૧પ૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ભાઈ! તારી વર્તમાન વિદ્યમાન દશામાં કર્મનો-દ્રવ્યકર્મ-ભાવકર્મનો તો અભાવ છે, તદુપરાંત અહીં એમ કહેવું છે કે-તારી વિદ્યમાન દશામાં પૂર્વ પર્યાયનો પણ અભાવ વર્તે છે. માટે, અરેરે! પૂર્વે બહુ અપરાધ-પાપ કર્યા છે, હવે તેનાથી મુક્ત કેમ થવાય?-એવી કાયરતા છોડી, તારી વર્તમાન પર્યાયને સ્વભાવમાં વાળ તો પૂર્વના સર્વદોષનું નિવારણ થઈ તને નિર્મળ ધર્મપરિણતિ પ્રગટ થશે. અજ્ઞાનીને પણ પોતાની વર્તમાન ઉંધાઈની જ મલિનતા છે, કાંઈ પૂર્વની મલિનતા વર્તમાનમાં વિદ્યમાન નથી; પૂર્વની મલિનતાનો તો વર્તમાનમાં અભાવ જ છે. અહો! આમાં પ્રતિસમય વર્તમાન વર્તતી પર્યાયનો ‘ભાવ’ અને તેમાં બીજી પર્યાયોનો ‘અભાવ’-એમ બતાવીને તો પર્યાય- પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી છે, ને વર્તમાન પર્યાયને વર્તમાન ત્રિકાળી દ્રવ્યનું જ આલંબન બતાવ્યું છે. આ તો ગજબ વાત છે ભાઈ!
અહો! દ્રવ્યમાં જ્યારે જુઓ (દ્રષ્ટિ કરો) ત્યારે તેની નિર્મળ અવસ્થા પોતાથી જ વિદ્યમાનપણે વર્તે છે, અને તે અવસ્થામાં બીજી આગળ-પાછળની બધી અવસ્થાઓ અવિદ્યમાન જ છે. વર્તમાન વિદ્યમાન પર્યાયનું વર્તવાપણું તે ‘ભાવ’ ને ત્યારે બીજી પર્યાયનું નહિ વર્તવાપણું, અવિદ્યમાનપણું તે ‘અભાવ’. અહા! આવી બન્ને શક્તિઓ આત્મામાં એકસાથે ત્રિકાળ વર્તે છે.
તારું જ્ઞાન અજ્ઞાનના અભાવવાળું છે,
તારી શ્રદ્ધા વિપરીતતાના અભાવવાળી છે,
તારું ચારિત્ર કષાયના અભાવવાળું છે,
તારો આનંદ આકુળતાના અભાવવાળો છે.
-એમ તારી બધી જ શક્તિઓ વિભાવના અભાવવાળી છે. અહા! આવા નિજ સ્વભાવનો સ્વીકાર કરતાં જ પર્યાયમાં પણ સ્વભાવના તદ્રૂપ પરિણમન થઈ જાય છે, -આ જ ધર્મની રીત છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવને પ્રતીતિમાં લઈને તેના આશ્રયે પરિણમન કર્યા વિના ધર્મનો બીજો કોઈ ઉપાય નથી.
તો કેટલાક લોકો કહે છે કે-દયા, દાનના શુભભાવને નહિ માનો તો નરકમાં જશો. અરે ભાઈ! સાંભળ તો ખરો પ્રભુ! તું એક વસ્તુ છો કે નહિ? જો છો તો તેમાં વસેલી ત્રિકાળી શક્તિઓ છે કે નહિ? વસ્તુ તો તેને કહીએ કે જેમાં શક્તિનો વસવાટ હોય, જેમ ગામ તેને કહીએ જેમાં પ્રજાનો વસવાટ હોય. આ દયા, દાન, વ્રત આદિ ભાવ તો વિકારી વિભાવદશા છે, તે ભાવકર્મ છે; તેની શક્તિની વિદ્યમાન નિર્મળ દશામાં અવિદ્યમાનતા જ છે એવી આત્માની અભાવશક્તિ છે. અહાહા...! ભાવકર્મથી ભગવાન આત્મા શૂન્ય છે, ને તેના નિર્મળ પરિણમનમાં પણ ભાવકર્મનો અભાવ જ છે. શુભભાવને આ રીતે માનવા તે માનવું યથાર્થ છે. બાકી કેટલાક આવી વાત સમજે નહિ એટલે વિરોધ કરે, પણ આ વિરોધ કરવા જેવી ચીજ નથી બાપુ! આમાં તો તારા હિતની વાત છે. એનો વિરોધ તો પોતાનો જ વિરોધ છે. અમને તો કરુણા જ છે. શ્રીમદે કહ્યું છે ને કે-
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.
શુભભાવની રુચિવાળાને ક્રિયાજડ કહ્યા છે, ને બહાર જ્ઞાનની વાતો કરે, પણ અંદર ચૈતન્યનું ભિન્ન પરિણમન થવું જોઈએ તેનો જેને સ્વાભિમુખ ઉદ્યમ નથી તેને શુષ્કજ્ઞાની કહ્યા છે. બન્ને અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે.
તો જ્ઞાનીને શુભરાગ તો હોય છે? હા, જ્ઞાનીને શુભરાગઆવે છે, પણ તેને રાગની રુચિ, રાગનો પ્રેમ હોતો નથી. અહા! આત્મામાં વિકારી પરિણામના અભાવરૂપ સ્વભાવ છે તે જ્ઞાનીને પરિણમ્યો છે, જેથી તેની નિર્મળ વિદ્યમાન દશામાં વિકારની અવિદ્યમાનતા જ વર્તે છે. કિંચિત્ રાગ પર્યાયમાં છે તેને અહીં આત્મા કહેતા-ગણતા નથી. આત્માની શક્તિના અધિકારમાં વિકારને શક્તિના કાર્યરૂપ ગણવામાં આવતો નથી. આ અભાવશક્તિ દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી શક્તિમાં જેનો અભાવ છે, શક્તિની પર્યાયમાં પણ તેનો અભાવ-અવિદ્યમાનતા જ છે.
જ્ઞાનાવરણ આદિ આઠ કર્મની અવસ્થાથી ભગવાન આત્મા શૂન્ય છે. અજ્ઞાની કહે છે-મને કર્મ નડે છે. અરે ભગવાન! કર્મ તો બિચારાં જડ છે. તે તને શું નડે? પૂજાની જયમાલામાં આવે છે ને કે-