૧૬૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા! તારાં ચૈતન્યનિધાન તો જો. તેમાં રાગનો અભાવ છે. જેમ નરકમાં સ્વર્ગના સુખની ગંધ નથી, સ્વર્ગમાં નરકની પીડા નથી, પરમાણુમાં પીડા નથી, તેમ ભગવાન ચૈતન્યપ્રભુમાં વિકાર નથી. અહાહા...! ચૈતન્ય- સૂર્યના પ્રકાશમાં રાગના અંધકારનો અભાવ છે.
અરે, આ શરીર છે તે તો હાડ-માંસનું દુર્ગંધમય પોટલું છે. તેમાં શું રાચવું? તેમાંથી બહુબહુ તો રાખ ને ધુમાડો નીકળે, તેની ક્રિયામાંથી કાંઈ સમ્યગ્દર્શન આદિ રત્નો ન નીકળે; તેના લક્ષે રાગદ્વેષના અપવિત્ર, મલિન- ગંધાતા ભાવો થાય, કાંઈ જ્ઞાનમય ભાવ ન થાય. પણ અરે ભાઈ! અંદર આ તારું ચૈતન્યનિધાન અનંત ગુણરત્નોથી ભર્યું છે, તેમાં એકાગ્ર થઈને તું જો તો ખરો! અહાહા...! તેમાં જોતા ને જોતા રહેતાં તેમાંથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ચારિત્ર, મુનિદશા, કેવળજ્ઞાન અને સિદ્ધપદ ઇત્યાદિ નિર્મળ નિર્મળ રત્નોની હારમાળા ગુંથાએલી છે તે ક્રમે પ્રગટ થાય છે. અહો! અહીં કહે છે-કર્મ, શરીર ને રાગની દશાની અવિદ્યમાનતા જ હોય એવો ભગવાન આત્માનો અભાવશક્તિરૂપ સ્વભાવ છે.
પ્રશ્નઃ– તો પ્રવચનસારમાં કર્તૃનય કહ્યો છે તે શું છે? ઉત્તરઃ– પ્રવચનસારમાં ત્યાં જ્ઞાનપ્રધાન શૈલિથી વાત છે. ત્યાં કહ્યું છે- ‘આત્મદ્રવ્ય કર્તૃનયે, રંગરેજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે (અર્થાત્ આત્મા કર્તાનયે રાગાદિ પરિણામોનો કર્તા છે, જેમ રંગારો રંગકામનો કરનાર છે તેમ)’.
અહા! ધર્મીને સમ્યગ્દર્શન સાથે જ્ઞાનની-સમ્યગ્જ્ઞાનની દશા થઈ છે. તે જ્ઞાનમાં એમ જાણે છે કે-મારી પર્યાયમાં વિકાર છે. અને પરિણમન અપેક્ષા તેનો હું કર્તા છું. પરંતુ દ્રષ્ટિ વિકારને પોતાના સ્વરૂપમાં સ્વીકારતી નથી. તેથી દ્રષ્ટિની પ્રધાનતામાં ‘હું તો વિકારથી શૂન્ય છું’ -એમ જ્ઞાની અનુભવે છે. અહીં સમયસારમાં દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિની પ્રધાનતામાં વિકાર ગૌણ ગણી, નથી-અભાવરૂપ છે એમ કથન હોય છે. જ્યારે જ્ઞાન તો ક્રમમાં જે કિંચિત્ રાગ છે તેને પોતાના અપરાધરૂપ જાણે છે. (તેને પોતામાં ભેળવે છે એમ નહિ)
આચાર્ય અમૃતચંદ્રસ્વામી ત્રીજા કળશમાં કહે છે કે-
‘अविरतमनुभाव्य–व्याप्ति कल्माषितायाः’-હું તો દ્રવ્યદ્રષ્ટિએ શુદ્ધ ચૈતન્યમાત્ર છું, પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે-રાગાદિરૂપ થઈ રહી છે. મારી પર્યાયમાં દુઃખનું વેદન છે. જ્યારે અહીં શક્તિના વર્ણનમાં આચાર્યદેવ કહે છે કે-દુઃખના વેદનની અવસ્થાનો મારી વર્તમાન વિદ્યમાન નિર્મળ અવસ્થામાં અભાવ છે. ભાઈ, જ્યાં જે અપેક્ષાએ કથન હોય ત્યાં તેને અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ. ભાઈ! તારી ચીજ અલૌકિક છે, તે લૌકિક ક્રિયાથી પ્રાપ્ત થાય તેવી નથી. દ્રવ્યસંગ્રહમાં વ્યવહારનયને લૌકિક કહ્યો છે. માટે પુણ્યની- રાગની રુચિ છોડી સ્વભાવનું ગ્રહણ કર. જ્ઞાનીને રાગ આવે છે, પણ તે રાગને ગ્રહતા-પકડતા નથી; તેથી જ્ઞાની રાગની અવસ્થાથી શૂન્ય છે, એવો જ આત્મદ્રવ્યનો સ્વભાવ છે. અરે ભાઈ! આ તો પ્રસન્નતાના અંકુરો ફૂટે ને તું ન્યાલ થઈ જાય એવી આ વાત છે; વિદેહક્ષેત્રમાં ભગવાન સીમંધરસ્વામી બિરાજે છે ત્યાંથી આવેલી આ વાણી છે. સમજાય છે કાંઈ...?
દ્રવ્ય સ્વભાવ છે તે અશુદ્ધ અવસ્થાથી શૂન્ય છે, સર્વ ગુણની પર્યાયો પણ અશુદ્ધતાથી શૂન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્ય ગુણો અશુદ્ધ થતા નથી, અમુક ગુણની પર્યાય અશુદ્ધ થાય છે. સામાન્ય ગુણોમાં એક પ્રદેશત્વ ગુણની પર્યાય (સંસાર દશામાં) મલિન થાય છે. અગાઉ વાત કરી હતી કે અમુક ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે, બધા અનંત ગુણ કાંઈ અશુદ્ધરૂપે થતા નથી. અમુક દર્શન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે. પણ આ તો જ્ઞાન કરવા માટે છે, મતલબ કે જ્ઞાની એને જાણે છે બસ. (તદ્રૂપ થતો નથી). દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિમાં તો પ્રદેશત્વ ને જ્ઞાન આદિ ગુણની અશુદ્ધતાની દશાનો અભાવ જ છે.
અરે પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. અશુદ્ધતાથી શુદ્ધતા-ધર્મ થાય એમ માનીને તેં તારી ચીજનો ઘાત કર્યો છે, કેમકે શુદ્ધ દશામાં અશુદ્ધતાનો અભાવ વર્તે છે. તારા દ્રવ્યનો જ આવો સ્વભાવ છે. અંદર પૂર્ણ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે તે દ્રવીને શુદ્ધ થાય છે એમ ન માનતાં અશુદ્ધતામાંથી શુદ્ધ દશા પ્રગટ થાય, વા વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ માનતાં તારા સ્વભાવનો અનાદર થાય છે, અને તે જ આત્મઘાત છે. માટે વ્યવહારનો આશ્રય છોડી ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો આશ્રય કર; કેમકે દ્રવ્યસ્વભાવ ત્રિકાળ પવિત્ર છે, પરમ પવિત્ર છે, અને તેના આશ્રયે જ પવિત્રતાની પર્યાય પ્રગટ થાય છે.