપણું-શૂન્યપણું છે. અહા! આત્માના અનંતગુણની નિર્મળ અવસ્થાનું વર્તમાન વિદ્યમાનપણું છે તે, કહે છે, આઠ કર્મની અવસ્થાથી શૂન્ય છે.
અજ્ઞાનીઓ પોક મૂકે છે કે-અરે! કર્મનું જોર ઘણું! કર્મ મહા બળવાન! તેને કહે છે-ભાઈ, તારી પર્યાયમાં કર્મનો તો અભાવ છે, તે તને શું કરે? આઠ કર્મથી આત્મા શૂન્ય છે, ને તેના નિમિત્તે થતા વિકારથી-ભાવકર્મથી પણ તેની વિદ્યમાન નિર્મળ અવસ્થા શૂન્ય છે; ભાવકર્મની અવસ્થા અવિદ્યમાન છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે વિકલ્પ છે તેનાથી આત્માની વિદ્યમાન અવસ્થા શૂન્ય છે. અરે, લોકોને પોતાની શક્તિ અને શક્તિવાનની તથા તેના પરિણમનની ખબર નથી, ને કર્મનું જોર છે એમ ખાલી રાડો પાડે છે.